નવસારી: (Navsari) આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગત 12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું (Dandi Yatra) શનિવારે નવસારી જિલ્લાના વાડા ગામે આગમન થયું હતું. વાડા ગામે પ્રવેશેલી દાંડીયાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત (Welcome) કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ, ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લા આગેવાનો સહિતના મહાનુભાવો, ગ્રામજનોએ યાત્રીઓનું સૂતરની આંટી પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વર્ષ 1930માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું 3જી એપ્રિલના રોજ વાડા ગામે પ્રવેશ કર્યો હતો. આ ઐતિહાસિક ક્ષણે ગ્રામજનોએ ગાંધીજી અને પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. વાડા, મરોલી ચાર રસ્તા, ચોખડ તથા ધામણ ગામે ઢોલ નગારા, તાસ સાથે ઉત્સાહભેર ભવ્ય સ્વાગત જોવા મળ્યુ હતું. યાત્રીઓ સવારે 9 વાગ્યે વાડા ગામ આવી પહોંચ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે ગામલોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ગામની બાળાઓએ ફૂલ પાંદડીઓ વડે તમામ યાત્રિઓને વધાવ્યા હતા.
દાંડીયાત્રાના સર્વે યાત્રિકોનું ડી.જે.બેન્ડ, ઢોલ-નગારા-તાસ સાથે સુતરની આંટી પહેરાવીને ગામેગામ સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંડીપથની બન્ને બાજુએ ગ્રામજનોએ હરોળમાં ઉભા રહીને દાંડીયાત્રીઓ પર પુષ્પવર્ષા કરીને સ્વાગત કરાયું હતું. ‘ભારત માતાકી જય’ અને અને ‘ગાંધીજી અમર રહો’ ‘ આઝાદી અમર રહો’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. ગ્રામજનોએ યાત્રાનું સ્વાગત અને સત્કાર ધામણ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
તે સમયની એતિહાસિક દાંડીયાત્રાનો નવસારીમાં પ્રવેશ
જે રીતે ગાંધીજીની દાંડીકૂચ નવસારી તરફ આગળ વધી રહી હતી અને લોકોમા જે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દાંડીકૂચ તારીખ 3 એપ્રિલના રોજ નવસારી પ્રાંતમાં પ્રવેશી. મીંઢોળા નદીથી શરૂ થતી ગાયકવાડી નવસારી પ્રાંતમાં પ્રવેશવા માટે નદીના તટ વચ્ચે પુલ ન હોવાથી ગામના લોકોએ પોતાના બળદગાડા મીંઢોળા નદીમાં ઉતારી એક પાછળ એક ગાડાને બાંધી સત્યાગ્રહીઓ પસાર થાય તેવો કામચલાઉ પુલ તૈયાર કર્યો હતો. કૂચે નદી પાર કરી નવસારી પ્રાંતમાં પ્રવેશ કર્યો. અહીં વડોદરા રાજય પ્રજામંડળ વતી ડૉ. સુમન્ત મહેતાએ ગાંધીજી અને સત્યાગ્રહીઓનું સ્વાગત કર્યું. ડાભેલ, કપ્લેથા વગેરે ગામના મુસ્લીમોએ પણ સ્વાગત કર્યુ હતું.