સુરત: (Surat) દારૂનો નશો કરીને પોતાની લક્ઝરી કાર મારફત એક યુવતીને કચડી નાખનાર નશેબાજ અતુલ વેકરીયા હવે પોલીસના હાથમાં આવી રહ્યો નથી. જ્યારે ઘટના બની ત્યારે પોલીસે (Police) તેની સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેને જવાની તક આપી દીધી અને હવે કોર્ટ દ્વારા તેની સામે 304ની કલમ દાખલ કરવા માટે મંજૂરી આપી દેવા છતાં ઉમરા પોલીસને અતુલ વેકરીયાને શોધવામાં જાણે રસ જ નથી. એક દિવસ પહેલા પણ ઉમરા પોલીસ અતુલ વેકરીયાના (atul Vekaria) ઘરે ગઈ હતી અને તે ભુગર્ભમાં ઉતરી ગયો હોવાની વાતો વહેતી કરી હતી પરંતુ સત્ય એ છે કે અતુલ વેકરીયાના અહેસાન તળે પોલીસ હવે તેને હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે તક આપી રહી છે.
પોલીસ ધારે ત્યારે અને ધારે તે ગુનેગારને પાતાળમાંથી પણ શોધી લાવે તેમ છે પરંતુ તેમ છતાં અતુલ વેકરીયા સુરત પોલીસના હાથમાં આવી રહ્યો નથી તે માની શકાય તેમ નથી. અતુલ વેકરીયા ભાજપનો કાર્યકર હોવાની સાથે ભાજપના અનેક નેતાઓ સાથે તેના નજીકના સંબંધો હતાં. જેને કારણે અતુલ વેકરીયાને બચાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે. અતુલ વેકરીયાના કેસમાં કાયદાને પણ પોલીસે શરમજનક હાલતમાં મુકી દીધો છે. ઉમરા પોલીસ જાણે અતુલ વેકરીયાના હાથમાં વેચાઈ ગઈ હોય તેમ ઘટનાને પાંચ દિવસ વીતી જવા છતાં પણ અતુલ વેકરીયા પકડાઈ રહ્યો નથી. આ ઘટનાએ એવું બતાવી આપ્યું છે કે પૈસાદાર વ્યક્તિ કાયદાને ગજવામાં લઈને ફરી શકે છે. હવે સુરત પોલીસ ઝડપથી અતુલ વેકરીયાને પકડીને પોતાની રહીસહી ઈજ્જત બચાવે છે કે પછી અતુલ વેકરીયા હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને પોલીસના ગાલે તમાચો મારે છે? તે જોવું રહ્યું.
મૃતક ઉર્વશીના પરિવારે પોલીસ અતુલ વેકરિયા સાથે સેટિંગબાજી કરી રહી હોવાના આક્ષેપ કર્યા
અતુલ વેકરીયાની કારે જેને કચડી નાખી છે તેવી ઉર્વશી ચૌધરીનો પરિવાર પોલીસ કમિશનર અજય તોમરને મળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યા હતાં કે આ આખા મામલામાં પોલીસ સેટિંગબાજી કરી અતુલ વેકરિયાને બચાવી લીધો છે. અતુલ વેકરિયા સામે સીધા પુરાવા હોવા છતાં તેની સામે માનવ વધનો 304 અનો ગુનો શા માટે પહેલા દાખલ કરવામાં આવ્યો નહીં? કમિ. અજય તોમર પાસે આ મામલે પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરી હતી.
કોંગ્રેસે કેન્ડલ માર્ચ કાઢી
મધ્યમવર્ગ પરિવારની યુવતીને કચડી નાખવા છતાં પણ ઉમરા પોલીસ નશો કરનાર અતુલ વેકરીયાને છાવરી રહી હોવાથી તેના વિરોધમાં આજે કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી હતી. કોંગ્રેસ દ્વારા શુક્રવારે સાંજે વેસુ રોડ પર એસ.ડી.જૈન સ્કૂલ પાસે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. સાંજે સાત વાગ્યે કેન્ડલ માર્ચમાં કોંગ્રેસે ભાજપ અને પોલીસની મિલીભગતનો ઉગ્ર વિરોધ કરી ભારે સુત્રોચ્ચારો કર્યાં હતાં.