અમેરિકાના સંસદ ભવનના કેમ્પસમાં આજે સુરક્ષા ઘેરાબંધી તોડીને એક કાર અંદર ઘૂસી ગઇ હતી, જે બનાવમાં બે પોલીસ અધિકારીઓને ઇજા થઇ હતી, જેના પછી શકમંદને ગોળી મારવામાં આવી હતી.
અમેરિકી સંસદ પરિસર યુએસ કેપિટોલમાં સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે સાંજે એક કાર સુરક્ષા આડશ તોડીને ધસી ગઇ હતી અને કેપિટોલના બે પોલીસ અધિકારીઓને ઇજા પહોંચાડી હતી. કેપિટોલ પોલીસે જણાવ્યું હતું કે એક વાહન સાથે કોઇ યુએસસીપીના બે અધિકારીઓ પર ધસી ગયું હતું. શકમંદને ગોળી મારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત બંને પોલીસ અધિકારીઓને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના પછી કેપિટોલ કોમ્પ્લેક્ષને લૉકડાઉન હેઠળ મૂકવામાં આવ્યું છે અને તેના કર્મચારીઓને બિલ્ડિંગોની અંદર નહીં પ્રવેશવા અને અંદર હોય તેમને બહાર નહીં જવા જણાવાયું છે.
વધુ વિગતોની પ્રતિક્ષા છે. આ હુમલો સેનેટ બિલ્ડિંગથી લગભગ ૧૦૦ વારના અંતરે થયો હતો. હુમલો થયો તે સમયે પ્રમુખ જો બિડેન વ્હાઇટ હાઉસમાં ન હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી હારેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદારોએ થોડાક મહિના પહેલા અમેરિકી સંસદ ભવન પરિસર પર મોટો હુમલો કર્યો હતો.