સુરત: મહારાષ્ટ્રમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિના પગલે દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગુજરાતની હદને અડીને આવેલા મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ નંદુરબાર, જલગાંવ અને ધુલિયામાં પણ કોવિડ-19ના દર્દીઓની સંખ્યા ખુબ જ વધી જતા ત્યાંની સરકારી હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે. જેના કારણે ત્યાંના ગરીબ દર્દીઓને મહારાષ્ટ્રના સામાજીક આગેવાનો સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવવા મોકલાવી રહ્યા છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મહારાષ્ટ્રના આ ત્રણ જિલ્લાઓના પંદર કરતા વધારે દર્દીઓની હાલમાં સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં વેન્ટીલેટર અને ઓક્સિજનની સુવિધા નહીં મળતા દર્દીઓ સુરત તરફ વળ્યા
મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા અને જલગાંવમાં દર્દીઓની સંખ્યા વધતા ક્રિટિકલ કંડીશન ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ મૂશ્કેલી વર્તાઇ રહી છે. ત્રણેય જિલ્લામાં વેન્ટીલેટર અને ઓક્સિજનની સુવિધા નહીં મળતા ગરીબ દર્દીઓ પરેશાન થઇ ગયા છે. જેના કારણે ગરીબ દર્દીઓ હવે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવી રહ્યા છે.
નંદુરબારમાં બે દિવસ સુધી સારવાર નહીં મળતાં યુવક પિતાને સુરત લઇ આવ્યો
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 64 વર્ષીય રૂપચંદ તાવડેના પુત્રએ જણાવ્યું હતું કે, પિતાની તબિયત લથડતા કિડની ફેઇલ થઇ જવા પામી છે. સાથે સાથે કોવિડની અસરના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેમને નંદુરબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો ત્યારે જ ત્યાંના તબીબોએ જગ્યા નહીં હોવાનું કહેતા બે દિવસ સુધી પિતાને લઇને રખડી રહ્યો હતો.
જલગાંવની ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર લીધા બાદ રૂપિયા ન હોવાથી સિવિલમાં ખસેડવા પડ્યા
સિવિલની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 7 દિવસથી સારવાર લઇ રહેલી 47 વર્ષીય શોભાબેન અશોક ચૌહાણના સગાએ ‘ગુજરાતમિત્ર’ને જણાવ્યું હતું કે, માતાની તબીયત 10 દિવસ પહેલા લથડી હતી. જેના કારણે માતાને જલગાંવના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માત્ર ત્રણ દિવસની સારવાર દરમિયાન રૂપિયા દોઢ લાખનું બિલ આવી જતાં પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. પરિવાર પાસે વધુ રૂપિયા ન હોવાથી તેઓ મહિલાને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જે હાલ સારવાર હેઠળ છે.
નંદુરબારના ગરીબ દર્દીના પરિવાર પાસેથી સુરતની ખાનગી હોસ્પિટલે એક જ દિવસમાં 80 હજાર પડાવી લીધા
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અને નંદુરબારના રહેવાસી એવા 66 વર્ષીય આશારામ માલીના પુત્ર દેવરામ માલીએ જણાવ્યું હતું કે, માતાની તબીયત લથડતા તેઓએ નંદુરબારની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેન્ટીલેટર નહીં મળતા માતાને સુરત ખસેડવાની ફરજ પડી હતી. પ્રારંભમાં સ્થાનિકોની સલાહથી સુરતની યુનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ માત્ર એક દિવસની સારવાર કરી રૂપિયા 80 હજારનું બિલ હાથમાં પકડાવી લીધું હતું. જેથી પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા હતા અને બાદમાં માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ત્રણેય જિલ્લામાં દર્દીઓની હાલત ગંભીર છે. ખાસ કરીને ક્રિટીકલ કંડીશન ધરાવતા લોકો માટે ત્યાં સવલતો ઉપલબ્ધ નથી. જેના કારણે પરિવારજનો ક્રિટીકલ કંડીશન ધરાવતા દર્દીઓને લઇને પરિવારજનો સુરતની સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.