Top News

અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા નિષ્ફળ

“ઈરાને અમારી શરતો સ્વીકારી નહીં”, JD Vanceનું નિવેદન

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની મહત્વપૂર્ણ શાંતિ ચર્ચા કોઈ નિષ્કર્ષ વિના પૂર્ણ થઈ છે. લગભગ 21 કલાક સુધી ચાલેલી ઉચ્ચસ્તરીય ચર્ચા બાદ અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું કે ઈરાને અમેરિકાની મુખ્ય શરતો સ્વીકારવાની ના પાડી, જેને કારણે ચર્ચામાં કોઈ પ્રગતિ થઈ નથી.

જેડી વેન્સે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે અમેરિકા તરફથી ઈરાનને પરમાણુ હથિયાર વિકાસ અંગે સ્પષ્ટ અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતા આપવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકા ઈચ્છતું હતું કે ઈરાન ભવિષ્યમાં પણ પરમાણુ હથિયાર બનાવવાનો કોઈ પ્રયાસ નહીં કરે, પરંતુ આ મુદ્દે ઈરાન તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહીં. વધુમાં વેન્સે કહ્યું કે ચર્ચા દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી, પરંતુ અંતે કોઈ સમજૂતી થઈ શકી નહીં.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “આ ખરાબ સમાચાર છે, કારણ કે ઈરાને અમારી શરતો સ્વીકારવાનું પસંદ કર્યું નથી.”
આ ચર્ચાઓનો મુખ્ય હેતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને ઘટાડવો અને તાજેતરમાં જાહેર થયેલા યુદ્ધવિરામને લાંબા ગાળે જાળવવા માટે માર્ગ તૈયાર કરવાનો હતો. પરંતુ ચર્ચા નિષ્ફળ જતા હવે ફરીથી વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ ચર્ચાઓ ઇસ્લામાબાદમાં અમેરિકાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જેડી વેન્સ કરી રહ્યા હતા. આ બેઠકને છેલ્લા ઘણા વર્ષોમાં બંને દેશો વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ સીધી ચર્ચા તરીકે જોવામાં આવી રહી હતી. ચર્ચા દરમિયાન પરમાણુ કાર્યક્રમ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નૌકાવહન સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા હતા.

ચર્ચા નિષ્ફળ છતાં અમેરિકાએ જણાવ્યું છે કે તેણે પોતાની તરફથી ઈરાન સમક્ષ સ્પષ્ટ પ્રસ્તાવ મૂક્યો છે અને હવે આગામી નિર્ણય ઈરાનના હાથમાં છે. હાલમાં સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ઈરાનના આગામી પગલાં પર છે, કારણ કે આ નિર્ણય પશ્ચિમ એશિયાની સુરક્ષા સ્થિતિને અસર કરી શકે છે.

Most Popular

To Top