Business

રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર

શું તમે જાણો છો કે સુરતનો ‘રુસ્તમપુરા’ વિસ્તાર જેમના નામથી ઓળખાય છે, એ રુસ્તમજી માણેક માત્ર એક સફળ વેપારી જ નહીં, પણ અંગ્રેજો અને મોગલ શહેનશાહ ઔરંગઝેબ વચ્ચે મધ્યસ્થી કરનાર પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા? જ્યારે સુરતીઓ પર ‘જજીયા વેરો’ નાખવામાં આવ્યો, ત્યારે કોણે પોતાની ઉદારતાથી હજારો લોકોના ઘર બચાવ્યા? ફરામ મહોલ્લા, મોટા મહોલ્લા અને નાનપુરાના નામ પાછળ છુપાયેલા રસપ્રદ કિસ્સાઓ અને એક પારસી પરિવારની સુરત પરની અમીરાતની આ ગાથા મિસ કરવા જેવી નથી!

રૂસ્તમજી માણેક કે જેમનાં નામથી આજે પણ સૂરતનો રૂસ્તમપરા વિસ્તાર વીતેલાં વર્ષોની યાદ લઈને ઊભો છે. આ રૂસ્તમજી માણેકનું નામ પારસી કુટુંબોમાં જાણીતું અને પુરાણું છે. પણ વર્ષોથી એ વિસ્તારમાં જ રહેતા અને ત્યાંથી પસાર થતાં આપણને એ નામ અને તેમણે સૂરત અને સૂરતના રહેવાસીઓને કરેલી મદદ અને ઉપકાર વિષે કોઈ જ જાણકારી નથી.
પારસી સમાજમાં આજની તારીખે પણ આદરપૂર્વક લેવાતું નામ “રૂસ્તમજી માણેક” એ નામીચા વેપારી અને અંગ્રેજ કોઠીના શરાફ હતા. તેઓ નવસારીના મોબેદ નેરીઓસંગ ધવલ કે જેમણે ઈ.સ. ૭૨૧માં ઉદવાડામાં આતશ બહેરામ (સરળ ભાષામાં અગિયારી)ની સ્થાપના કરી હતી, તેમના વારસદાર હતા.
રૂસ્તમજી માણેક અંગ્રેજ કોઠીના શરાફ હોવાથી, અંગ્રેજોને મોટી રકમ ધીરતા અને તેમને વેપારમાં પણ મદદ કરતા. ઈતિહાસ તપાસતા એવું માલૂમ પડે છે કે સૂરતના મોગલાઈ અમલદારો અંગ્રેજોને વેપારમાં કનડગત કરતા ત્યારે અંગ્રેજો તરફથી તેમનો પક્ષ મૂકવા અને ફરિયાદ કરવા તેઓ અંગ્રેજોના વડા સાથે શહેનશાહ ઔરંગઝેબના દરબારમાં દિલ્હી ગયા હતા અને અંગ્રેજોને વેપારમાં પડતી મુશ્કેલીઓનો ચિતાર આપ્યો હતો. આ પ્રસંગથી ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે એમનો સંબંધ ગાઢ થયો હતો. એમના પ્રયત્નોથી અંગ્રેજોને કોઠી માટે જગા મળી, વેપારની જકાત માફ થઈ અને અમલદારોની સતામણી નાબૂદ થઇ.
રૂસ્તમજી માણેક માત્ર અંગ્રેજોને મદદ કરતા એટલે તેઓનું નામ સૂરતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નથી લખાયું પણ તેઓએ જે સખાવતો સૂરત માટે કરી તેને માટે તેઓ માનનીય બન્યા હતા. તેમણે સૂરતમાં અને આસપાસના ગામોમાં વાવ, કૂવા, તળાવ, ધર્મશાળા વગેરે લોકોપયોગી કામ કરાવ્યા હતા. હજીરામાં તેમણે જે એક કૂવો બંધાવ્યો હતો તેના પર તકતી છે કે, “રૂસ્તમજી માણેકે આ કૂવો બંધાવ્યો છે. સંવત ૧૭૫૫ શ્રાવણ સુદ ૩.”
સૂરતની હિંદુ અને પારસી પ્રજા આ સખાવતી આત્માની ઋણી છે કારણ કે, સૂરતના નવાબ પર બાદશાહે ફરમાન મોકલી બિનમુસ્લિમો પર જજીયાવેરો નંખાવ્યો ત્યારે રૂસ્તમજીએ પારસીઓનો તમામ વેરો ભરી દીધો હતો. હિંદુઓ પૈકી અનેકને જેલમાં જવું પડ્યું હતું અને તેમનાં ઘરો પર પણ જપ્તી બેઠી હતી ત્યારે આ રૂસ્તમજી લોકોની વહારે ધાયા અને હિન્દુઓનો પણ હજારો રૂપિયાનો વેરો ભરી તેમને મુક્ત કર્યા હતા.
સૂરતમાં સારી શાખ ધરાવતા રૂસ્તમજીના ત્રણ દીકરા હતા : ફરામજી, બમનજી અને નવરોજજી. આ ફરામજીની યાદમાં સૂરતના રૂસ્તમપરામાં જ ફરામ મહોલ્લો આવેલો છે. પણ ત્યાં તમે કોઈ વડીલ પારસી દાદાને પૂછો તો તેઓ ફરામ મહોલ્લો નહિ કહે, તેઓ તમને એવું જ પૂછશે, “દીકરા, ફરામપરે જવું છે?” કારણ કે ફરામ મહોલ્લાનો વિસ્તાર એક જમાનામાં એક પરાં જેટલો વિશાળ હતો. હવે તમને જો એવો વિચાર આવે કે તો પછી રૂસ્તમપરામાં જ આવેલો મોટો મહોલ્લો સૌથી મોટો નહિ? તો તેનો જવાબ છે, ના. મોટા મહોલ્લાનું આખું નામ “મોટા દસ્તૂરજીનો મહોલ્લો” છે. ત્યાં આજે પર પારસીઓના દસ્તૂરજી એટલે કે પૂજારીઓના ઘર છે. આપણને સૂરતીઓને નામ ટૂંકાવવાની આદત એટલે મોટા દસ્તૂરજીમાંથી દસ્તૂરજી નીકળી ગયું અને “મોટો મહોલ્લો” શબ્દ રહી ગયો.
તેમનાં બીજા દીકરા બમનજીના નામથી આજે પણ સૂરતમાં એક શેરી આવેલી છે જે ‘બમનજીની શેરી’ તરીકે ઓળખાય છે. ઉપરાંત બમનજીના દીકરા નાનાભાઈના નામ પરથી જ સૂરતનું “નાનપરું” અને મુંબઈના કોટવિસ્તારમાં “નાનાભાઈ બમનજી સ્ટ્રીટ” આવેલી છે. રૂસ્તમજી શેઠના સૌથી નાના દીકરા નવરોજજીએ મુંબઈમાં કાયમી વસવાટ કર્યો. ત્યાં મઝગામ રસ્તા પર ‘નવરોજજી હિલ’ તેમની યાદગીરી દર્શાવે છે. આ નવરોજજીએ જ મુંબઈમાં પહેલવહેલી ‘પારસી પંચાયત’ની સ્થાપના કરી હતી. કોઈ જગ્યા, કોઈ સ્થળ, કોઈ વિસ્તાર સાથે નામ જોડાઈ જાય એ માત્ર ગર્વની વાત નથી પણ એ વાતનું પ્રમાણ છે કે લોકહૈયે આ લોકોએ કેવી ચાહના મેળવી હશે કે હજારો વર્ષો પછી પણ આ વિસ્તાર, આ સ્થળ તેમનાં યાદ સાથે જોડાઈને અમર બની ગયા.

નવરોજીના પુત્ર એટલે કે રૂસ્તમજીના પૌત્ર માણેકજી શેઠે પણ પોતાના પૂર્વજોની સેવા અને સખાવતની મશાલ જલતી રાખી હતી. મુંબઇના ફોર્ટ વિસ્તારમાં બજારગેટ ખાતે અગિયારીનું નિર્માણ કરાવ્યું હતું. તેમજ ઈ.સ. 1747 માં મુંબઈ અને સૂરત બંને શહેરોમાં અન્ય સખાવતી કાર્યોની સાથે દોખ્મા (ટાવર્સ ઓફ સાયલન્સ) બનાવ્યા હતા, જેને માટે આજે પણ પારસીઓ તેમને યાદ કરે છે.

Most Popular

To Top