અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાને કરાવેલો યુદ્ધવિરામ તકલાદી પુરવાર થયો છે. આ યુદ્ધવિરામનો અમલ શરૂ થયો તેના બે જ કલાકમાં ઈઝરાયેલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે અને ઈરાને ફરીથી હોર્મુઝની ખાડીનો રસ્તો બંધ કરી દીધો છે. હકીકતમાં પાકિસ્તાન દ્વારા જે કથિત યુદ્ધવિરામ કરાવવામાં આવ્યો તે અમેરિકા માટે મજબૂરીનો સોદો હતો અને ઈઝરાયેલ તેમાં સંમત જ નહોતું.
આ યુદ્ધવિરામ બાબતમાં ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુને વિશ્વાસમાં જ લેવામાં આવ્યા નહોતા, પણ ઈરાન દ્વારા લેબેનોન પર હુમલો ન કરવાની કલમ મૂકી દેવામાં આવી હતી, જે ઈઝરાયેલને માન્ય જ નહોતી. ઈઝરાયેલ આ યુદ્ધવિરામથી છંછેડાયેલું હતું, કારણ કે ઈરાનમાં સત્તાપલટો કરાવવાની તેની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. આ ઇચ્છા પૂરી કરવા ઈઝરાયેલે લેબેનોન પર કચકચાવીને હુમલો કર્યો હતો, જેને કારણે ઈરાનને હોર્મુઝનો રસ્તો બંધ કરી દેવાનું બહાનું મળી ગયું હતું. જો યુદ્ધવિરામની શરતોનો અમલ થાય તો પણ ઈરાન માટે હોર્મુઝની સામુદ્રધુની હવે સોનાનાં ઇંડાં આપતી મરઘી બની ગઈ છે.
આ શરત મુજબ હોર્મુઝની સામુદ્રધુનીનું નિયંત્રણ ઈરાનના હાથમાં રહેશે અને તે તેમાંથી પસાર થતાં જહાજો પાસેથી ટોલ ટેક્સ પણ ઉઘરાવી શકશે. હકીકતમાં યુદ્ધવિરામ થયો તે પહેલાંથી ઈરાને હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી જહાજ દીઠ ૨૦ લાખ ડોલરનો ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટેક્સ અમેરિકાના ડોલરમાં નહીં પણ ચીનના યુઆનમાં ચૂકવવાનો રહે છે. એક અંદાજ પ્રમાણે હોર્મુઝની સામુદ્રધુનીના માર્ગે રોજનું આશરે બે કરોડ બેરલ ખનિજ તેલ પસાર થાય છે. ઈરાનની યોજના જહાજો પાસેથી બેરલ દીઠ એક અમેરિકન ડોલર સમકક્ષ યુઆનનો ટેક્સ ઉઘરાવવાની છે. આ રીતે ઈરાનને રોજના કરોડો યુઆનની આવક થઈ જશે, જેના વડે તે ચીન પાસેથી શસ્ત્રો ખરીદી શકશે. આ કારણે ચીનનું અર્થતંત્ર મજબૂત બનશે અને અમેરિકાના ડોલરનું વિશ્વવ્યાપી સામ્રાજ્ય નબળું પડશે.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ કે તરત ઇઝરાયલે લેબનોનમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ૨૫૪ લોકો માર્યા ગયાં હતાં. ઈરાન અને મધ્યસ્થી પાકિસ્તાને દાવો કર્યો હતો કે યુદ્ધવિરામની શરતોમાં લેબનોન પર હુમલા રોકવાનો સમાવેશ થાય છે, પરંતુ ઇઝરાયલે કહ્યું છે કે લેબનોન પર હુમલા બંધ કરવા એ યુદ્ધવિરામનો ભાગ નથી. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાઓને યુદ્ધ શરૂ થયા પછી લેબેનોનમાં શાસન કરતાં હિઝબુલ્લાહ માટે સૌથી મોટો ફટકો ગણાવ્યો હતો. ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેમણે માત્ર ૧૦ મિનિટમાં લેબનોનમાં ૧૦૦ લક્ષ્યો પર હુમલો કર્યો છે.
આ હુમલાઓ લેબનોનની રાજધાની બૈરૂત, બેકા ખીણ અને દક્ષિણ લેબનોનમાં કરવામાં આવ્યા હતા, જેમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ દિવસ લેબનોન માટે સંઘર્ષનો સૌથી ઘાતક દિવસ સાબિત થયો, જેમાં ઓછામાં ઓછા ૨૫૪ લોકો માર્યા ગયાં અને ૧,૧૦૦ થી વધુ ઘાયલ થયાં હતાં. બચાવ ટીમો કાટમાળ નીચે બચી ગયેલાં લોકોને શોધી રહી હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે. છેલ્લાં છ અઠવાડિયાંમાં લેબનોનમાં યુદ્ધમાં ૧૩૦ બાળકો સહિત ૧,૫૦૦ લોકો માર્યા ગયા છે, જ્યારે ૧૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓ આ નાજુક યુદ્ધવિરામને જોખમમાં મૂકી રહ્યા છે. ઈરાને ચેતવણી આપી છે કે જો લેબનોનમાં હુમલા બંધ નહીં થાય, તો તે એવો જવાબ આપશે કે તેના દુશ્મનોને પસ્તાવો થશે.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામમાં લેબનોન પર હુમલા રોકવાનો સમાવેશ થાય છે કે કેમ તે અંગે સ્પષ્ટ ગૂંચવાડો છે. ઈરાન અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ બંનેએ કહ્યું છે કે આ કરાર લેબનોનને પણ લાગુ પડે છે. આ યુદ્ધવિરામમાં પાકિસ્તાને મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે, પરંતુ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધવિરામમાં લેબનોનનો સમાવેશ થતો નથી. તાજેતરનાં અઠવાડિયાંમાં ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં ભૂમિ સૈનિકો મોકલ્યા છે અને કહ્યું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખતરો સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી તે લિટાની નદીના દક્ષિણ વિસ્તાર પર નિયંત્રણ જાળવી રાખશે. ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર મોટા પાયે હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ઘરો અને ગામડાંઓનો નાશ થયો છે. ઇઝરાયલે કહ્યું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહ હટશે નહીં ત્યાં સુધી તેમને પાછા ફરવા દેવામાં આવશે નહીં. ઈરાને લેબનોન પર ઇઝરાયલી હુમલાને યુદ્ધવિરામ કરાર માટેની તેની ૧૦ મુદ્દાની યોજનાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું, જેમાં લેબનોનમાં હુમલાઓ રોકવાની પણ હાકલ કરવામાં આવી હતી.
અમેરિકાના ઈરાન સાથેના બે અઠવાડિયાંના યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકાની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધવિરામમાં ચીનની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝ એજન્સી એએફપી સાથે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમનું માનવું છે કે ચીને ઈરાનને વાટાઘાટો માટે રાજી કર્યું છે. હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નેસ્તનાબૂદ કરી નાખવાની ધમકી આપી તે પછી ચીને અમેરિકાને ધમકી આપી હતી કે જો ઈરાનના નાગરિક ઠેકાણાં પર હુમલા કરવામાં આવશે તો ચીન તે તમાશો જોઈ રહેશે નહીં. પડદા પાછળ ચીન ઉપરાંત રશિયાનું દબાણ પણ કામ કરી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને બેઇજિંગની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે એક જવાબદાર મુખ્ય દેશ તરીકે ચીન રચનાત્મક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે અને મધ્ય પૂર્વમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં યોગદાન આપશે. માઓ નિંગને એક પત્રકારે પૂછ્યું કે શું તેઓ ચીન અંગેના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની પુષ્ટિ કરશે. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે જો ચીન સામેલ હોય તો કરારના કયા મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આનો સીધો જવાબ આપ્યો ન હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી ચીન શાંતિને પ્રોત્સાહન આપવા અને યુદ્ધ અટકાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંબંધિત દેશોના વિદેશ પ્રધાનો સાથે સતત ૨૬ વાર ફોન પર વાતચીત કરી છે. મધ્ય પૂર્વના મુદ્દાઓ પર ચીન સરકારના ખાસ દૂતે મધ્ય પૂર્વ અને ગલ્ફ ક્ષેત્રની ઘણી મુલાકાતો પણ લીધી છે.
ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે X પર પોસ્ટ કરી હતી કે ઈરાન સંઘર્ષ શરૂ થયો ત્યારથી તેમણે અને વિદેશ પ્રધાન વાંગ યીએ ૨૬ વખત ફોન પર વાત કરી છે. ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રીએ જે દેશો સાથે વાત કરી છે તેની યાદી આપતો ગ્રાફ પણ પોસ્ટ કર્યો છે. સંબંધિત દેશોની યાદીમાં અમેરિકા અને ભારત બંનેનો સમાવેશ થતો નથી. જો કે, ચીનના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ચીન અને પાકિસ્તાને ગલ્ફ અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં શાંતિ પાછી લાવવા માટે સંયુક્ત રીતે પાંચ મુદ્દાની પહેલ રજૂ કરી છે. આ પાંચ મુદ્દા શું છે તે અંગે ચીને કંઈ કહ્યું નથી. જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો કરાર અમલમાં આવે તો પણ હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાનનું કાયમી નિયંત્રણ રહેશે અને ઈરાન દ્વારા તગડો ટોલ ટેક્સ પણ વસૂલ કરવામાં આવશે. આ કારણે એક નવી વિશ્વવ્યવસ્થા અમલમાં આવશે, જેમાં અમેરિકાનો ડોલર નબળો પડશે અને ચીનનો યુઆન મજબૂત બનશે. હોર્મુઝની ખાડી અમેરિકાના પતનનું કારણ બની ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.