સુરત: રત્નકલાકારોના પગારમાંથી કાપવામાં આવતા પ્રોફેશનલ ટેક્સનો મુદ્દો થોડા દિવસ પહેલા વિધાનસભામાં રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેર દ્વારા ઉચકવામાં આવ્યો હતો. ત્યારબાદ બુધવારે ફરીથી એકવાર તેમણે આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું.
રાજુલાના ધારાસભ્ય અમરિશ ડેરે થોડા દિવસ પહેલા જ રત્નકલાકારોના પગારમાંથી કાપવામાં આવતો પ્રોફેશનલ ટેક્સ માફ કરવા માટેની રજૂઆત કરી હતી અને તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટેની રજૂઆત કરી હતી. ત્યારબાદ ફરીથી એક વાર વિધાનસભાના સત્ર દરમિયાન તેમણે જણાવ્યુ હતું કે રત્ન કલાકારો જેટલા હીરા બનાવે છે તેના આધારે પગાર મળે છે. તેમનો ફિક્સ પગાર હોતો નથી. છુટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા લોકોને પ્રોફેશનલ ટેક્સથી બાકાત રાખવા જોઇએ. રત્નકલાકારોના પગારમાંથી જે પ્રોફેશનલ ટેક્સ કાપવામાં આવે છે તેમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેમણે રત્નકલાકારો મુદ્દે રજૂઆત કરતા જણાવ્યુ હંતુ કે રત્નકલાકારોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળતો નથી. તેમની આર્થિત હાલત સારી નથી. તેથી તેઓને પ્રોફેશનલ ટેક્સમાંથી બાકાત રાખવા જોઇએ.
સુરત: કાપડ માર્કેટના વેપારીઓ અને વિવર્સ વચ્ચેના વિવાદને લઇને મંગળવારે વેપારીઓ મીટિંગ કરી ગ્રે પરની 1 ટકા દલાલી વિવર્સ ચૂકવશે તેવી શરતો સાથે 1 એપ્રિલથી ગ્રે લેવાની તૈયારી બતાવી હતી. પરંતુ વિવર્સો તૈયાર નથી. વિવર્સોનું કહેવું છે કે બે મહિના સુધી કોઇ નવો નિયમ લાગુ નહીં થશે. કાપડ માર્કેટના વેપારીઓ અને વિવર્સ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને 6 ટકા ડિસ્કાઉન્ટને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને વારંવાર કાપડ માર્કેટના એસોસિએશન, વિવર્સનાં સંગઠનોની મીટિંગ પણ થઇ છે. થોડા દિવસો પહેલાં જ પ્રોસેસર્સ દ્વારા પણ આ મુદ્દે મીટિંગ રાખવામાં આવી હતી અને વેપારીઓ તેમજ વિવર્સને હાલની પરિસ્થિતિ જોઇ થોડા દિવસો સુધી રોકાઇ જઇ પાછળથી પરસ્પર સમજૂતીથી નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ ગઇ કાલે મંગળવારે વેપારીઓનાં સંગઠન વેપારી એકતા મંચની મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં વેપારીઓએ ગ્રેપરની 1 ટકા દલાલી વેપારીઓ ચૂકવશે તેવી શરતો સાથે 1 એપ્રિલથી ગ્રે લેવાની તૈયારી બતાવી હતી.
જો કે, વિવર્સ તૈયાર નથી. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે વેપારીઓ સાથે કોઇ વાત નથી. બે મહિના સુધી કોઇ નવો નિર્ણય પણ નહીં સ્વીકારવામાં આવે. અત્યાર સુધી જે રીતે વેપાર ચાલતો હતો, તે પ્રમાણે જ વેપાર કરવામાં આવશે.