Business

ગતિશીલ ગુજરાતના વિકાસથી જોજનો દૂરડાંગના સુબિરના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ : પાંઢરપાડા

પાંઢરપાડા ગામ 21મી સદીના વિકાસથી વંચિત રહી આજે પણ 18મી સદીની યાદોને જીવંત બનાવી રહ્યું છે, આ ગામનો વિકાસ ડાંગ જિલ્લાનાં ગામડાંમાંથી ક્યાંક ખોવાઈ ગયો હોય તેવાં દૃશ્યો જોવા મળે છે, અગાઉ આ ગામનો પાંચ સ્ટેટ પૈકીના દહેર સ્ટેટમાં સમાવેશ થતો હતો

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં સમાવિષ્ટ તથા અંતરિયાળ વિસ્તારમાં આવેલ પાંઢરપાડા ગામના નામકરણની બે લોકવાયકા સાંભળવા મળે છે. ડાંગ જિલ્લાનું પાંઢરપાડા ગામ અગાઉના પાંચ સ્ટેટ પૈકીના દહેર સ્ટેટમાં સમાવેશ થયેલું હતું. સૌ પ્રથમ ભીલ નાયકા જ્ઞાતિના લોકો કુટુંબ કબીલા અને પશુપાલન સાથે શિવબારા પાંઢરપાડા ગામ વિસ્તારમાં વસવાટ કરવા માટે આવ્યા હતા. અહીં શિવબારા ખાતે પ્રાચીન સમયનું પથ્થરનું શિવલિંગ હોય, જેથી લોકો અહીં શિવરાત્રી અને વાઘબારસના રોજ ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરતા હતા. સાથે આ શિવદેવના સ્થળે હાટબજાર પણ ભરાતો હતો. બાદમાં ભીલ નાયકા લોકોએ શિવબારાના ફળિયા એટલે પાડા વિસ્તારમાં આદિવાસી સમાજની ઈષ્ટ દેવી પાંઢરદેવીની સ્થાપના કરી આ ગામનું નામ પાંઢરપાડા પાડ્યું હોવાનું જાણવા મળે છે. ગામના વડીલો જણાવે છે કે, આ પાંઢરદેવી અન્નદેવી કંસરીમાતા યાહામોગી દેવમોગરા માતાનું પ્રતીક હોય તથા તેમાં ઘણું સત્વ હોય, જેથી આ ગામનું નામ પાંઢરદેવી પરથી પાંઢરપાડા પડ્યું હોવાનું જાણવા મળે છે. પીપલદહાડ ગામથી સુબિરના આંતરિક માર્ગમાં 4 કિલોમીટરના અંતરે તથા સુબિરથી 8 કિલોમીટરના અંતરે આવેલું મધ્યમ વસતી ધરાવતું પાંઢરપાડા ગામ છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અને પર્વતોની ખીણમાં સમથળ ભૂમિ ઉપર તથા ધોધડ નદીથી ચોતરફ વીંટળાયેલું ગામ છે. પાંઢરપાડા ગામ નજીકથી ધોધડ નદી પસાર થાય છે. આ નદી પર ચેઈન સિસ્ટમવાળા ચેકડેમોના પગલે આ નદીનો થોડોક પટો બારેમાસ પાણીથી જીવંત જોવા મળે છે. આ ગામ નજીક ધોધડ નદીમાં બારેમાસ પાણીની સગવડો જોવા મળી રહે છે. આ ગામમાં શિક્ષણનો સાક્ષરતા દર ખૂબ જ નીચો જોવા મળે છે. આ ગામમાંથી માત્ર ત્રણ વ્યક્તિ જ સરકારી નોકરી કરી રહ્યા છે. પાંઢરપાડા ગામનો વિસ્તાર ચોતરફ ઘટાદાર વૃક્ષોથી ભરેલો જોવા મળે છે. પાંઢરપાડા ગામ હાલમાં રોજગારી, શિક્ષણ, નોકરી, પશુપાલન, ખેતીવાડીના ક્ષેત્રે ડગલા ભરવા માટે ભારે મથામણ કરી રહ્યું છે. કારણ કે, આ ગામમાંથી 80 ટકા લોકો સુગર ફેક્ટરીઓમાં પ્રયાણ કરતા હોવાથી આ ગામનો 80 ટકા વિકાસ રૂંધાયો છે. અહીં ચોતરફ કુદરતી સૌંદર્ય અને નયનરમ્ય દૃશ્યોમાં માત્ર કાચાં ઘરોની આહલેક વચ્ચે ગામડાંની અદભૂત ઝલક જોવા મળે છે. ડાંગ જિલ્લાના પીપલદહાડથી શિવબારા થઈ પાંઢરપાડા ગામમાં જવાય છે. જ્યારે આ ગામમાં જવું હોય તો સુબિર, શબરીધામ અને પંપા સરોવર થઈને પણ જઈ શકાય છે. ઉપરાંત આ ગામમાંથી શેપુઆંબા અને મહારાષ્ટ્રના પીંપલનેર પણ જવાય છે. જ્યારે મુખ્ય મથક આહવા જવું હોય તો લગભગ 38 કિલોમીટરનું અંતર કાપી ચકરાવો લેવો પડે છે. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે, જેમાંથી સૌથી વધુ ભીલ નાયકા, કુનબી અને કોંકણી જ્ઞાતિના છે. આ ગામના 60 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 40 ટકા લોકો ક્રિશ્ચયન ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર, વાઘદેવની પ્રતિમા અને ચર્ચ પણ આવેલું છે. પાંઢરપાડા ગામથી શબરીધામ મંદિર અને પંપા સરોવર નજીક પડે છે. પાંઢરપાડા ગામમાં નિર્માણ કરાયેલા હનુમાનજીના મંદિરે ભક્તો દ્વારા શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યારે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ રવિવારે ચર્ચમાં બેસી પ્રાર્થના કરે છે. પાંઢરપાડા ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 887થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા અંદાજિત 440થી વધુ છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા પણ 447થી વધુની છે. આ ગામમાં 200થી વધુ કાચાં ઘર આવેલાં છે ,સાથે 250થી વધુ નાનાં-મોટાં કુટુંબો આવેલાં છે. ગામમાં પટેલ ફળિયું, નિશાળ ફળિયું, કારબારી ફળિયું મળી કુલ 3 ફળિયાં આવેલાં છે. પાંઢરપાડા ગામમાં વર્ષોથી માત્ર ભીલ નાયકા અને કોંકણી અને કુનબી જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામમાં સૌથી વધુ બાગુલ, ચૌધરી, પવાર, શિંદે, ગાયકવાડ, કનવારે અને સૂર્યવંશી જેવી અટકના લોકોનો સમાવિષ્ટ થયો છે. આ ગામના મોટા ભાગના લોકો ચોમાસાની ઋતુ દરમિયાન એક જ વખત ખેતી કરે છે. જ્યારે અમુક ખેડૂતો ધોધડ નદીના કિનારે શિયાળુ અને ઉનાળુ પાકોની ખેતી પણ કરે છે. આ ગામમાંથી 80 ટકા લોકો સુગર ફેક્ટરીઓમાં અને મહારાષ્ટ્ર નજીક પડતું હોવાથી અમુક લોકો રોજગારી અર્થે દ્રાક્ષ સહિત શાકભાજીના વાડીઓમાં મજૂરીના કામ અર્થે સ્થળાંતરણ કરે છે. જેથી આ ગામમાં માત્ર વડીલો અને બાળકો જ જોવા મળે છે. અમુક સિઝનમાં આ ગામ ખાલીખમ જોવા મળે છે.

ગામની રાજકીય સ્થિતિ અને હોદ્દેદારો
સુબિર તાલુકાના શેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં શેપુઆંબા (સાવરખલ), શિવબારા, પાંઢરપાડા, લહાનઝાડદર, મોટી ઝાડદર, કરંજપાડા જેવાં ગામો મળી કુલ 6 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. શેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસનો દબદબો જોવા મળતો હતો. પરંતુ ગત ટર્મમાં આ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભાજપાના ઉમેદવાર મેથુબેન રાજુભાઇ કુંવરે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી મહિલા સરપંચ તરીકે જીત હાંસલ કરી છે. આ મહિલા સરપંચ મેથુબેન કુંવરને ચુંટાયાને થોડો જ સમય થયો છે. જેઓ હાલમાં પાંઢરપાડા ગામ સહિત અન્ય ગામોના રોડ રસ્તા, પાણીની સુવિધાઓ, ગટર સહિત આવાસો માટે પ્રયત્નો કરી રહ્યાં છે. ગ્રુપ ગ્રામ પંચાયત શેપુઆંબામાં સમાવિષ્ટ પાંઢરપાડા ગામની વાત કરીએ તો ગામના વોર્ડ મેમ્બરમાં મનીષાબેન પ્રતીકભાઈ બાગુલ અને કિરણભાઈ ભુરીયાભાઈ દબદબાભેર ચુંટાઈ આવ્યાં છે. હાલ શેપુઆંબા વિસ્તારમાં મહિલા સરપંચ તરીકે મેથુબેન કુંવર તથા ગામના યુવા અને શિક્ષિત આગેવાનમાં નિલેશભાઈ બાબુભાઈ બાગુલ તથા ચુંટાયેલા સભ્યો અને આગેવાનો તેમજ તલાટી કમ મંત્રી યોગેશભાઈ પાવરાના માર્ગદર્શન મુજબ વિકાસકીય કામો કરવા માટે તત્પર બન્યાં છે. આ ગામના તલાટી કમ મંત્રી તરીકે યોગેશભાઈ પાવરા નિયમિત કામગીરી કરે છે. તેમના ચાર્જમાં અન્ય ગ્રુપ ગ્રામ પંચાયતનાં ગામડાં પણ આવે છે. સાથે ગ્રુપ ગ્રામ પંચાયત શેપુઆંબાની નિયમિત કામગીરી કરી રહ્યા છે. પાંઢરપાડા ગામના યુવા નેતા નિલેશભાઈ બાગુલ સતત બે ટર્મથી જિલ્લા સદસ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા અને આ યુવા નેતા જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષનો હોદ્દો પણ સંભાળી ચૂક્યા છે. ગામના યુવા નેતા નિલેશભાઈ બાગુલ પ્રથમ ટર્મમાં સુબિર જિલ્લા સીટ પરથી કોંગ્રેસમાંથી દબદબાભેર ચુંટાઈ આવ્યા હતા. બાદ તેઓએ કોંગ્રેસનો પંજો છોડી ભાજપાના કમળ સાથે જોડાણ કર્યુ હતું. બીજી ટર્મમાં પણ સુબિર જિલ્લા સીટ પરથી ભાજપામાંથી જિલ્લા સદસ્ય તરીકે દબદબાભેર ચુંટાઈ આવ્યા હતા. હાલ તેઓની ટર્મ પૂરી થતાં તેઓએ ફરી પાટલી બદલી કોંગ્રેસમાં ઘરવાપસી કરતાં સુબિર સહિત માદરે વતન પાંઢરપાડા ગામનો વિકાસ અવઢવમાં મુકાયો છે. યુવા નેતા નિલેશભાઈ બાગુલ સતત બે ટર્મ સુધી જિલ્લા સદસ્ય હોવા છતાંય અને તેઓના પરિવારના સભ્યોએ 4 ટર્મ સુધી શેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયતની ધૂરા સંભાળી હતી. તેમ છતાંય તેઓ પોતાના ગામના શિક્ષણ, ખેતીવાડી, રોજગારી અને વિકાસમાં ઉણા ઊતર્યા હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. પાંઢરપાડા ગામના વતની અને કોંગ્રેસના પીઢ આગેવાન બાબુભાઇ બાગુલનો ગામ સહિત સુબિર વિસ્તારના વિકાસમાં અહમ ફાળો જોવા મળે છે. બાબુભાઇ બાગુલ ગામ સહિત વિસ્તારના લોકોના કામો માટે હંમેશાં દોડતા હોય છે. તેઓ સુબિર વિસ્તારમાં દરેક લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તેવા પ્રયત્ન કરતા હોય છે. જેથી સામાજિક આગેવાન અને કોંગ્રેસના નેતાની છાપ ધરાવનાર બાબુભાઈ બાગુલની લોકચાહના સુબિર તાલુકામાં આજેપણ અકબંધ જોવા મળે છે.

ગામના સમાજ સેવકો અને અગ્રણીઓ


પાંઢરપાડા ગામના સમાજ સેવકો અને અગ્રણીઓમાં બાબુભાઈ બાગુલ, નિલેશભાઈ બાબુભાઈ બાગુલ, રામુભાઈ ટી. બાગુલ, લાશ્યાભાઈ યુ.ગાયકવાડ, ગંગાભાઈ એમ.બાગુલ, દેવુભાઈ નિમજયા પવાર, વિનેશભાઈ જાનુભાઈ બાગુલ, અશોકભાઈ મનુભાઈ બાગુલ, ગોમાભાઈ ભીલુ ગાયકવાડ, ભુરીયાભાઈ મહારૂ બાગુલ, કિશોરભાઈ એસ.ગાયકવાડ, કિરણભાઈ ભુરીયાભાઈ બાગુલ, શંકરભાઈ સોન્યાભાઈ પવાર, મોત્યાભાઈ બુધ્યા બાગુલ, સુરેશભાઈ રંગુ બાગુલ, ઉંબરેભાઈ બુધ્યા બાગુલનું ગામના વિકાસમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

ભગતોએ આયુર્વેદના વારસાને ટકાવી રાખ્યો
પાંઢરપાડા ગામના ભગતો આયુર્વેદિક વારસાનું જતન કરી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે. આ ગામના ભગતોમાં ગંગાભાઈ ઉખરડે ગાયકવાડ, ભુરીયા મહાદુ બાગુલ, અમદયાભાઈ જાનુ પવાર, રાજુભાઈ અમદયાભાઈ પવાર, પાંકુબેન બી.માળવીશ, અવશેભાઈ સોમાભાઈ સામાન્ય તથા અસાધ્ય બીમારીઓનું નિદાન કરી વર્ષોથી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે. તથા આયુર્વેદના વારસાને ટકાવી રાખ્યો છે.

રસ્તાની સુવિધા


સુબિરથી શેપુઆંબા અને પીપલદહાડ-શિવબારા પાંઢરપાડાને જોડતો આંતરિક માર્ગ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર પી.આર.ચૌધરી અને નાયબ કાર્યપાલક ઈજનેર એમ.ડી.પટેલ અને મદદનીશ ઇજનેર સાગર ગંવાદેના માર્ગદર્શન હેઠળ થોડા સમય પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યો છે. જે આંતરિક માર્ગની હાલત હાલમાં ખૂબ જ સારી જોવા મળી છે. આ સિંગલ માર્ગ પરથી વાહનો સલામત રીતે પસાર થાય છે. આ માર્ગ શેપુઆંબા, શિવબારા, પંપા સરોવર, શબરીધામ સહિત મહારાષ્ટ્રનાં ગામડાંને જોડતો હોવાથી આ માર્ગને સુવિધા પથમાં સમાવી પહોળો કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઊઠી છે. ગામમાં ગ્રામ પંચાયત દ્વારા અમુક ફળિયામાં પેવર બ્લોક અને સીસીના માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક માર્ગોની હાલત અમુક જગ્યાએ સારી છે. જ્યારે અમુક જગ્યાએ હજુ પણ પેવર બ્લોક અને સીસી માર્ગોની તાતી જરૂરિયાત લાગી રહી છે. આ ગામનો મોટા ભાગનો વિસ્તાર સમથળ હોય અને થોડક ભાગ અશત ટેકરાળ હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ગામમાંથી ચોમાસાનું પાણી નજીકની ધોધડ નદીમાં આરામથી ઊતરી જાય છે.
80 ટકા કુટુંબ સુગર ફેક્ટરીમાં સ્થળાંતર કરે છે, બાળકો કઈ રીતે ભણે?


પાંઢરપાડા ગામમાં 1 આંગણવાડી પણ કાર્યરત છે, જેમાં ભૂલકાં પાયાનું શિક્ષણ મેળવી રહ્યાં છે. આ આંગણવાડીનું મકાન પણ સારી હાલતમાં છે. અહીં ગામના જ આંગણવાડી વર્કર અને હેલ્પર નિયમિત ફરજ બજાવી રહ્યાં છે. જેથી ભણવા આવતાં ભૂલકાં સારું એવું શિક્ષણ મેળવી રહ્યા છે. પાંઢરપાડા ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની બાલવાટિકાથી ધો.1થી 5 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં કુલ 79 વિદ્યાર્થી સરકારના મફત શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. અહીં 44 કુમાર અને 35 કન્યા નોંધાયેલાં છે. આ શાળાના આચાર્યા તરીકે રોશનીબેન એસ.પટેલ કામગીરી કરી રહ્યાં છે. જ્યારે મદદનીશ શિક્ષકોમાં વૈશાલીબેન આઈ.રાઠોડ, નિમિષાબેન આઈ.પટેલ નિયમિત ફરજ બજાવી રહ્યાં છે. આ શાળાના શિક્ષકો નિયમિત રીતે શાળામાં આવી આદિવાસી ભૂલકાંને શિક્ષણ કાર્ય કરાવી રહ્યાં છે. આ શાળાનાં આચાર્યા રોશનીબેન પટેલ ઉત્સાહી હોવાથી શાળા રાબેતા મુજબ ચાલી રહી છે. આ શાળાના 3 શિક્ષકો નિયમિત શિક્ષણ કાર્ય કરાવે છે. પ્રાથમિક શાળા પાંઢરપાડાનાં બાળકો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ તથા અમુક બાળકો શિષ્યવૃત્તિની પરીક્ષામાં પણ પાસ થયા છે. પરંતુ ગામના કમનસીબીની વાત કરીએ તો આ ગામમાંથી 80 ટકા કુટુંબ સુગર ફેક્ટરીઓમાં સ્થળાંતરણ કરતા હોવાથી મા-બાપ બાળકોના શિક્ષણ તરફ સજાગ જોવા મળતાં નથી. સાથે આ ગામમાં સિઝનલ હોસ્ટેલની પણ તાતી જરૂરિયાત છે.
સસ્તા અનાજની દુકાન 3 કિ.મી. દૂર

પાંઢરપાડા ગામની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો અહીં એક આંગણવાડી કેન્દ્ર છે. જ્યારે બાલવાટિકાથી ધો.5 સુધીની સરકારી પ્રાથમિક શાળાની સગવડ જોવા મળી રહે છે. આ ગામમાં એસટી બસની સુવિધા મળતી નથી. જેથી લોકોએ એસટી બસમાં બેસવું હોય તો દોઢ કિલોમીટર દૂર જવું પડે છે. આ ગામના લોકોને મોટા ભાગે ખાનગી વાહનોમાં આવનજાવન કરવું પડે છે. આ ગામને નાની મોટી બીમારીના સમયમાં શેપુઆંબા, પીપલદહાડ, સુબિર, આહવા અથવા તો વાંસદા અથવા વલસાડ સિવિલ હોસ્પિટલ સુધી દોડવું પડે છે. વધુમાં નજીકમાં શેપુઆંબા ખાતે આયુષ્યમાન ભારતનું દવાખાનું છે. જ્યાં સામાન્ય બીમારીની દવા ગોળી મળી રહે છે. તથા સુબિર ખાતે સી.એચ.સી. અને પીપલદહાડ ખાતે પી.એચ.સી. હોસ્પિટલ આવેલ છે. વધુમાં ગામના લોકોને નાની-મોટી બીમારીઓમાં 4થી 8 કિલોમીટરનું અંતર કાપી દવાખાને જવું પડે છે. આ ગામમાં લોકો માટે દવાખાનું, પશુ દવાખાનું તેમજ પોસ્ટ ઓફિસ, સસ્તા અનાજના દુકાનની સુવિધાઓ નથી. કારણ કે, શેપુઆંબામાં ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરીનું મકાન પણ છે. જેથી પાંઢરપાડા ગામના લોકોને દાખલા સહિત અન્ય યોજનાકીય કામગીરી માટે દોઢ કિલોમીટર દૂર શેપુઆંબા ગામ સુધી જવું પડે છે. પાંઢરપાડા ગામમાં સસ્તા અનાજની દુકાન પણ ઉપલબ્ધ નથી. જેથી સરકારી રાશન લેવા માટે લોકોને 3 કિલોમીટર દૂર લહાનઝાડદર ગામ જવું પડે છે.
ગામની અંદર એકપણ બસ સ્ટેન્ડ નથી
પાંઢરપાડા ગામના ત્રણ રસ્તા ફાટક પાસે બસ સ્ટેન્ડની સુવિધા નથી. જ્યારે ગામની અંદર એકપણ બસ સ્ટેન્ડ નથી. પાંઢરપાડા ગામથી સુબિર 8 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે નજીકમાં પીપલદહાડ 4 કિલોમીટરના અંતરે આવેલું છે. તેમજ મહારાષ્ટ્રની સરહદ 20 કિલોમીટરના અંતરે આવે છે. આ ગામથી મહારાષ્ટ્રના પીંપલનેર જવાય છે. આ ગામમાં એસટી સ્ટેન્ડ ન હોવાના પગલે ગામના લોકોને શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ઘણી નોબતો વેઠવાનો વારો આવે છે. સાથે એસટી સ્ટેન્ડ ન હોવાના પગલે અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓને માર્ગની સાઈડમાં વરસતા વરસાદ કે પછી ઉનાળામાં તડકામાં ઊભા રહેવાની નોબત આવે છે. જેથી સાંસદ અથવા ધારાસભ્ય ફંડમાંથી ગ્રાન્ટ ફાળવી ગામમાં નવા પિકઅપ સ્ટેન્ડનું નવીનકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. તથા આ ગામમાં એસટી બસની સુવિધા નથી. જેના પગલે પરિવહન માટે લોકોએ દોઢ કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. જેથી તંત્ર એસટી બસ સહિત અહીં એસટી સ્ટેન્ડની સુવિધા પૂરી પાડી ગામના વિકાસમાં ભાગીદાર બને તેવી માંગ ઊઠી છે.
પીવાના પાણી અને ખેતીની સુવિધા, ઉનાળાનો આખર અકળાવનારો
પાંઢરપાડા ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો આ ગામને અડીને ધોધડ નદી આવેલી છે, જેમાં ગામ નજીકના પટ્ટામાં 12 મહિના સુધી પાણીની આવક જોવા મળી રહે છે. આ ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. પરંતુ આ યોજના છેલ્લાં ઘણાં વર્ષોથી ગ્રુપ ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગના પાપે પડી ભાંગતા ગામમાં પીવાના પાણીની તકલીફો વધી છે. પાંઢરપાડા ગામમાં પાણી પુરવઠા વિભાગની જળ સે નળ યોજના નિરર્થક નીવડી છે. ગ્રામજનોનું કહેવું છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી ગામમાંથી પાણીના નળ અને યોજના જ ગાયબ થઈ ગઈ છે. ગામમાં પાણીની યોજના તો અમલમાં આવી, પરંતુ તે માત્ર કાગળ પર જ સિદ્ધ થયેલી જોવા મળે છે. આ અંગે ગ્રુપ ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. ગામમાં 3 જેટલી મોટી અને અન્ય નાની ટાંકીઓ બનાવેલી છે. જે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે તથા 7 જેટલા કૂવા પણ બનાવવામાં આવ્યા છે. આ ગામમાં ખાનગી તથા સરકારી 15થી વધુ બોર પણ ઉતારી આપવામાં આવ્યા છે. જે બોરમાં 11 મહિના સુધી પાણી જોવા મળે છે. બાદમાં પાણીનું સ્તર નીચું જતાં ગ્રામજનોને નજીકની ધોધડ નદી પર નિર્ભર રહેવું પડે છે. જેથી ગામમાં પાણી પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી લોકમાંગ ઊઠી છે. આ ગામના નજીકમાં પાણી સંગ્રહ માટે સિંચાઈ અને દમણગંગા વિભાગની યોજનામાંથી નાના મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. જે ચેકડેમોમાં જૂન મહિના સુધી પાણીનો સંગ્રહ જોવા મળી રહે છે. આ ગામ નજીક બનાવેલા ચેકડેમ ગ્રામજનો માટે જીવાદોરીસમાન સાબિત થયા છે. આ ગામ નજીક ઉનાળામાં પણ ભરપૂર પાણીના સ્ત્રોત મળી રહે છે. આ ગામમાં લોકો સહિત ઢોરઢાંખરને પીવાનું પાણી મળી રહે છે. અહીં મોટા ભાગના લોકો ચોમાસાની ખેતી પર નિર્ભર જોવા મળે છે. જ્યારે હાલમાં એક બે વર્ષથી શિયાળા અને ઉનાળાની ઋતુમાં અમુક લોકો ધોધડ નદીના પાણી થકી સિઝનેબલ પાકોની ખેતી કરતા થયા છે. પાંઢરપાડા ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા શાવા, જુવાર, ચણા, વટાણા, ઘઉં, મકાઈ, વરી, નાગલી, મગ, અડદ, ડાંગર, જુવાર, કુળીદ, ખરસાણી, મગફળી, તુવેર વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે અમુક ખેડૂતોઓએ પાણીની સુવિધાઓ માટે સ્વ-ખર્ચે ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓને ઉપલબ્ધ કરી છે. જેઓ મકાઈ, મગફળી, ડુંગળી, લસણ, શણ, ઘઉંની ખેતી કરે છે. પશુપાલનની દૃષ્ટિએ ગામના નાના-મોટા ખેડૂતો ગાય, ભેંસ, બકરાં, ખેતી માટે બળદ અને પાડા જેવા પાળતુ પ્રાણીઓનો ઉછેર કરે છે. જેમાંથી સાઈડ આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે.
ગામની અંદર એકપણ બસ સ્ટેન્ડ નથી
પાંઢરપાડા ગામના ત્રણ રસ્તા ફાટક પાસે બસ સ્ટેન્ડની સુવિધા નથી. જ્યારે ગામની અંદર એકપણ બસ સ્ટેન્ડ નથી. પાંઢરપાડા ગામથી સુબિર 8 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે નજીકમાં પીપલદહાડ 4 કિલોમીટરના અંતરે આવેલું છે. તેમજ મહારાષ્ટ્રની સરહદ 20 કિલોમીટરના અંતરે આવે છે. આ ગામથી મહારાષ્ટ્રના પીંપલનેર જવાય છે. આ ગામમાં એસટી સ્ટેન્ડ ન હોવાના પગલે ગામના લોકોને શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ઘણી નોબતો વેઠવાનો વારો આવે છે. સાથે એસટી સ્ટેન્ડ ન હોવાના પગલે અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓને માર્ગની સાઈડમાં વરસતા વરસાદ કે પછી ઉનાળામાં તડકામાં ઊભા રહેવાની નોબત આવે છે. જેથી સાંસદ અથવા ધારાસભ્ય ફંડમાંથી ગ્રાન્ટ ફાળવી ગામમાં નવા પિકઅપ સ્ટેન્ડનું નવીનકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. તથા આ ગામમાં એસટી બસની સુવિધા નથી. જેના પગલે પરિવહન માટે લોકોએ દોઢ કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. જેથી તંત્ર એસટી બસ સહિત અહીં એસટી સ્ટેન્ડની સુવિધા પૂરી પાડી ગામના વિકાસમાં ભાગીદાર બને તેવી માંગ ઊઠી છે.
બે મહિલા અને 1 પુરુષ સરકારી નોકરી કરે છે
પાંઢરપાડા ગામની બે મહિલા અને 1 પુરુષ સરકારી નોકરી કરી ગામનું નામ રોશન કરી રહ્યાં છે. પાંઢરપાડા ગામના મનીષાબેન બાબુભાઈ બાગુલ-શિક્ષિકા-શિવબારા-સુબિર, સુરેશભાઈ મંગુભાઈ કનવારે-ક્લાર્ક, રીનાબેન વિનેશભાઈ બાગુલ-આશા વર્કર તરીકે નોકરી કરી રહ્યાં છે. પાંઢરપાડા ગામના ત્રણ કર્મચારીનું ગામના વિકાસમાં યોગદાન જોવા મળ્યું છે.

Most Popular

To Top