શહેરમાં જે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈ મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોરોનાની પ્રકૃતિ બદલાઈ રહી છે. નવા પ્રકારનો કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
નવા પ્રકારના કોરોનાવાયરસમાં લક્ષણો હળવાથી ગંભીર બનતા જાય છે. તેમાં ડાયરિયા, માથાનો દુખાવો, નબળાઈ આવવી જેવાં લક્ષણો જોવા મળે છે. અને તેનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાતું હોવાથી લોકો સાવચેતી રાખે એ માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નાનાં બાળકોમાં અને નાનાં બાળકોથી પણ સંક્રમણ ફેલાતું હોવાથી માતાપિતા તેમનું ધ્યાન રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં સંક્રમણ ફેલાય છે. બેંગલોરમાં 472 જેટલાં બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. જેથી કન્ટેન્મેન્ટ ઝોનમાં બાળકો રમે નહીં તેની તકેદારી રાખવા જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે એ ખૂબ જરૂરી છે.
જો લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે તો 1 કોરોના સંક્રમિત વ્યક્તિ 5 દિવસમાં 65થી 70 લોકોને સંક્રમિત કરી શકે છે અને 30 દિવસમાં 400થી વધુ લોકો સંક્રમિત થઈ શકે છે. જેથી બે વ્યક્તિ વાતચીત દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તો 90 ટકા રિસ્ક ઘટાડી શકાય છે. ઘણા લોકો માસ્ક નાક નીચે ઉતારી દે છે. જેથી લોકો વ્યવસ્થિત માસ્ક પહેરે એ માટે પણ અપીલ કરાઈ છે.
યુ.કે.ના સરવે પ્રમાણે વેક્સિન મુકાવનારમાં મૃત્યુદર ઘટ્યો છે
મનપા કમિશનર શહેરીજનોને વેક્સિન મુકાવવા માટે પણ અપીલ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, યુ.કે.ના સરવે પ્રમાણે જે લોકોએ વેક્સિન મુકાવી છે તેઓમાં મૃત્યુદરનું પ્રમાણ ઘટ્યું છે. તેમજ હોસ્પિટલાઈઝેશન પણ ઘટ્યું છે. જેથી આવતીકાલથી 45થી ઉપરનાને પણ વેક્સિન મૂકવાના હોય, વધુમાં વધુ લોકો વેક્સિન મુકાવે એ માટે મનપા કમિશનરે અપીલ કરી હતી.
આ વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે
શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરા, સગરામપુરા તેમજ વરાછા-એ ઝોનમાં અશ્વિનીકુમાર, લંબે હનુમાન રોડ, વરાછા-બી ઝોનમાં મોટા વરાછા, રાંદેરમાં અડાજણ અને અડાજણ પાટિયા, કતારગામ ઝોનમાં અખંડ આનંદ, ધનવર્ષા, ઉધના ઝોનમાં મીરાનગર, સંજયનગર, ભેસ્તાન, વડોદ, ઉન પાટિયા, અઠવા ઝોનમાં સિટીલાઈટ, અલથાણ, કરીમાબાદ, વેસુ અને લિંબાયત ઝોનમાં ગોડાદરા, ડિંડોલી, ઉમરવાડા અને મગોબ વિસ્તાર વધુ સંક્રમિત હોવાથી લોકો સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
જે વિસ્તારમાં 500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થતું હોય ત્યાં મનપાની ટીમ વેક્સિનેશન માટે આવશે
શહેરમાં વધુમાં વધુ લોકો વેક્સિન મુકાવે એ માટે મનપા શહેરીજનોને અપીલ કરી રહી છે. ઘણી પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલોમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે વિસ્તારમાં 500થી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થતું હોય ત્યાં મનપા દ્વારા ટીમ મોકલવામાં આવશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.