પાકિસ્તાનના નવનિયુક્ત નાણાંમંત્રી હમ્માદ અઝહરે બુધવારે ઘોષણા કરી હતી કે 2019માં કાશ્મીરમાં તણાવના પગલે લાદવામાં આવેલા પાડોશી દેશથી આયાતના પ્રતિબંધ હટાવીને તેઓ ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત શરૂ કરશે. વ઼ાપ્રધાન ઇમરાન ખાને જેમની સોમવારે નીમણૂંક કરી હતી તે નાણામંત્રી અઝહરની અધ્યક્ષતામાં આર્થિક સંકલન સમિતિ (ઇસીસી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે દેશ અને લોકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે.
અઝહરે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત સહિતના 21 એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી, આ અંગે વિસ્તૃત ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી. ભારતે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરની ખાસ સ્વાયત્તતાને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યા પછી સ્થગિત કરી દેવાયેલા દ્વિપક્ષિય વેપારી સંબંધો આ માલસામાનની આયાતથી આંશિક બહાલ થશે. તેમણે કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રને ભારતમાંથી પાંચ લાખ ટન ખાંડ આયાત કરવાની મંજૂરી અપાઇ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે અન્ય દેશોમાંથી પણ ખાંડની આયાતની મંજૂરી અપાઇ છે પણ તેમનો ભાવ ઘણો ઉંચો છે.
તેમણે કહ્યું કે, ભારતમાં ખાંડનો ભાવ ઘણો સસ્તો છે. તેથી, અમે ભારત સાથે ખાંડનો વેપાર ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન આ વર્ષે જૂનથી ભારતથી કપાસની આયાત શરૂ કરશે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાને ભારતમાંથી કપાસની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સીધી અસર એસએમઇસ પર પડી હતી. અમે વાણિજ્ય મંત્રાલયની ભલામણ પર ભારત સાથે કપાસનો વેપાર ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ત્યાંના અખબારના જણાવ્યું હતું કે, માલની આયાત ફરી શરૂ કરવાના કારણે દ્વિપક્ષીય વેપાર સંબંધો આંશિક રીતે ફરી પુનર્જીવિત થશે. ત્યાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન ખાને વાણિજ્ય અને કાપડના પ્રભારી મંત્રી દ્વારા ભારતમાંથી કપાસ અને ખાંડની આયાતને મંજૂરી આપવા માટે ઇસીસી સમક્ષ મૂકાયેલા અહેવાલને મંજૂરી આપી દીધી છે.