SURAT

શહેરના તાપમાનમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો છતાં લોકો પંખા નીચે પણ પરસેવે રેબઝેબ

સુરત: (Surat) શહેરમાં આજે સતત બીજા દિવસે ઝડપી પવનોને પગલે તાપમાનમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાનનો (Temperature) પારો 32 ડિગ્રીએ પહોંચતા શહેરીજનોએ આકરા તાપથી (Heat) રાહત મેળવી હતી. જોકે અસહ્ય ઉકળાટને કારણે લોકો પરેશાન થયા હતાં.

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા મુજબ શહેરમાં હવે આગામી બે-ત્રણ દિવસ પછી વધારે આકરી ગરમી પડશે. હાલ બે દિવસથી પવનોની દિશામાં થયેલા બદલાવાને કારણે ગરમીમાં આંશિક રાહત શહેરીજનો મેળવી રહ્યાં છે. આજે ગરમીનો પારો વધુ એક ડિગ્રી ઘટાડા સાથે 32.2 ડિગ્રી નોંધાયો હતો. લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી વધારા સાથે 25.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીને પાર કરતા રાત્રે લોકોને ઘરમાં પંખાનો પવન પણ અસર કરતો ન હતો.

પંખા નીચે પણ લોકો અસહ્ય ઉકળાટને કારણે પરસેવે રેબઝેબ થયા હતાં. તેવી જ સ્થિતિ આજે બપોરે પણ અનુભવાઈ હતી. શહેરમાં લોકોને ફરજિયાત 24 કલાક એસી ચલાવવાની નોબત આવી છે. ઉકળાટમાં તો જાણે પંખા કામ લાગતા જ નથી. દરમિયાન આજે હવામાં 70 ટકા ભેજની સાથે 9 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

કાળા વાદળો અને ઠંડા પવનોની સાથે 5 ડિગ્રી ઘટાડો

વાપી: વાતાવરણમાં થતાં ફેરફારના પગલે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડા પવનોની સાથે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે. જેને લઈ કેરી પકવતા ખેડૂતોમાં થોડી ચિંતાની લકીરો ઉપસી આવી હતી. વલસાડ-વાપીમાં બે-ત્રણ દિવસથી ગરમીનો પારો 36.5 ડિગ્રી રહ્યા કરતો હતો. જોકે, બુધવારે વહેલી પરોઢથી આકાશમાં મંડરાયેલા કાળા વાદળો અને ઠંડા પવનોની સાથે માઈનસ 5 ડિગ્રી ઘટાડો થવા પામ્યો હતો. બુધવારે સવારે લઘુત્તમ તાપમાન 14, મહત્તમ 34 ડિગ્રી અને સાંજે લઘુત્તમ 18 અને મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, દિવસભર વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 થી 93 ટકા રહેવા પામ્યું હતું.

નવસારીમાં દિવસે ગરમીમાં થોડી રાહત, રાત્રે ઉકળાટ વધ્યો

નવસારીઃ નવસારીમાં મહત્તમ તાપમાનમાં 1.3 ડિગ્રીનો ઘટાડો થયો હતો, જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો થયો હતો, જેને પગલે દિવસે ગરમીમાં રાહત જોવા મળી હતી, જ્યારે રાત્રે ઉકળાટ વધ્યો હતો. બુધવારે મહત્તમ તાપમાન 32.2 ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉપરાંત સવારે ભેજ 97 ટકા અને સાંજે 69 ટકા રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી કલાકે 9 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગરમીમાં રાહત રહી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top