SURAT

રાત્રિ કરફ્યૂને લઈ સોશિયલ મીડિયામાં ફરી રહેલા બોગસ મેસેજને કારણે લોકો અટવાયા

સુરત: (Surat) શહેરમાં રાત્રે 8 વાગ્યાથી જ કરફ્યૂ (Curfew) શરૂ થઇ જવાની અફવાએ ભારે ચર્ચા જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં રાત્રે આઠ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી કરફ્યૂનો કડક અમલ થવાના મેસેજો (Messages) વાઇરલ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, મોડી રાત્રે સરકારે સ્પષ્ટતા કરી ગુજરાતના ચાર મહાનગરમાં તા.30 એપ્રિલ સુધી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોવાનું જણાવ્યું હતું.

શહેરમાં દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. ચારેય તરફ લોકડાઉનનાં ભણકારા વાગી રહ્યા છે. રાત્રિના સમયે કરફ્યૂ પણ અમલમાં મૂકી દેવાયો છે. શહેર પોલીસ કમિશનરને ચાર વ્યક્તિથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. દિવસ દરમિયાન પણ લોકોને કોવિડની કડક ગાઇડલાઇનનો અમલ કરાવાઇ રહ્યો છે. ત્યારે બપોર બાદ સોશિયલ મીડિયામાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યૂ હોવાના મેસેજો વાઇરલ થયા હતા. રાત્રે આઠ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી મધરાત્રિથી કરફ્યૂનો અમલ થઇ જશે તેવા મેસેજોએ ભારે ચર્ચા થઇ હતી.

ખાસ કરીને રાત્રિના સમયે હોટેલ અને લારી-ગલ્લા ચલાવીને પેટનું ગુજરાન કરનારા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ રાત્રિના સમયે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરાત કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં રાજ્યનાં ચાર મહાનગર સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તા.1થી 30 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યૂ શરૂ જ રહેશે. રાત્રે 9 વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધી આ કરફ્યૂ અમલમાં રહેશે. સરકારની જાહેરાત બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

4થી વધારે વ્યક્તિઓના ભેગા થવા ઉપર પ્રતિબંધ

સુરતઃ શહેરમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધતાં તંત્રમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકારની સૂચના બાદ સ્થાનિક તંત્ર એક પછી એક નિયંત્રણો સાથે આંશિક લોકડાઉન કરી રહ્યું છે. શહેર પોલીસ કમિશનરે શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે 4થી વધારે વ્યક્તિઓના ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન શહેરમાં હાલમાં માસ્કના દંડની કાર્યવાહીમાં દેખીતો ઘટાડો નોંધાયો છે. જ્યાં પ્રતિદિન પાંચસો કરતાં વધારે લોકોનો દંડ થતો હતો ત્યાં હાલમાં આ આંકડો સોની આસપાસ હોવાની વિગત જાણવા મળી છે.

સમગ્ર રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ ઝડપી વધવાની સાથે અનેક લોકોને અજગરી ભરડામાં લઈ રહ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં પ્રતિદિન કોરોનાથી મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને જોતાં પોલીસ કમિશનર દ્વારા શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પોલીસ કમિશનરે 4 કરતાં વધારે વ્યક્તિ ભેગા થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર તા.30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવ્યો છે.

જાહેરનામામાં સરકારી અને અર્ધસરકારી કર્મચારી, સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને બાકાત રાખવામાં આવ્યા છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. ત્યાં બીજી તરફ લોકો પોલીસ કમિશનરના આ જાહેરનામા બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે, જ્યારે ચૂંટણીની સરઘસ અને વરઘોડા કાઢી જનમેદની ભેગી કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતાં. અને હવે જ્યારે સંક્રમણ અને મોતનો તાંડવ વધવાનું શરૂ થયું ત્યારે તંત્રએ બધી બાબતો પ્રજાના માથે નાંખી દીધી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top