કામરેજ: ધોરણ પારડી ખાતે આવેલા સત્યમ યોગધામનો કહેવાતો યોગગુરૂ ઠગગુરૂ હતો અને ઐયાશી કરવામાં માનતો હોવાના આક્ષેપો પૂર્વ સાધક દ્વારા કરવામાં આવ્યા છે.
કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે તાપી નદીના કિનારે આવેલા સત્યમ યોગધામના યોગગુરુ પ્રદીપ જોટંગીયા, એક મહિલા સહિત કુલ સાત લોકો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કારમાં ડુપ્લિકેટ ચલણી 2.10 કરોડની નોટ સાથે પકડાઈ જવાની ઘટનામાં એક પછી એક યોગગુરુની પાપલીલા બહાર આવી રહી છે. જેમાં એક પૂર્વ સાધકે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ-2015 સંસ્થામાં જોડાયા હતા. જેમ જેમ પ્રદીપ જોટંગીયાની નજીક સાધક જતો ગયો તેમ તેમ ખબર પડી કે તે મહિલાઓની સાથે ઐયાશી કરવાવાળો છે. અલગ અલગ મહિલાઓ સાથે રાત્રે 12થી સવારે 5 સુધી ફોનમાં ચેટિંગથી વાતો કરતો હતો. અમુક મહિલાઓ સાથે વાત કરીને મળવા રાત્રિના બોલાવતો હતો. રાત્રિના આશ્રમમાં મહિલાઓ રોકાણ પણ કરતી હતી. આવાં ઘણાં રહસ્યો છે પરંતુ લોકો બદનામીના ડરે ખૂલીને બહાર આવવા તૈયાર નથી થતા અને મોબાઈલ અને આશ્રમના કેમેરા ચેક કરવામાં આવે તો ઘણું બહાર આવે તેમ છે. વોટ્સએપની ચેટિંગ પણ બતાવવામાં આવી છે, પરંતુ આ ચેટિંગ યોગગુરુની સાથે છે કે બીજા સાથે તે પણ તપાસનો વિષય બન્યો છે.