ગાંધીનગર : આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વક્રમાની ઉપસ્થિતિમાં પાર્ટીની કોર કમિટીની મહત્વની બેઠક મળી હતી. જેમાં આગામી નજીકના સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની ચર્ચા કરાઈ હતી. ખાસ કરીને આ બેઠકમાં ચર્ચા થયા મુજબ જગદીશ વિશ્વકર્માએ આજે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત પણ કરી દીધી હતી.જોકે, નવી પાર્લામેન્ટરી બોર્ડમાં જેમને ભૂતકાળમાં સીઆર પાટીલના સમયમાં કોરાણે મૂકી દેવાયા હતા તેવા ગણપતસિંહ વસાવાથી માંડીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. નવી બોર્ડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી માંડીને દર્શના જરદોશ અને અંજુ વેકરીયાના સમાવેશને કારણે સુરતનો દબદબો જોવા મળ્યો છે.
ભાજપની નવી પાર્લામેન્ટરી બોર્ડમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, ડે સીએમ હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ ડે સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વર્તમાન મંત્રી પ્રદ્યુમન વાજા, દર્શનાબેન જરદોશ , બાબુ બોખીરિયા, રાજેશ ચુડાસમા, નટુજી ઠાકોર , ગણપતસિંહ વસાવા, અંજુબેન વેકરિયાનો સમાવેશ કરાયો છે. જયારે વિશેષ આમંત્રિત સભ્યોમાં સી આર પાટીલ , પરષોત્તમ રૂપાલા, આર સી ફળદુ, જીતુ વાઘાણીનો સમાવેશ કરાયો છે. જયારે આમંત્રિત સભ્યોમાં જયશ્રીબેન પટેલ અને વર્ષાબેન દોશીનો સમાવેશ કરાયો છે. નવી બોર્ડમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશનો સમાવેશ આશ્ચર્યજનક રહ્યો છે.
11 સભ્યોની કોર કમિટી
તાજેતરમાં કેન્દ્રિય નેતાગીરી સાથે પરામર્શ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત આગામી સમયમાં આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠનાત્મક નિર્ણયો માટે અત્યંત મહત્વની એવી ‘પ્રદેશ ચૂંટણી સમિતિ’(કોર ગ્રુપ) ના સભ્યોની જાહેરાત અગાઉ કરી હતી. આ 11 સભ્યોની કોર કમિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ઉપરાંત, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના ડે સીએમ હર્ષ સંઘવીને પણ આ મહત્વની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. સંગઠનના સ્તરે મજબૂત પકડ ધરાવતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે. અન્ય સભ્યોમાં રાજ્ય મંત્રીમંડળના દિગ્ગજ નેતાઓ જેવા કે જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ અને દર્શનાબેન વાઘેલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ મંત્રીઓ અને અનુભવી નેતાઓ એવા ગણપતસિંહ વસાવા, પ્રદીપસિંહ જાડેજા અને આઈ. કે. જાડેજાને પણ સમિતિમાં લઈને પક્ષે અનુભવને પ્રાધાન્ય આપ્યું છે.આ પ્રદેશ ચૂંટણી સમિતિ હવે પછીની તમામ ચૂંટણીઓમાં ઉમેદવારોની પેનલ નક્કી કરવાથી લઈને પક્ષની વ્યૂહરચના ઘડવા સુધીની મહત્વની કામગીરી સંભાળશે. આ જાહેરાત સાથે જ ભાજપે આગામી સમયની રાજકીય રણનીતિ માટે પોતાના મેદાન તૈયાર હોવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.