રવિવારે સવારે અહીં સ્વરૂપ નગરમાં રાજ્ય સરકાર દ્વારા ચાલતી એલપીએસ ઇન્સ્ટિટ્યૂટ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરીમાં આગ લાગ્યા બાદ 140થી વધુ દર્દીઓને બચાવવામાં આવ્યા હતા. એમ ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું હતું.હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે બે જોખમી દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ આગના કારણે થયું નથી.
હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.વિનય ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, સવારે 7.30 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોરરૂમમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી અને દર્દીઓ અન્ય બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તમામ દર્દીઓ સુરક્ષિત છે.
આ ઘટનામાં મૃતક દર્દીઓમાં ઘાટમપુરના રહેવાસી રસૂલન બી (80) જેઓ શ્વસન બીમારીથી પીડિત હતા અને હમીરપુરના ટેક ચંદ જેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. બંને દર્દીઓના મોત વિશે ક્રિષ્નાએ કહ્યું હતું કે, આગ પર કાબૂ મેળવાયો તે પહેલા જ સવારે 6.30 વાગ્યે ટેકચંદનું મોત થયું હતું. રસૂલન બીનું મૃત્યુ ત્યારબાદ થયું હતું. બંને મૃતદેહને પૉસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ક્રિષ્નાએ કહ્યું કે, આગનું કારણ સંભવત શૉર્ટ સર્કિટ હતું.
કાનપુરના ચીફ ફાયર ઓફિસર એન પી સિંહે જણાવ્યું કે, નવ ફાયર ટેન્ડરો દ્વાર ફાયર ફાઇટને સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં બે કલાકનો સમય લાગ્યો હતો. યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી હતી અને બહાર કાઢવામાં આવેલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે નિર્દેશ આપ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્રનો અહેવાલ પણ માંગ્યો હતો.