ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 62,714 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સહિત દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો વધીને 1,19,71,624 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, દેશમાં મૃત્યુનો આંકડો વર્ષ 2021મા સૌપ્રથમ વખત 300ને પાર ગયો છે.
કેન્દ્રીય આરોગી મંત્રાલયે રવિવારે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં સતત 18 દિવસથી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશમાં એક્ટિવ કેસનો આંકડો વધીને 4,86,310 થયો છે. જે કુલ સંક્રમિત દર્દીઓના 4.06 ટકા છે. તેમજ કોરોના સામે રિકવરી રેટ ઘટીને 94.58 ટકા થયો છે.
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા 62,714 કેસ 16 ઑક્ટોબર 2020 બાદ સૌથી વધુ કેસ છે. 16 ઑક્ટોબરના રોજ 24 કલાકમાં 63,371 જેટલા નવા કેસ નોંધાયા હતા. દેશમાં નવા 312 મૃત્યુ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ માહિનામાં સૌથી વધુ છે. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,61,552 થઈ ગયો છે. તેમજ દેશમાં નોંધાયેલા નવા 312 મૃત્યુ 25 ડિસેમ્બર 2020એ નોંધયેલા 336 મૃત્યુ બાદ સૌથી વધુ છે.
આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દેશમાં કોરોના વાયરસને માત આપીને સાજા થયેલા લોકોનો આંકડો વધીને 1,13,23,762 થઈ ગયો છે. જ્યારે દેશમાં મૃત્યુદર 1.35 ટકા નોંધાયો છે. આઇસીએમઆર અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 11,81,289 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 24,09,50,842 ટેસ્ટ થયા છે.
કોરોના વાયરસથી થયેલા 312 નવા મૃત્યુમાં મહારાષ્ટ્રના 166, પંજાબના 45, કેરળના 14, છત્તીસગઢના 13 અને દિલ્હીના 10 લોકોનો સમાવેશ થાય છે. દેશમાં મહારાષ્ટ્રમાંથી 54,073, તમિળનાડુમાંથી 12,659, કર્ણાટકથી 12,492, દિલ્હીથી 10,997, પશ્ચિમ બંગાળથી 10,322, ઉત્તર પ્રદેશમાંથી 8,783, આંધ્ર પ્રદેશમાંથી 7,203 અને પંજાબથી 6,621 સહિત દેશમાં કુલ 1,61,552 મૃત્યુ નોંધાયા છે.