Columns

વેશપલટો શક્ય, વિચારપલટો અશક્ય

મહાભારતની વાત છે. દ્રૌપદીનો સ્વયંવર હતો. બધા રાજ રાજવીને હરાવીને એક બ્રાહ્મણ યુવક માછલીની આંખ વીંધી શક્યો અને હવે દ્રૌપદી તેને વરમાળા પહેરાવશે. તે સમયે પાંડવો વનવાસમાં હતા અને બ્રાહ્મણ વેશે માતા કુંતી સાથે જંગલ નજીકના ગામમાં રહેતા હતા. એક બ્રાહ્મણ યુવક સ્વયંવરમાં વિજયી બન્યો તેની રાજા દ્રુપદને બહુ નવાઈ લાગી હતી. રાજા દ્રુપદ વિચારી રહ્યા હતા કે મારી ઈચ્છા અર્જુન જેવા મહાન વીર ધનુર્ધારી સાથે મારી પુત્રીનો વિવાહ કરવાની ઈચ્છા હતી એટલે જ સ્વયંવરમાં આટલી અઘરી આકરી શરત રાખવામાં આવી હતી અને આ શું થઈ ગયું?

બધા રાજા રાજવી અને કુંવારો નિષ્ફળ ગયા અને બ્રાહ્મણ યુવક આટલું અઘરું નિશાન પાર પાડી માછલી વીંધી ગયો. આ કઈ રીતે શક્ય બને? મારે આ બ્રાહ્મણ યુવક કોણ છે તેની બરાબર તપાસ કરાવવી પડશે. હવે રાજા દ્રુપદે રાજ મહેલમાં ભોજન સમારંભનું ભવ્ય આયોજન કર્યું. બ્રાહ્મણ યુવક અને તેના ભાઈઓ સમારંભમાં મુખ્ય અતિથિ હતા. રાજમહેલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો, ફૂલની રંગોળી, ઠેર ઠેર દીપકો… એક બાજુ મંદિર સજાવવામાં આવ્યું. એક બાજુ યુદ્ધમાં વપરાતાં વિવિધ નવીન શસ્ત્રો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યાં. વચ્ચેથી ભોજનશાળામાં જવાનો રસ્તો હતો.

ઘણાં બધાં આમંત્રિતો આવી રહ્યાં હતાં, સજાવટને જોતાં હતાં, ભોજનશાળામાં જતાં હતાં, સ્વયંવરમાં શરત પૂરી કરી, દ્રૌપદીનો હાથ જીતવાવાળો બ્રાહ્મણ યુવક તેના ભાઈઓ સાથે આવ્યો. રાજા દ્રુપદે આવકાર આપ્યો અને ભોજનખંડમાં પધારવા કહ્યું પરંતુ પાંડવોનું સર્વપ્રથમ ધ્યાન શસ્ત્રો તરફ ગયું. તેઓ તેને ધ્યાનથી જોવા લાગ્યા. રાજા દ્રુપદ સમજી ગયા. તેમણે પૂછ્યું, ‘‘તમે કોણ છો? બ્રાહ્મણ લાગતા નથી.

સાચી ઓળખ આપો.’’ યુધિષ્ઠિર ક્યારેય અસત્ય ન બોલતા હતા. તેમણે કહ્યું, ‘‘ રાજન્, અમે હસ્તિનાપુરના રાજા પાંડુના પુત્રો પાંડવો છીએ. બ્રાહ્મણ નહીં, ક્ષત્રિય છીએ. હું યુધિષ્ઠિર અને આ શરત જીતનાર બ્રાહ્મણ અર્જુન છે. દ્રુપદ આ જાણીને ખુશ થયા અને હસતાં હસતાં બોલ્યા, ‘‘વ્યક્તિ વેશપલટો કરી શકે પણ પોતાના મૂળભૂત વિચારોને અને પોતાની લાગણીઓને પોતાના ગમા અણગમા, સ્વભાવ અને આસક્તિઓને બદલી શકતો નથી.’’
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top