KAMREJ : સાપ્તાહિક અખબારના પત્રકાર ( REPORTER) સહિત ચાર ઈસમો ઉંભેળ પાસે બકરાં ભરેલી ટ્રકની પાસ પરમિટ ન હોવાને લઈ પોલીસ કેસ ન કરવા માટે 10000નો તોડ કરવા જતાં ભેરવાયા હતા. પત્રકાર સહિત ચારેય ઈસમ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. પોલીસે પત્રકાર સહિત બે ઈસમની ધરપકડ કરી છે.
આણંદ ખાતે સારસા ગામ ખાતે યાસીનભાઈ ગુલામભાઈ શેખ રહે છે. જેઓ ઘેટાં-બકરાં વેચવાનો ધંધો કરે છે. શુક્રવારે મોડાસા ખાતે ચાંદ ટેકરી ખાતેથી યાસીનભાઈના મિત્ર જાવેદભાઈ બાબુભાઈ મુલતાની ટ્રક નં.(GJ 31 T 3136)માં ઘેટાં-બકરાં મોડાસાથી ભરી મુંબઈની બજારમાં વેચવા માટે ટ્રક ડ્રાઈવર ઈરફાન કાલુભાઈ મુલતાની અને ક્લીનર સાકીર ગબુભાઈ મુલતાની (બંને રહે.,ચાંદ ટેકરી, મોડાસા) જવાના હોવાથી આણંદ ખાતે રહેતા યાસીનભાઈના પણ ઘેટાં-બકરાં મુંબઈમાં વેચવાના હોવાથી તેમના પણ ઘેટાં-બકરાં ભરી ડ્રાઈવર અને ક્લીનર સાથે યાસીનભાઈ પણ ટ્રકમાં બેસી મુંબઈ જવા માટે રાત્રિના 11 કલાકે આણંદ ખાતેથી નીકળ્યા હતા.
અમદાવાદ-મુંબઈ ને.હા.નં.48 ઉપર ઉંભેળ ગામની સીમમાં મોડી રાત્રિના 2.30 કલાકે ચાર ઈસમે ટ્રકને હાથ ઊંચો કરીને ઊભી રાખી હતી. જેમાં એક ઈસમે સાપ્તાહિક સમાચારપત્રના પત્રકાર તરીકેની ઓળખ આપી ટ્રકમાં શું ભર્યું છે? ઘેટાં-બકરાં ખીચોખીચ હાલતમાં ભરીને લઈ જાવ છો. પરમિટ છે? તેમ પૂછતાં પરમિટ ન હોવાથી ટ્રકચાલક અને ક્લીનર ગભરાઈ જતાં પત્રકાર સાથે આવેલા બીજા ત્રણ ઈસમે ગુસ્સે થઈ મૂંગાં પશુઓનો ગેરકાયદે વહન તેમજ વેપાર કરો છો. તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
કેસ ન કરવાના તથા પોલીસને જાણ ન કરવાના રૂ.10000 થશે તેમ કહીને તોડ પાડવા જતા ટ્રક ચાલક પાસે રૂ.6200 નીકળતાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસને બોલાવતાં પોલીસે ટ્રકચાલક તેમજ પત્રકારને કામરેજ પોલીસ મથકે લાવી પત્રકાર સામે ટ્રકચાલક પાસેથી બળજબરીથી રૂપિયા કઢાવી લેવાની ફરિયાદ ભાવેશ મનસુખભાઈ ગોરસીયા (રહે.,243, સુંદરવન સોસાયટી, નનસાડ), જનક છગનભાઈ કાતરિયા (રહે.,129,શિવવાટિકા સોસાયટી, માંકણા), કેમેરામેન કાનાભાઈ અને ભાવેશભાઈ ઝાલા સામે નોંધી હતી. તો ટ્રકચાલક સામે પણ ગેરકાયદે પશુઓની હેરાફેરીની ફરિયાદ નોંધાઈ હતી.