ગાંધીનગર, તા. 13
“દેશનો આત્મા ગામડાઓમાં વસે છે.” આજે પણ ભારતની આશરે 68 ટકા વસ્તી ગામડાઓમાં વસે છે, તેથી ગ્રામિણ વિકાસ અત્યંત મહત્વનો વિષય છે. યુપીએની કોગ્રેસની સરકારે મનરેગાના અમલથી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાયદાથી ગામડાઓમાં લોકોને કામ કરવાનો અધિકાર મળ્યો અને ગ્રામિણ અર્થતંત્રમાં સકારાત્મક ફેરફાર આવ્યો હતો.
પરંતુ ભાજપની સરકાર મનરેગાના કાયદામાં ફેરફાર કરીને ગામડાંના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. ગયા વર્ષે મનરેગા દ્વારા લગભગ રૂ. 86,000 કરોડ ગ્રામિણ વિસ્તારોમાં પહોંચ્યા હતા, પરંતુ હવે આ રકમ નોંધપાત્ર રીતે ઘટવાની શક્યતા છે, તેવું રાજ્યસભા ગ્રામિણ વિકાસ વિભાગ પર ચર્ચા દરમિયાન સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે વધુમાંમ કહ્યું હતુ કે મનરેગામાં ભાજપના નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હોવા છતાં તેની યોગ્ય તપાસ કરવામાં આવી નથી. ગુજરાતના દાહોદ જિલ્લાના પીપેરો ગામમાં એક જ સર્વે નંબરમાં તળાવ, વૃક્ષારોપણ, જમીન લેવલિંગ અને નહેર જેવા કાગળ પરના કામ બતાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સામે આવ્યા છે. આ મામલે કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસ કરાવવાની માંગ પણ તેમણે કરી હતી.
સરકાર પ્રથમ બજેટમાં મોટી રકમની જાહેરાત કરે છે પરંતુ બાદમાં રિવાઈઝડ બજેટમાં તેમાં ઘટાડો કરે છે. પીવાના પાણીની યોજનામાં અંદાજિત બજેટ કરતાં લગભગ રૂ. 17,000 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત ગ્રામ સ્વરાજ અભિયાનમાં રૂ. 850 કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ. 22,000 કરોડ, અનુસૂચિત જનજાતિ કાર્યક્રમમાં રૂ. 1,580 કરોડ અને મિશન વાત્સલ્યમાં રૂ. 600 કરોડનો કાપ મુકવામાં આવ્યો છે.
ગુજરાતમાં સગર્ભા મહિલાઓમાં 68 ટકા અને કિશોરીઓમાં લગભગ 60 ટકા એનિમિયાથી પીડાય છે, જે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
ઉદ્યોગોને જમીન ફાળવણી મુદ્દે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ગામડાંની ગૌચર અને ખેતીની જમીન ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. આવા નિર્ણયો ગામડાં માટે નુકસાનકારક છે.
જો ખેતી અને પશુપાલન ટકી નહીં શકે તો કોઈ ઉદ્યોગપતિ દેશના લોકોને અનાજ કે દૂધ પૂરુ પાડી શકશે નહીં. દેશને મજબૂત બનાવવા માટે ગામડાં મજબૂત બનવું અત્યંત જરૂરી છે.