દુનિયામાં મનુષ્ય સૌથી હોંશિયાર પ્રાણી ગણવામાં આવે છે છતાં આપણે મનુષ્યોએ પંખીઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. કોઈ પણ પંખી જોજો, જ્યારે કોઈ ખતરાની ઘંટડી વાગશે તો બધાં ભેગાં થઈ જશે. એકજૂથ થઈ મુશ્કેલીનો સામનો કરશે અને આપણે માણસો મુશ્કેલીમાં પડનારનો સાથ છોડી દઈએ છીએ. મુશ્કેલી આવે તો એકબીજા ઉપર દોષારોપણ કરીએ છીએ કે તારે કારણે મુશ્કેલી આવી છે. કાગડાનાં ટોળાં અને કા..કા..ના અવાજ સાથેની મીટીંગો જોઈ હશે. કાગડાઓ ગાંઠિયા કે સેવ કે અન્ય ખોરાક જુવે તો તરત જ કા..કા.. કરી અન્ય સાથીઓને પણ બોલાવે છે. પણ આપણે મનુષ્યો સ્વાર્થી બની બધું પોતે જ લઈ અન્યને ન આપવામાં માનીએ છીએ પછી તે કોઈ પણ વસ્તુ હોય કે સાથ સહકાર, માનવી પોતાના ફાયદા માટે હંમેશા સ્વાર્થી બની જાય છે.
નાની-નાની ચકલીઓના માળા પર કોઈ હુમલો કરે તો ઝીણી ઝીણી ચકલીઓ પણ ડર્યા વગર આગળ આવે છે અને ચીં.. ચીં.. ચીં.. ચીં.. ના અવાજ સાથે હુમલો કરનારને ચાંચ મારવાની હિંમત પણ બતાવે છે અને આપણે મનુષ્યો કોઈ આફતમાં ફસાય તો આપણો રસ્તો અલગ કરી લઈ દૂરથી તમાશો જોઈએ છીએ, જલ્દી મદદ કરવા આગળ આવતાં નથી. વિજ્ઞાન કહે છે કે વી આકારની વસ્તુ હવામાં સહેલાઈથી ઊડી શકે છે. આકાશમાં ઊડતાં પંખીઓનાં ટોળાં ખાસ કરીને હંસોનાં ટોળાં જોજો, તેઓ ટોળામાં ઊડે છે એટલે સાથે રહે છે અને વી આકારમાં ગોઠવાઈને જોડે છે એટલે તેમની ઊડવાની શક્તિ વધે છે.
જો તેઓ એકલાં ઊડે તો પવનનો અવરોધ એકલા સહન કરવો પડે છે પરંતુ વી આકારમાં ઊડે તો એકબીજાનો આધાર અને સાથ મળે છે અને આગળના પંખીને સૌથી વધુ અવરોધનો સામનો કરવો પડે છે પરંતુ પાછળ ઊડનારાંઓને ઊડવાનું સહેલું પડે છે. ટોચનું પંખી થાકે તો પાછળનું ઓછું થાકેલું પંખી તેનું સ્થાન લે છે. કોઈ ઘવાય કે માંદુ પડે તો ઓછામાં ઓછાં બે પંખી તેને આરામ આપવા નીચે જમીન પર તેની સાથે આવે છે અને બાકી બધાં આગળ વધે છે અને આપણે માણસો એકબીજાના માર્ગના અવરોધ બનીએ છીએ. એકજૂથ થઈને રહેતાં નથી. આગેવાની લેનાર થાકે તો તેને માથે છાણાં થાપીએ છીએ. કોઈ હારે કે પાછળ પડે તો તેનો સાથ છોડી દઈએ છીએ. કાશ, માણસો પંખીઓ પાસેથી શીખે અને પંખીઓ જેવી સમજ કેળવે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.