Gujarat

ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ દેશ માટે પથદર્શક

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, સહકાર અને મત્સ્યોદ્યોગ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા બાદ તેને મંજૂરી આપવામાં આવી હતી. બન્ને પક્ષોના સભ્યો દ્વારાા કરાયેલી ચર્ચાનો જવાબ આપતાં કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં પરંતુ દેશના અર્થતંત્રને ધબકતું રાખતી જીવંત ધોરી નસ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે અને આજે રાજ્યનું કૃષિ તથા સહકારી મોડેલ સમગ્ર દેશ માટે પથદર્શક બની રહ્યું છે.’વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના લક્ષ્યાંકો અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધાન્ય પાકોની ઉત્પાદકતા વધારવાની સાથે અમદાવાદના ત્રાગડ ખાતે કૃષિ ઉદ્યોગ અને નવીનતા કેન્દ્ર સ્થાપવામાં આવશે. વાવ-થરાદ ખાતે ફૂડ પાર્ક અને ઉત્તર ગુજરાતમાં કૃષિ લોજિસ્ટિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. કૃષિ ઉદ્યોગ અને નિકાસ નીતિ દ્વારા ૫૦ લાખ ખેડૂતોની આવક વધારવા તથા રૂ. ૧ લાખ કરોડનું રોકાણ આકર્ષવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં કૃષિ ઉત્પાદનમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. કપાસનું ઉત્પાદન ૧૧.૬૧ લાખ ગાંસડીથી વધી ૯૨.૪૮ લાખ ગાંસડી થયું છે, જે લગભગ ૬૯૬ ટકા વધારો દર્શાવે છે. મગફળીનું ઉત્પાદન ૬.૮૮ લાખ મેટ્રિક ટનથી વધીને ૪૬.૪૬ લાખ મેટ્રિક ટન થયું છે, જે ૫૭૫ ટકાનો વધારો છે. આ ઉપરાંત કઠોળના ઉત્પાદનમાં ૭૩૩ ટકા, તેલીબિયાંમાં ૩૪૭ ટકા અને ધાન્ય પાકોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.ગુજરાતના કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળતી હોવાનું જણાવતાં વાઘાણીએ કહ્યું કે ગીરની કેસર કેરી, ભાલના ભાલિયા ઘઉં, કચ્છની ખારેક અને વલસાડી ચીકુને ભૌગોલિક ઓળખનું પ્રમાણપત્ર મળ્યું છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.

કૃષિ મંત્રીએ ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ટેકાના ભાવમાં પણ છેલ્લા વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે રૂ. ૩૯,૧૫૫ કરોડના મૂલ્યના ૫૯.૮૭ લાખ મેટ્રિક ટનથી વધુ પાકોની ખરીદી કરી છે. કુદરતી આપત્તિઓ સમયે પણ સરકાર ખેડૂતોની સાથે ઊભી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં ૫૩ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧૨,૯૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં પણ અગ્રેસર છે. રાજ્યમાં ‘આઈ ખેડૂત ૨.૦’ પોર્ટલ સાથે ૧૮ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે. કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ચેટબોટ દ્વારા હજારો ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૮૦ લાખથી વધુ સર્વે નંબરમાં ડિજિટલ પાક સર્વે અને ૫૯ લાખ ખેડૂતોને ખેડૂત ઓળખ નંબર આપવામાં આવ્યો છે. પિયત વિસ્તાર અને કૃષિ યાંત્રિકીકરણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૧૯૯૦-૯૧માં રાજ્યનો પિયત વિસ્તાર ૨૯ લાખ હેક્ટર હતો, જે હવે વધીને ૧૦૯ લાખ હેક્ટર થયો છે.

ટ્રેક્ટર નોંધણીમાં પણ ૪૪૫ ટકા વધારો નોંધાયો છે.બાગાયત ક્ષેત્રે ગુજરાત આજે ચીકુ, પપૈયા, ભીંડા, જીરું અને વરિયાળીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં ૫૪૮ કોલ્ડ સ્ટોરેજ દ્વારા ૨૭.૪૦ લાખ મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીમાં પણ ગુજરાત અગ્રેસર છે અને હાલોલ ખાતે દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે.
સહકારી ક્ષેત્ર અંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં દૂધ એકત્રીકરણ ૫૦૦ ટકા વધીને દરરોજ લગભગ ૩ કરોડ લિટર સુધી પહોંચ્યું છે અને પશુપાલકોને રોજના લગભગ રૂ. ૨૦૦ કરોડનું ચૂકવણું થાય છે. ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને વ્યાજમુક્ત ધિરાણ માટે રૂ. ૧૫૩૯ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના લક્ષ્યાંકો અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધાન્ય પાકોની ઉત્પાદકતા વધારવાની સાથે અમદાવાદના ત્રાગડ ખાતે કૃષિ ઉદ્યોગ અને નવીનતા કેન્દ્ર સ્થાપવામાં આવશે. વાવ-થરાદ ખાતે ફૂડ પાર્ક અને ઉત્તર ગુજરાતમાં કૃષિ લોજિસ્ટિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. કૃષિ ઉદ્યોગ અને નિકાસ નીતિ દ્વારા ૫૦ લાખ ખેડૂતોની આવક વધારવા તથા રૂ. ૧ લાખ કરોડનું રોકાણ આકર્ષવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

Most Popular

To Top