Columns

તું અધમ નથી!

મિથિલા નગરીનો એક ગરીબ શુદ્ર અયોધ્યામાં રહેવા આવ્યો. તે મા સીતા અને ભગવાન રામનો પરમ ભક્ત હતો. તે શ્રી રામજીનાં મંદિરોમાં દર્શન કરવા આવનાર તીર્થયાત્રીઓ માટે રસ્તો સાફ કરતો. સતત કામ કરતો અને પ્રભુનામ અને જપમાં મગન રહેતો. એક દિવસ તેને ખબર પડી કે મા સીતાના પરમ ભક્ત સાધુ સીતાશરણજી અયોધ્યામાં આવ્યા છે અને પ્રભુભક્તિ અને ઉપાસનામાં લીન છે. તે શુદ્ર સેવક પ્રભુના પરમ ભક્તની સેવા કરવા તેમની કુટીર સાફ કરી આપવાની ભાવના સાથે તેમની કુટીર પર ગયો ત્યારે સાધુ સીતાશરણજી સરયુ નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. શુદ્ર સેવકે કુટીર સાફ કરી, આંગણું ચોખ્ખું કરી પાણી છાંટ્યું. ત્યાં સ્નાન કરી સાધુ કુટીર પર આવ્યા.

ચોખ્ખી ચણાક કુટીર જોઈ પેલા શુદ્રને પૂછ્યું, ‘‘તું કોણ છે?’’ શુદ્રે જવાબ આપ્યો, ‘‘સાધુબાબા, હું મિથિલા નગરીનો રહેવાસી, રાજા જનકજીના પરિવારનો સેવક છું અને હવે અહીં અયોધ્યામાં રહી પ્રભુ રામ અને માતા સીતાના ભક્તોની સેવા કરું છું. આપની કુટીર સાફ કરીને ધન્યતા અનુભવી છે. મારા પ્રણામ સ્વીકાર કરો.’’ આટલું બોલી પોતે શુદ્ર હોવાને કારણે દૂરથી જ સાધુ સીતાશરણજીને પ્રણામ કર્યા પણ તેના આશ્ચર્ય વચ્ચે તેની વાત સાંભળીને સંત સીતાશરણજી તેની નજીક આવ્યા અને તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યા, ‘‘આજે તો મારા અહોભાગ્ય કે મહારાણી સીતાજીના પિયરના સેવકનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું.’’

પેલા શુદ્રને અતિ આશ્ચર્ય થયું. તે ડરીને બે ડગલાં પાછળ ખસી ગયો. તેણે સંકોચ સાથે સાધુને કહ્યું, ‘‘સાધુબાબા, તમે પરમ ભક્ત છો, સાધુ છો. તમે મારા જેવા અધમને શું કામ પ્રણામ કરો છો? આમ કરો તો મને પાપ લાગશે.’’ સંત સીતાશરણજી બોલ્યા, ‘‘ભાઈ અધમ કોઈ જાતિથી નહીં પણ પોતાનાં દુષ્કર્મોથી બને છે. તું રામ સીતાનો પરમ ભક્ત છે, ભગવાન રામ અને સીતા માતાના ભક્તોની પણ તું સેવા કરે છે. તારું મન નિશ્ચલ અને પવિત્ર છે. તું ક્યારેય તારી જાતને અધમ માનતો નહીં. જે બીજાને અધમ સમજે છે તે ખરા અર્થમાં અધમ હોય છે તું નહીં… તને, તારી સેવા અને ભક્તિને મારા શત શત નમન છે.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top