આપણી માતૃભાષાને ‘મા’ની માફક પ્રેમ કરો અને બીજી ભાષા સાથે માસી જેવી લાગણી રાખો. આપણને આપણી માતૃભાષાનું ગૌરવ હોવું જોઈએ. હાલમાં કેટલીય માતાઓના મોઢે એવું સાંભળવા મળે છે કે, કમ ઓન દીકરા એક બાઈટ ઇટ કરી લે, નથી પૂરું અંગ્રેજી કે નથી પૂરું ગુજરાતી. આપણે બાળકોનાં નામ પણ એટલાં અઘરાં રાખવા માંડયા છીએ કે એનો અર્થ ગુજરાતીમાં શું થાય એ કોઈ ગુજરાતી શબ્દકોશમાં મળતો નથી. આજનાં વાલીઓને ગુજરાતી નામો દેશી અને જૂની ફેશન લાગે ! બાળક તોફાન કરતું હોય તો માતા-પિતા એને અંગ્રેજીમાં રાઈમ્સ કે કાર્ટૂન બતાવી મોબાઈલ પકડાવી દે. બાળકને એવું અંગ્રેજી શીખવો કે એ પાછા ન પડે પણ સાથે માથે એને ગુજરાતીનું પણ શ્રેષ્ઠ જ્ઞાન આપી આજે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતાં બાળકોને ગુજરાતી લખતાં વાંચતાં સાચું આવડતું નથી.
આપણે અંગ્રેજી ગ્રામરને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું ગુજરાતી વ્યાકરણને મહત્ત્વ આપતાં નથી. જે હકીકત આપણે બધા સોશ્યલ મીડિયા પર જોઈ રહ્યાં છીએ. આજનાં બાળકોને કહેવતો રુઢિપ્રયોગો કે ગુજરાતી આંકડાઓને શબ્દોમાં સમજાતા નથી. એટલું સમજો કે ભાષાનું મૃત્યુ એટલે સંસ્કૃતિનું મૃત્યુ. આપણી જવાબદારી સંસ્કૃતિને બચાવવાની છે. બાળકોના અભ્યાસના માધ્યમ સીથે સમાધાન શક્ય છે. મારાં બંને બાળકોને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરાવી ડોક્ટર્સ બનાવ્યાં છે. આજે તેઓ અંગ્રેજીમાં સડસડાટ પ્રત્યાયન કરી શકે છે. ઝોબલ થવાની દોડમાં આપણા કેટલાક શબ્દો દિનપ્રતિદિન ખોવાઈ રહ્યા છે તો શ્રી ગુજરાતીને મારો અનુરોધ છે કે, આપણે ગુજરાતી સાહિત્ય વાંચીએ. બાળકોને વંચાવીએ અને ઘરમાં બધા શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરીએ અને માતૃભાષાને આદર આપીએ. એ જ આજના માતૃભાષા દિવસ નિમિત્તે શ્રી ગુજરાતીને મારી અપીલ છે.
નવસારી – અશોકભાઈ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.