એક રાજા હતા. તેમણે એક મોટો સુંદર બગીચો બનાવ્યો. બગીચામાં સત્ય, પ્રેમ, ઈમાનદારી, જ્ઞાન, ભક્તિ, કરુણા, દયા વગેરે ઘણા છોડ ઊગાડ્યા. રાજા પોતે આ બધા છોડની દેખભાળ કરતાં. પોતે બધા છોડને ખાતર પાણી આપતાં. બધા છોડ મોટા થવા લાગ્યા. તેની પર ફૂલ ખીલ્યાં. ફૂલોમાં એટલી સુંદર મહેક હતી કે આખું નગર, આખું રાજ્ય મહેકી ઊઠ્યું. ચારે બાજુ રાજાની પ્રશંસા થવા લાગી. રાજાનો જયજયકાર થવા લાગ્યો. રાજા ખૂબ ખૂબ ખુશ થઈ ગયા. મનમાં છાને ખૂણે એક વિચિત્ર લાગણી ઉદ્ભવવા લાગી. થોડા દિવસો બાદ રાજાએ જોયું તો તેમના બગીચામાં એક નાનકડો છોડ તેની જાતે જ ઊગી નીકળ્યો હતો. મોટા મોટા વૃક્ષ અને છોડ વચ્ચે આ નાનકડા છોડનું શું મૂલ્ય?
રાજાએ તેના પર બિલકુલ ધ્યાન ન આપ્યું. હવે એવું થયું કે છોડ ખૂબ જ ફટાફટ વધવા લાગ્યો. રાજાએ તેની પર ધ્યાન આપ્યું નહીં અને ઉખેડવાની કોશિશ પણ કરી નહીં. રાજાએ વિચાર્યું ‘‘ભલે ને એની જાતે ઊગ્યો છે તો છોડને ઊગવા દો.’’થોડા દિવસ વિત્યા અને જોતજોતામાં તે છોડે મોટા વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું. મોટા વૃક્ષ પર ફૂલ ઊગ્યાં. આ ફૂલ એટલાં સુંદર હતાં કે જે તેને જોતું તે જોતું જ રહી જતું. ફૂલો ખૂબ જ સુંદર હતાં. રંગછટા પણ અદ્ભુત હતી; પરંતુ તે ફૂલોની અંદર ભયંકર દુર્ગંધ હતી જે સહન કરવી ખૂબ જ મુશ્કેલ હતી.
બધા નાક બંધ કરી લેતાં. રાજા વિસ્મયમાં હતો કે આ એવું તે કહ્યું વૃક્ષ છે કે જેનાં ફૂલો આટલાં સુંદર છે પણ તેમાં સુગંધ નહીં અને દુર્ગંધ છે. તેણે ઘણી તપાસ કરી. અનેક લોકોને પૂછ્યું પરંતુ કોઈ આ વૃક્ષનું નામ જાણતું ન હતું. એક દિવસ એક સાધુ મહાત્મા રાજાના નગરમાં આવ્યા અને વૃક્ષને જોઈને બોલ્યા, ‘‘અરે, આ તો અહંકારનું વૃક્ષ.’’ રાજાએ વાત સાંભળી સાધુ મહાત્માને પૂછ્યું, ‘‘મહારાજ, તમે આ વૃક્ષને જાણો છો?’’ સાધુએ કહ્યું, ‘‘હા રાજન, આ અહંકારનું ઝેરી વૃક્ષ છે. તે ખૂબ જ ફટાફટ વધે છે અને તેને ઊગાડવાની, વાવવાની જરૂર પડતી નથી.
તેનાં ફૂલ મનમોહક હોય છે પરંતુ તેનામાં એટલી બધી દુર્ગંધ હોય છે કે બીજાં બધાં જ ફૂલોની સુગંધને ધૂળધાણી કરી નાખે છે.નક્કી તમારા મનમાં કોઈ વાતને લઈને અભિમાન જાગ્યું હશે તો જ આ વૃક્ષ ઊગી શકે.’’ રાજા વિચારમાં પડી ગયો. થોડી વાર બાદ તેણે કબૂલ કર્યું કે, ‘‘મહાત્માજી, મારા મનમાં મારા જેવો સુંદર બગીચો ક્યાંય નથી તે બાબતનું જરા અભિમાન જાગ્યું હતું.’’સાધુ બોલ્યા, ‘‘રાજન,યાદ રાખજો, અભિમાન અને અહંકારની દુર્ગંધ બધા જ ગુણોને નકામા કરી નાખે છે. જ્યારે તમારા મનમાં નાનકડો અભિમાનનો અંકુર ફૂટે ત્યારે જ તેને ઉખાડી નાખજો નહીં તો હૃદય મનનો આખો બગીચો દુર્ગંધથી ભરાઈ જશે.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.