Business

સરકારે હવે કરકસરથી ઇંધણ વાપરવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી દેવી જોઇએ

અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો અને ઇરાને વળતા હુમલા શરૂ કર્યા તેના પછી પશ્ચિમ એશિયામાં જે ભયંકર યુદ્ધ ફાટી નિકળ્યું તેને કારણે વિશ્વભરના ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠાને અસર થવાની જે ભીતિઓ સેવાતી હતી તે હવે સાચી પડવા માંડી છે. યુદ્ધ શરૂ થયાના થોડા જ સમય પછી ઇરાને હોરમઝની સામુદ્રધૂનિ તરીકે ઓળખાતો સમુદ્રી માર્ગ બંધ કરી દીધો. આ માર્ગે દુનિયાભરના કુલ ક્રૂડ ઓઇલ પરિવહનના એક મોટા હિસ્સાનું પરિવહન થાય છે. આ સપ્લાય ખોરવાતા અને અખાતી દેશોના ઓઇલ ઉત્પાદનને પણ ફટકો પડતા વૈશ્વિક ક્રૂડના ભાવ વધવા માંડ્યા છે અને ખનિજ તેલની તંગીનો ભય સર્જાયો છે.

ભારત ખનિજ તેલનો એક મોટો આયાતકાર દેશ છે અને તેની વિશાળ વસ્તી જોતા તેની ખનિજ તેલની જરૂરિયાત ઘણી વધારે છે આથી તેણે હવે આગોતરા પગલા લેવાનું શરૂ કરી દીધું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ જો લાંબો ખેંચાય, તો પુરવઠો પૂરતો જળવાઈ રહે તે માટે ભારતીય રિફાઇનર્સે અમેરિકા, રશિયા અને પશ્ચિમ આફ્રિકા પાસેથી વધારાના ક્રૂડ કાર્ગો માટે વાટાઘાટો શરૂ કરી છે. ઉદ્યોગના અધિકારીઓ અને વિશ્લેષકોએ આ માહિતી આપી છે.

દેશની અંદર પણ ઓઇલનો પુરવઠો જાળવી રાખવા પુરી સતર્કતા રાખવામાં આવી રહી છે. રિફાઇનરીઓ, જે કાચા તેલને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણમાં રૂપાંતરિત કરે છે, તેમણે મેઇન્ટેનન્સ માટેના પૂર્વઆયોજિત શટડાઉન મુલતવી રાખ્યા છે. તેઓ સામાન્ય પ્રોસેસિંગ રેટ જાળવી રહ્યા છે જેથી બફર સ્ટોક ઊભો કરી શકાય, જે ટૂંકા ગાળામાં દેશની જરૂરિયાત પૂરી કરી શકે. ભારત તેની કાચા તેલની જરૂરિયાતના લગભગ 88 ટકા આયાત કરે છે. ફેબ્રુઆરીમાં આ પુરવઠાનો અડધો હિસ્સો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી પસાર થયો હતો.

હવે ભારતીય રિફાઇનર્સ પશ્ચિમ આફ્રિકા, લેટિન અમેરિકા અને અમેરિકા પાસેથી ક્રૂડ મેળવી રહ્યા છે. વધુમાં, અમેરિકી ટ્રેઝરી વિભાગ દ્વારા રશિયન તેલના વેચાણ અને ડિલિવરી માટે 30 દિવસની છૂટછાટ આપવાથી અન્ય એક માર્ગ ખુલ્યો છે. આ છૂટ એવા રશિયન તેલ માટે છે જે પહેલાથી જ જહાજો પર લોડ થઈ ચૂક્યું છે. આ મુક્તિ 5 એપ્રિલ સુધી માન્ય છે, જે ટ્રન્ઝિટમાં રહેલા કાર્ગોને પ્રતિબંધક આદેશોના અવરોધો વિના ભારત પહોંચવા દેશે. હાલમાં સમુદ્રમાં જહાજોમાં 120 મિલિયન બેરલ રશિયન ક્રૂડ છે. તેમાંથી લગભગ 15 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ભારતના દરિયાકાંઠા (અરબી સમુદ્ર અને બંગાળની ખાડી) પાસે ટેન્કરોમાં છે, જ્યારે અન્ય 7 મિલિયન બેરલ સિંગાપોર પાસે પડ્યા છે.

અમેરિકાના પ્રતિબંધ અને છૂટના દેખીતા ખુલાસામાં ભારતના તેલ મંત્રાલયના અધિકારીએ સ્પષ્ટ કર્યું કે ભારતે ક્યારેય રશિયન તેલ ખરીદવાનું બંધ કર્યું નહોતું. ફેબ્રુઆરીમાં ભારતે દરરોજ 1.04 મિલિયન બેરલ રશિયન ક્રૂડની આયાત કરી હતી. તેમણે કહ્યું, કાચા તેલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સના સંદર્ભમાં અમે ખૂબ જ આરામદાયક સ્થિતિમાં છીએ. આપણી પાસે 50 દિવસની માંગ પૂરી કરી શકાય તેટલી ઇન્વેન્ટરી છે. ભારતની વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત લગભગ 9.5 દિવસની નેટ ઓઇલ આયાતને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે.

આ ઉપરાંત, સરકારી તેલ કંપનીઓ પાસે 64.5 દિવસની આયાત જેટલો સ્ટોક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાને આશરે 74 દિવસ સુધી લઈ જાય છે. જો કે, વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે વૈકલ્પિક સ્ત્રોતોથી તેલ તો મળી રહેશે, પરંતુ ઊંચા ભાવ, વધતું નૂર અને વીમા પ્રીમિયમને કારણે ખર્ચનું માળખું બગડી શકે છે. 28 ફેબ્રુઆરીએ જ્યારે હુમલા શરૂ થયા ત્યારે ક્રૂડ તેલની કિંમત 70 ડોલર હતી, જે હવે વધીને 92 ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ ગઈ છે. LNG ના ભાવ પણ બમણા થઈને 24-25 ડોલર પ્રતિ MMBtu થયા છે. ક્રૂડના ભાવમાં દર 10 ડોલરનો વધારો ગ્રાહક ભાવ સૂચકાંક (મોંઘવારી) માં 20-25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે અથવા જો ટેક્સ ઘટાડવામાં આવે તો રાજકોષીય ખાધમાં વધારો કરી શકે છે. આમ ક્રૂડની કટોકટીની અસર અર્થતંત્ર પર વ્યાપક થઇ શકે છે. આથી જ સરકારે અત્યારથી જ લોકોને કરકસરથી ઇંધણ વાપરવાનું માર્ગદર્શન આપણી ગાઇડલાઇન બહાર પાડી દેવી જોઇએ.

Most Popular

To Top