આપણો વર્તમાન સમય જાણે નકારાત્મકતાના ઘેરાં વાદળો વચ્ચે ઘેરાયેલો હોય તેવું લાગે છે. રોજિંદા સમાચારપત્રો કે સોશિયલ મીડિયા પર નજર નાખતા જ ચોરી, લૂંટફાટ કે માનવતાને લજવતાં કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે, જેને જોઈને આપણો આક્રોશ ઠાલવવો ખૂબ જ સહજ બની ગયો છે. પરંતુ, શું આપણે ક્યારેય એ નોંધ્યું છે કે આ જ સમાજમાં અંધકારની વચ્ચે પણ માનવતાના કેટલાક દીવાઓ અવિરત પ્રજ્વલિત છે? તાજેતરમાં સુરતના અડાજણ વિસ્તારના ૯૦ વર્ષીય વૃધ્ધાનું ઉદાહરણ આપણા સૌ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે. તેમણે તો ૨૦ વર્ષ પૂર્વે જ પોતાના દેહદાન અને ચક્ષુદાનનો સંકલ્પ કરી રાખ્યો હતો. જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે તેમના પરિવારે આ ઉમદા ઈચ્છાને માન આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે.
આવી જ રીતે અન્ય એક તેજસ્વી ગ્રેજ્યુએટ દીકરી, જેણે યુ.પી.એસ.સી. પરીક્ષા પાસ કરીને દેશસેવા કરવાનું સ્વપ્ન સેવ્યું હતું, તેના અકાળે અવસાન બાદ તેના અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળ્યું, જે દીકરી કલેક્ટર બનીને જીવતે જીવ સમાજની સેવા કરવા માંગતી હતી એ દીકરીના અવસાન બાદ તેના અંગો દ્વારા અન્યના જીવન બચાવીને અમર થઈ ગઈ.આવી ઘટનાઓ વિશે વાંચીને, પણ હૃદયમાં એક ‘હાશકારો’ અનુભવવો અને ગર્વની અભિવ્યક્તિ કરવી પણ એટલી જ જરૂરી છે. સમાજમાં હજુ પણ એવા અગણિત માનવીઓ છે જેઓ નિઃસ્વાર્થ ભાવે બીજાના જીવનમાં અજવાળું પાથરવા માટે કાર્યરત છે. જો આપણે આવા કાર્યોને બિરદાવીશું, તો જ આવનારી પેઢીને સેવા અને સમર્પણના સાચા પાઠ ભણવા મળશે.
સુરત – ચારુલતા અનાજવાળા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.