સુરત શહેરમાં ખાદ્ય ભેળસેળનો વધતો વેપાર હવે માત્ર એક સામાન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી રહ્યો, પરંતુ તે ગોઠવાયેલું અને સંગઠિત નેટવર્ક બની ચૂક્યો છે. તાજેતરમાં ફરી એક વખત શહેરમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપાયો છે. દર વખતની જેમ આ વખતે પણ સમાચાર બન્યા, જથ્થો જપ્ત થયો અને કાર્યવાહી થઈ. પરંતુ મૂળ પ્રશ્ન હજુ યથાવત છે — શું આ કાર્યવાહીથી સમસ્યાનો અંત આવી ગયો છે? વાસ્તવિકતા એ છે કે જે પકડાયું છે તે માત્ર બરફના પહાડનો દેખાતો એક ટુકડો છે. તેની નીચે હજારો કિલો ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો રોજબરોજ બજારમાં ફરતા હોવાની ગંભીર શક્યતા છે.
દૂધજન્ય પદાર્થો, મસાલા, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરીને કેટલાક લોકો નફાની લાલચમાં શહેરના લાખો નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ જુગાર રમતા દેખાઈ રહ્યા છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે 1400 કિલો નકલી પનીર પકડાયું. અસલી પ્રશ્ન એ છે કે જે પકડાયું નથી તેનું શું? રોજબરોજ બજારમાં પહોંચતા હજારો કિલો ભેળસેળયુક્ત ખોરાક માટે જવાબદાર કોણ છે? ખાદ્ય સુરક્ષા માટે જવાબદાર તંત્ર માટે આ માત્ર રેડ કરીને ફોટોગ્રાફ લેવડાવવાનો વિષય નથી. આ સીધો શહેરના લાખો નાગરિકોના આરોગ્ય અને જીવન સાથે જોડાયેલો અત્યંત ગંભીર મુદ્દો છે.
હવે સમય આવી ગયો છે કે તંત્ર ભેળસેળ સામેની લડાઈને માત્ર એક અભિયાન તરીકે નહીં પરંતુ સતત અને કડક અભિગમ તરીકે લે. નિયમિત તપાસ, કડક દંડ, લાઈસન્સ રદ કરવાની નીતિ અને જાહેરમાં નામ જાહેર કરવાની પારદર્શક વ્યવસ્થા વગર આ ભેળસેળના માફિયાઓ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે. કારણ કે એક વાત સંપૂર્ણપણે સ્પષ્ટ છે — જો કાયદાનો ડર વધશે નહીં તો ભેળસેળના માફિયાઓ વધુ બેફામ બનશે. અને તેની અંતિમ કિંમત સુરતના સામાન્ય નાગરિકોને પોતાના આરોગ્યથી ચૂકવવી પડશે.
સુરત – આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.