ભાજપ માટે કહેવાય છે કે જે રાજ્યમાં તેની સરકાર બને ત્યાં તે પહેલો ભોગ વિરોધીઓનો લે છે અને બીજો ભોગ પોતાના સહયોગીઓનો લે છે. જો આ વાત માનવામાં ન આવતી હોય તો ભાજપે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અને પંજાબમાં અકાલી પક્ષના જે હાલહવાલ કર્યા, તેનો ઇતિહાસ તપાસી જોજો. ભાજપ જે રાજ્યમાં પોતાને પગ મૂકવાની પણ જગ્યા ન હોય ત્યાં પ્રાદેશિક પક્ષની પીઠ ઉપર ચડીને પ્રવેશ કરે છે, પોતાનો પગદંડો જમાવે છે અને પછી હળવે રહીને પ્રાદેશિક પક્ષને લાત મારીને પોતે ખુરશી પર સવાર થઈ જાય છે.
ભાજપે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના જે હાલ કર્યા તે હાલ હવે બિહારમાં નીતીશકુમારના કર્યા છે; ફરક એટલો છે કે ઉદ્ધવ ઠાકરેને લાત મારીને દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે નીતીશકુમારને મુલાયમ રીતે દૂર કરવામાં આવ્યા છે. નીતીશ કુમાર છેલ્લાં વીસ વર્ષથી ભાજપ અથવા તેના વિરોધીઓ સાથે ગઠબંધન કરીને મુખ્ય મંત્રીની ગાદી પર ટકી રહ્યા હતા. હવે ભાજપે તેમને ધીમેથી ધક્કો મારીને ખુરશી ખેંચી લીધી છે, પણ ઉદ્ધવ ઠાકરેની જેમ તેમનું અપમાન કરવાને બદલે તેમનો રાજ્યસભામાં જવાનો રસ્તો ખુલ્લો કરીને તેમને બહુમાનપૂર્વક વિદાય આપી છે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ ઓપરેશન એટલી સિફતથી પાર પાડવામાં આવ્યું કે નીતીશના સહયોગીઓને પણ તેની ગંધ આવી નહોતી.
૨૦૨૫માં ભાજપે નીતીશકુમારના પક્ષ જેડીયુના સાથમાં વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે તેમનું સૂત્ર હતું: ફરી એક વાર ૨૦૨૫ થી ૨૦૩૦ નીતીશ. ભાજપ અને જેડીયુના ગઠબંધનનો જંગી બહુમતીથી વિજય થયો હતો અને નીતીશકુમારે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. છેલ્લા બે દાયકાથી બિહારના રાજકારણનાં મુખ્ય કેન્દ્ર રહેલા નીતીશકુમારે માત્ર ૧૦૫ દિવસ પહેલાં જ શપથ લીધા હતા અને હવે તેમણે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. ભાજપે ૨૦૩૦ તો શું ૨૦૨૬નું વર્ષ પૂરું થાય ત્યાં સુધી પણ તેમને મુખ્ય મંત્રીના હોદ્દા પર રહેવા દીધા નથી. તેમના આ નિર્ણયથી તેમના પક્ષનાં લાખો કાર્યકરોને ભારે આંચકો લાગ્યો છે.
નીતીશકુમારની સોશ્યલ મીડિયા પોસ્ટ મુજબ તેઓ સ્વેચ્છાએ સંસદના ઉપલા ગૃહના સભ્ય બનવા માંગે છે, પરંતુ પક્ષના કાર્યકરો માટે આ સ્વીકારવું મુશ્કેલ છે. ભાગલપુરના એક કાર્યકરે કહ્યું કે નીતીશકુમારના રાજ્યસભામાં જવાના સમાચાર બહાર આવ્યા પછી તેમનો હોળીનો આનંદ ગાયબ થઈ ગયો છે. આટલો મોટો નિર્ણય અચાનક કેવી રીતે અને શા માટે લેવામાં આવ્યો તે અંગે તેમના પક્ષના કાર્યકરો ગુસ્સો, રોષ અને ઊંડી મૂંઝવણમાં છે. નીતીશના સમર્થકો કહે છે કે આ નિર્ણય નીતીશકુમારનો નથી. જો તેમણે નિર્ણય લીધો હોત, તો પણ તેમણે હોળી પછી પાર્ટીનાં કાર્યકરો અને સભ્યો સાથે સલાહ લીધા પછી જ લીધો હોત. ગઈ કાલે રાત્રે સમાચાર જોયા કે તરત જ હું સવારે પટના દોડી ગયો. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આવું કંઈક થયું છે.
૫ માર્ચની સવારથી જ જેડીયુના સેંકડો કાર્યકરો પાર્ટી કાર્યાલય અને એક અન્ય માર્ગ પર મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર એકઠા થવા લાગ્યા હતા. મુખ્યમંત્રી નિવાસસ્થાનની બહાર પરિસ્થિતિ એવી બની ગઈ કે વધારાનું પોલીસ દળ તૈનાત કરવું પડ્યું. કાર્યકરોને પણ ત્યાં ઊભા રહેવાની મનાઈ ફરમાવી દેવામાં આવી. જ્યાં સુધી JDU કાર્યાલયનો સવાલ છે, ત્યાં સુધી ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ તેમાં તોડફોડ પણ કરી હતી.
જ્યારે નીતીશકુમારનો કાફલો ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યસભાનું ઉમેદવારીપત્ર ભરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી નીકળ્યો ત્યારે બહાર પાર્ટીનાં કાર્યકરોએ અમિત શાહ અને લલ્લન સિંહ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. લલ્લન સિંહ જેડીયુના નેતા છે અને નીતીશની વિદાયનું કાવતરું તેમણે ભાજપ સાથે મળીને રચ્યું હોવાનું કહેવાય છે. મોટા ભાગનાં લોકોએ આરોપ લગાવ્યો હતો કે નીતીશકુમારના રાજ્યસભાના નોમિનેશન માટે તેમના પોતાના પક્ષનાં કેટલાંક લોકો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે નીતીશકુમારના આ નિર્ણય પાછળનાં મુખ્ય કારણો શું હતાં? શું તેઓ ખરેખર દબાણ હેઠળ હતા? બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? તેઓ કયા પક્ષના હશે? નીતીશકુમારના પુત્ર નિશાંત કુમાર રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે, તેવા દાવામાં કેટલું સત્ય છે? જેડીયુનું ભવિષ્ય શું છે? શું જેડીયુ ભાજપમાં વિલીન થઈ જશે? જાણકાર સૂત્રો કહે છે કે હોળીની સાંજે દિલ્હીમાં એક બેઠક મળી હતી, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે નીતીશના ત્રણ સહયોગીની વાટાઘાટો થઈ હતી.
આ બેઠકમાં નીતીશના વિદાયની રૂપરેખાઓ નક્કી કરવામાં આવી હતી. કેટલાક દિવસો પહેલાં નીતીશના નજીકનાં મનાતાં કેટલાંક લોકો પર ઇડીના દરોડાઓ પાડવામાં આવ્યા હતા, જેના તાર નીતીશકુમાર સાથે જોડાયેલા હતા. આ દરોડાઓના કારણે નીતીશકુમાર પર દબાણ આવ્યું અને તેઓ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા હતા. બિહારના વરિષ્ઠ પત્રકાર અને લેખક સંતોષસિંહ અને ૧૯૭૩ થી પત્રકારત્વ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર લવકુમાર મિશ્રા નીતીશ કુમારના આ નિર્ણયને બિલકુલ આશ્ચર્યજનક માનતા નથી. તેમના મતે નીતિશકુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં જશે તે પહેલાંથી જ નક્કી હતું. સંતોષસિંહના જણાવ્યા મુજબ એક ચોક્કસ તારીખથી મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં સમાચાર ફેલાવા લાગ્યા કે સાહેબ જવાના છે.
સંતોષસિંહ આનાં કેટલાંક મુખ્ય કારણો જણાવે છે. પ્રથમ, રાજ્યસભાની ખાલી જગ્યાઓ લગભગ દર બે વર્ષે ખાલી પડે છે, તેથી જો નીતીશકુમારે આ ખાલી જગ્યા માટે ઉમેદવારી નોંધાવી ન હોત, તો તેમણે બીજાં બે વર્ષ રાહ જોવી પડી હોત. બીજું, તેમનું સ્વાસ્થ્ય લથડતું હતું. તેઓ હવે પહેલાં જેટલા નિર્ણયો લેવા સક્ષમ નહોતા. ત્રીજું, પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને ભૂતપૂર્વ અમલદાર મનીષ વર્માનું નામ તેમના ઉત્તરાધિકારીની રેસમાં ઊભરવા લાગ્યું હતું, જેના કારણે નીતીશકુમાર માટે થોડી અસ્વસ્થતાભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી.
આ પછી, નીતીશકુમારના પુત્ર નિશાંત કુમારને રાજ્યસભામાં મોકલવા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે, નિશાંતે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, લલ્લનસિંહ, સંજય ઝા અને વિજય ચૌધરી જેવા નેતાઓએ નીતીશકુમારને સમજાવ્યા કે રાજ્યસભામાં પ્રવેશવાનો આ યોગ્ય સમય છે. સંતોષસિંહ એ વાત તરફ પણ ધ્યાન દોરે છે કે નીતીશકુમાર પછીના જેડીયુના નેતૃત્વના ભાજપ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો છે. સંજય ઝા ભાજપમાં હતા. લલ્લનસિંહ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મંત્રી છે.
નીતીશકુમાર પોતે નિર્ણયો લેવા સક્ષમ નથી, તેથી એમ કહેવું કે તે તેમનો સ્વતંત્ર નિર્ણય હશે તે યોગ્ય નહીં હોય. લવકુમાર મિશ્રા માને છે કે નીતીશકુમાર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહનું દબાણ હતું. ચૂંટણી દરમિયાન જ તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે હવે રાજ્યસભામાં જવું જોઈએ અને રાજ્યમાં ભાજપના મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. નીતીશકુમારને કહેવામાં આવ્યું હતું કે આગામી મુખ્યમંત્રી તેમની સંમતિથી પસંદ કરવામાં આવશે. જો ભાજપના મુખ્યમંત્રી બનશે, તો બે નાયબ મુખ્યમંત્રી જેડીયુમાંથી હશે.
મુખ્યમંત્રીપદની રેસમાં સમ્રાટ ચૌધરી ઉપરાંત નિત્યાનંદ રાય, વિજય સિંહા, દિલીપ જયસ્વાલ, સંજીવ ચૌરસિયા, પ્રમોદ ચંદ્રવંશી, રામકૃપાલ યાદવ, જનક રામ જેવા લોકોનાં નામ પણ ચર્ચામાં છે. નીતીશકુમારના પુત્ર નિશાંત કુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા છે. નિશાંતકુમાર નીતીશકુમારના એક માત્ર પુત્ર છે. તેઓ મોટા ભાગે જાહેર અને રાજકીય જીવનથી દૂર રહ્યા છે. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જો નિશાંતકુમારને નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો નીતીશકુમાર પણ વંશપરંપરાગત શાસનના સમર્થક ગણાઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.