Comments

પુરસ્કારો અને સન્માનમાં રાજકારણ સર્જકતાને નુકસાન પહોંચાડે છે

ગુજરાત સરકાર શ્રેષ્ઠ ફિચર ફિલ્મ શ્રેણીમાં રાષ્ટ્રપતિ સુવર્ણ કમળ જીતનાર ફિલ્મને બે કરોડ રૂપિયા ઈનામ આવે છે. પ્રાદેશિક ફિલ્મી એવોર્ડ શ્રેણીમાં રજતકમળ જીતનાર ફિલ્મને એક કરોડ રૂપિયા આપે છે તો સર્વશ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો એવોર્ડ જીતવા માટે ‘‘ચારણત્વ’’ને કોઈ રકમ આપશે? ખરેખર ન્યાય તો જ કહેવાય. જો સરકાર રાષ્ટ્રિય પુરસ્કાર જીતનાર દરેકનું સન્માન કરે…

રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. કોરોના મહામારીને કારણે વર્ષ 2019 ના ફિલ્મ પુરસ્કારો છે કે વર્ષ 2021 માં જાહેર થઈ શક્યા છે. પ્રિયદર્શન દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ મરકારનને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જે વર્ષ 2019 માં બનેલી તમામ ભારતીય ભાષાઓમાંની શ્રેષ્ઠ ફિચર ફિલ્મ સાબિત થઈ છે. નોન ફિચર ફિલ્મની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ચારણત્વ’ને શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો રાષ્ટ્રિય પુરસ્કાર મળ્યો છે. જેના દિગ્દર્શિકા દીનાઝ કલવાચવાલા છે અને સિનેમેટોગ્રાફર છે. મિત્ર રાવજી સોદરવા! ખૂબ આશ્ચર્યકારક વાત એ છે કે રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારો પ્રાદેશિક ભાષાશ્રેણીમાં પણ અપાય છે. જેમકે શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ, શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ, શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ… વગેરે..

આ વર્ષે આ શ્રેણીમાં 2019 માટે એક પણ ગુજરાતી ફિલ્મને એવોર્ડ જાહેર કરવામાં આવ્યો નથી. હજુ ગયા વર્ષે 2018 ના પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ‘હેલ્લારો’ સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મ સાબિત થઈ હતી અને પ્રાદેશિક ભાષા શ્રેણીમાં ‘રેવા’ ને રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ગુજરાત સરકારે જ્યારથી નવી આર્થિક સહાય નીતિ જાહેર કરી છે કે પ્રાદેશિક ફિલ્મ શ્રેણીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનારને એક કરોડ રૂપિયા ઈનામ અને શ્રેષ્ઠ ફિલ્મ (સવર્ણ કમળ) મેળવનારને બે કરોડ રૂપિયા ઈનામ આપવામાં આવશે! ત્યારથી ગુજરાતી ફિલ્મનિર્માતાઓ ટેકનીકલી અને કલાત્મક રીતે સજ્જતાપૂર્વક ફિલ્મ બનાવી રહ્યા છે. અને માટે જ છેક 1993 માં અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મને રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર મળ્યો પછી છેક 2016 માં રોંગ સાઈડ રાજુ 2017 માં મનીષ સૈનીની ફિલ્મ ‘ઢ’ રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર જીત્યા.

પહેલાં એ માની શકાય એમ હતું કે જ્યુરીને પ્રાદેશિક ભાષા કેટેગરીમાં પણ યોગ્યતા મુજબની ફિલ્મ પ્રાપ્ત નહીં થઈ હોય. યોગ્યતા મુજબની ફિલ્મ પ્રાપ્ત નહીં થઈ હોય અને એને એવોર્ડ નહીં અપાતો હોય પણ હવે એવું માનવાને કારણ નથી. ખાસ તો ‘હેલ્લારો’ને રાષ્ટ્રિય પુરસ્કાર અને રાજ્ય સરકારનો બે કરોડનો રોકડ પુરસ્કાર મળ્યા પછી ગુજરાતી ફિલ્મનિર્માતાઓ વધારે સજ્જ તથા સતર્ક થયા છે. વળી આંતર રાષ્ટ્રિય ફેસ્ટીવલ તથા પુરસ્કારો પણ જીતતા થયા છે. આપણને માહિતી છે ત્યાં સુધી યુવા દિગ્દર્શક દર્શન ત્રિવેદીની બાળકોને કેન્દ્રસ્થાને રાખીને બનેલી ફિલ્મ ‘‘મૃગતૃષ્ણા’’ પણ 2019 ના રાષ્ટ્રિય પુરસ્કાર માટે રેસમાં હતી જેને આંતર રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર મળી ચૂક્યો છે અને તે પણ ઈરાનીયન ફિલ્મ મેકર માજીદ-માજીદની ફિલ્મ સાથે સ્પર્ધામાં! તો દિગ્દર્શક ઉત્પલ મોદીની ફિલ્મ ‘બકરી’ કે જે સર્વેશ્વર દયાલ સકસેનાના પ્રસિધ્ધ કટાક્ષ નાટક પરથી પ્રેરિત છે તે પણ વિવિધ આંતર રાષ્ટ્રિય ફેસ્ટીવલમાં રજૂ થઈ અને સન્માન મેળવી ચૂકી છે.

વર્ષ 2019 ના રાજ્ય પુરસ્કારો જીતનારી મનોરંજક ફિલ્મ ‘‘ ચાલ જીવી લઈએ’’ કે સ્ત્રી શક્તિકરણની ફિલ્મ ‘‘બજાબા’’ પણ પ્રાદેશિક કેટગરીમાં તો લાયક હતી જ!ગુજરાતી ફિલ્મને એવોર્ડ નથી મળ્યો ત્યારે એવોર્ડ સમિતિમાં રહેલા જ્યુરી મેમ્બર ગુજરાતી કલાકાર મનોજ જોષી હતા. કમસેકમ તેમનું પણ ધ્યાન નહીં ગયું હોય કે આ એવોર્ડ કેમ નથી? આ વખતના એવોર્ડમાંથી એક એ વાત પણ ઊભી થાય છે કે ગુજરાત સરકાર શ્રેષ્ઠ ફિચર ફિલ્મ શ્રેણીમાં રાષ્ટ્રપતિ સુવર્ણ કમળ જીતનાર ફિલ્મને બે કરોડ રૂપિયા ઈનામ આવે છે. પ્રાદેશિક ફિલ્મી એવોર્ડ શ્રેણીમાં રજતકમળ જીતનાર ફિલ્મને એક કરોડ રૂપિયા આપે છે તો સર્વશ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો એવોર્ડ જીતવા માટે ‘‘ચારણત્વ’’ને કોઈ રકમ આપશે? ખરેખર ન્યાય તો જ કહેવાય. જો સરકાર રાષ્ટ્રિય પુરસ્કાર જીતનાર દરેકનું સન્માન કરે…

સરકાર માટે એ ભેદ ન હોવો જોઈએ કે ફિલ્મ મનોરંજક છે. કલ્પના ચિત્ર છે કે દસ્તાવેજી ફિલ્મ છે! પણ સરકાર જો આ ભેદ કરશે તો સ્થિતિ એ થશે કે રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર જીતનારી ફિલ્મને પુરસ્કાર મળશે નહીં કારણ કે તે ફિચર ફિલ્મ નથી અને ફિચર ફિલ્મ (મનોરંજક અને કલ્પનાના તાણાવાણાવાળી) ને એક કરોડ રૂપિયા મળશે નહીં કારણ જ્યુરીએ કોઈને રાષ્ટ્રિય પુરસ્કાર યોગ્ય ગણી નહીં! અને સરકારી સમિતિઓના યોગ્યતાના માપદંડો ક્યારેય વિવાદોથી પર રહ્યા નથી. એટલે રૂસ્તમ માટે અક્ષયકુમારને મણિકર્ણિકા માટે કંગના રૌનતને કે સત્તા ફિલ્મ માટે રવિના ટંડનને… એવોર્ડ કેમ મળ્યા? – તે પ્રશ્ન કરવા નહીં. હા, છીછોરેને હિન્દી ભાષાની કેટેગરીમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

સર્વશ્રેષ્ઠ ભારતીય ફિલ્મનો એવોર્ડ મળ્યો નથી! સરકારો તો વ્હાલાં-દવલાંની નીતિ અપનાવે છે. પણ મીડિયા પણ પક્ષપાત કરે છે. હિન્દી પટ્ટાના રાષ્ટ્રિય મીડિયા અને તેને આધીન પ્રાદેશિક છાપા- ચેનલો ફિલ્મોના સમાચાર એવું જ માને છે. તેમને શ્રેષ્ઠ ફિલ્મ ‘મરક્કન’ કરતાં હિન્દી ફિલ્મ ‘છીછોરે’ ના ન્યુઝ જ મહત્ત્વના! છેલ્લે એક વાત માત્ર મજાક માટે કે ગુજરાત સરકાર ગુજરાતી ફિલ્મોને પ્રાદેશિક કેટેગરીમાં પણ એવોર્ડ મળે તો એક કરોડ રૂપિયા આપે છે. તો- ‘‘ આ ફિલ્મને એવોર્ડ મળશે તો એક કરોડ કમાઈ જશે’’- એના કરતાં મરવા દો એવોર્ડ જ નથી આપવો! એવું તો કોઈએ નહીં વિચાર્યું હોય ને! કહેવાય નહિ આ પોલીટીક્સ છે!

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top