મોડી સાંજે તરવૈયાઓની મદદથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા
ડભોઇ: ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ મુસ્લિમ યુવાનો નર્મદા નદીમાં નાહવા ઉતરતા તણાઈ જવાની દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તથા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજે તરવૈયાઓની મદદથી ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ કાયાવરોહણ ગામે રહેતા મનસુરી ઈબ્રાહિમ યુસુફભાઈ, મનસુરી અક્રમ નુરભાઈ અને ઘાંચી મુજમ્મીલ યાસીનભાઈ નામના ત્રણેય મિત્રો ફ્રિજ અને એ.સી. સર્વિસ-રિપેરિંગનું કામ કરતા હતા. હાલ રમઝાન માસ અને વધતી ગરમીને કારણે તેઓ માલસર સામે પાર નર્મદા કિનારે આવેલા સિસોદરા ગામની મસ્જિદમાં એ.સી. ફિટિંગ કરવા ગયા હતા.
કામ પૂર્ણ થયા બાદ ગરમીથી રાહત મેળવવા તેઓ નર્મદા નદીમાં નાહવા ઉતર્યા હતા. દરમિયાન નદીના તેજ વહેણમાં એક પછી એક ત્રણેય યુવકો તણાઈ ગયા હતા. બનાવ સમયે ત્યાં હાજર અન્ય મિત્રો દ્વારા બચાવવા માટે બૂમાબૂમ કરવામાં આવી હતી, પરંતુ ગણતરીની મિનિટોમાં જ ત્રણેય ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા નર્મદા પોલીસ તેમજ ગામલોકો સ્થળ પર પહોંચી ગયા હતા. તરવૈયાઓની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરાતા મોડી સાંજે ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે રાજપીપળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
: કાયાવરોહણ ગામમાં શોકની લાગણી
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સૌહાર્દથી સાથે રહે છે અને એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર બને છે. ગામના ત્રણ યુવાનોના આકસ્મિક મોતથી સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકો સ્તબ્ધ બની ગયા છે.
: ત્રણેય યુવકો પરિવારના બે દીકરાઓમાંના એક
નર્મદા નદીમાં ડૂબી મોતને ભેટેલા ત્રણેય યુવકો પરિવારના બે દીકરાઓમાંના એક હતા. જેમાં મનસુરી અક્રમ નુરભાઈનો નાનો ભાઈ માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળે છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી છે. આ દુર્ઘટનાથી ત્રણેય પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
રિપોર્ટર: સઈદ મનસુરી, ડભોઇ