ખેડૂતોના હિત માટે બનેલી સેવા સહકારી મંડળી આજે વટવૃક્ષ બની છે

બુટવાડા જેવા નાનકડા ગામમાં જ્યારે ખેડૂતોને ગામમાં જ સરળતાથી ખાતર અને અન્ય વસ્તુ મળી રહે એ માટે બુટવાડા અને ઇનમાં સેવા સહકારી મંડળીની સ્થાપના ખંડુભાઈ નારણજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જે મંડળી માત્ર 31 સભ્યથી શરૂ કરવામાં આવી હતી. જેના પ્રમુખ નરેશ પટેલ છે. આજે આ મંડળી એક વટવૃક્ષ બની ચૂકી છે અને વર્ષે કરોડોનો વહીવટ કરવામાં આવે છે. તેમજ ખેડૂતોને ગામમાં જ સરળતાથી ખાતર ઉપલબ્ધ થઈ રહ્યું છે.
ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય
બુટવાડા ગામે આવેલી દૂધમંડળીમાં દિવસ દરમિયાન 800 લિટર દૂધ થકી માસિક લાખોની આવક થઈ રહી છે. ગ્રામજનો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. આ દૂધ સુમુલ ડેરીમાં પહોંચાડવામાં આવે છે. મંડળીમાં પ્રમુખ તરીકે નરેશ પટેલ, મંત્રી અજયભાઇ બાબુભાઇ રાઠોડ તેમજ ઓપરેટર તરીકે રમેશભાઈ છીબાભાઈ રાઠોડ ફરજ બજાવે છે.
નાનકડા ગામમાંથી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન સુધીની સફર ખેડનાર નરેશભાઈ પટેલ
બુટવાડા જેવડા નાનકડા ગામમાં જન્મેલા નરેશભાઈ ભીખાભાઇ પટેલના જીવન સફરની વાત કરીએ તો તેમણે સુરત, તાપી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગામનું નામ ગૂંજતું કર્યું છે. તેઓ હરહંમેશ જનસેવા માટે તત્પર રહેતા હોય છે. રાજકીય, સામાજિક, સહકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમની વાત કરીએ તો તેઓ સરદાર સ્મારક હોસ્પિટલમાં ટ્રસ્ટી, 1986થી 1992 બુટવાડા દૂધમંડળીમાં મંત્રી, 1996થી આજદિન સુધી દૂધમંડળીમાં પ્રમુખ, બુટવાડા ઇનમાં સેવા સહકારી મંડળીના પ્રમુખ, 2012થી આજપર્યંત સુમુલ ડેરી સુરતના ડિરેક્ટર, સત્યમ્ શિવમ્ સુંદરમ્ ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના ઉપપ્રમુખ, 2022થી ગુજરાત સ્ટેટ માર્કેટિંગ ફેડરેશનમાં ડિરેક્ટર, વાલોડ સ.ગો.હાઈસ્કૂલમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે સુ.ડિ.કો બેન્કના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ તેમણે 49થી વધુ નવી શાખાઓ ખોલી તેમજ 700 જેટલા વ્યક્તિઓને નોકરી આપી હતી. તેમજ બેન્કનો વહીવટ જે 5 હજાર કરોડ હતો જેને નવો વેગ આપી 13 હજાર કરોડ સુધી પહોંચાડી બેન્કને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેમનો સિંહફાળો છે.
20 વીઘાંમાં ફેલાયેલું તાલુકાનું સૌથી મોટું તળાવ

વાલોડ તાલુકાના બુટવાડા ગામે આવેલું ઐતિહાસિક તળાવ આજે સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આશરે ૨૦ વીઘાં જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ તાલુકાનું સૌથી મોટું તળાવ ગણાય છે. જળસંચયની દૃષ્ટિએ આ તળાવની ક્ષમતા એટલી અદભૂત છે. ભરઉનાળે પણ અહીં પાણીનો વિપુલ જથ્થો જોવા મળે છે. આ વિશાળ જળરાશિને કારણે બુટવાડા ગામમાં પીવાના કે સિંચાઈના પાણીની કોઈ સમસ્યા રહેતી નથી. તળાવના કારણે ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવ્યા છે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતોને મળી રહ્યો છે. ચોમાસામાં જ્યારે આ તળાવ છલોછલ ભરાય છે, ત્યારે તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠે છે. ગ્રામજનો માટે આ તળાવ માત્ર પાણીનો સ્ત્રોત જ નહીં, પણ ગામની શાન અને જીવાદોરી સમાન છે. વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા આ કુદરતી સંપત્તિની જાળવણી માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.
પૌરાણિક રામજી મંદિર

ગામમાં 8 જેટલાં મંદિર આવેલાં છે, જેમાં રામજી મંદિર, ગાયત્રી મંદિર, ભવાની મંદિર, મહાકાળી માતા મંદિર, હનુમાનજી મંદિર, બળિયાદેવ મંદિર, મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. આ તમામ મંદિરનો વર્ષ 2022-23માં જીર્ણોધ્ધાર કરી એકસરખો કલર કરવામાં આવ્યો હતો. તેમજ ભવાની મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તેમાં પણ એન.આર.આઈ.ઓની સંપૂર્ણ હાજરી જોવા મળી હતી. એટલું જ નહીં ગ્રામજનો દરેક તહેવારની ધામધૂમથી કોઈપણ જાતના ભેદભાવ વગર હળીમળીને ઉજવણી કરે છે. બુટવાડા ગામમાં પૌરાણિક રામજી મંદિર આવેલું છે. ગ્રામજનોનું માનવું એવું છે કે આ મંદિર કેટલાં વર્ષ જૂનું છે તે અંગે જાણી શકાયું નથી. તેમના વડીલોને પણ આ અંગે કોઈ જાણકારી નથી. પરંતુ આ મંદિર લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જે લોકો સાચી શ્રદ્ધાથી માનતા માને તે પૂર્ણ થતી હોવાનું જાણવા મળે છે.
સાંસ્કૃતિક ભવન નિર્માણમાં એનઆરઆઈઓનું ઉમદા દાન
ગામના મોટાભાગના પાટીદાર પરિવારો વિદેશ સ્થાયી થયા છે. જો કે, વર્ષ-2019માં ગ્રામજનોએ તેમને સ્વદેશ બોલાવ્યા હતા અને તેઓ સૌ પોતાના વતન આવ્યા હતા અને ભેગા મળી ગામનું સંમેલન કરવામાં આવ્યું હતું. જેનો સંપૂર્ણ ખર્ચ સ્થાનિક ગ્રામજનોએ કર્યો હતો. વર્ષ-2005માં ગામમાં ગામમાં સાંસ્કૃતિક ભવન બનાવવામાં આવ્યું હતું, જેમાં પણ એન.આર.આઈ.ઓ.નો સિંહફાળો છે, જેમાં સંપૂર્ણ એસી તેમજ મિનરલ વોટર પ્લાન્ટથી લઈ અનેક સુવિધા જોવા મળે છે. એટલું જ નહીં ભવનમાં ગ્રામજનોની વિવિધ યાદગીરીના ફોટા પણ કંડારવામાં આવ્યા છે. ગામના વતની અને હાલ અમેરિકા સ્થિત રહેતા અશેષભાઇ પટેલ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા અંગ્રેજી તેમજ કોમ્પ્યુટર શિક્ષકનો પગાર છેલ્લાં 15 વર્ષથી ચૂકવે છે. તેમણે તેમની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં શાળામાં એક મકાન પણ બનાવ્યું છે. તેમજ ગામના આદિવાસી વિસ્તારમાં NRI ગ્રામજનો દ્વારા શાલ, ધાબળા તેમજ વાસણનું પણ વિતરણ કરવામાં આવે છે.
90 વર્ષ જૂની હવેલી સ્લેબવાળાં મકાનોને પણ ટક્કર આપે છે
આજના સિમેન્ટ-કોંક્રિટનાં જંગલો અને સ્લેબવાળાં આધુનિક મકાનોની હોડમાં, બુટવાડા ગામના પટેલ ફળિયામાં આવેલી એક ભવ્ય હવેલી આજે પણ ભવ્યતાનાં દર્શન કરાવે છે. આશરે 90 વર્ષ જૂની આ લાકડાંની હવેલી તેની મજબૂતી અને કલાત્મકતાથી આધુનિક બંગલાઓને પણ ટક્કર આપી રહી છે. આ ઐતિહાસિક હવેલીનું નિર્માણ ભીખાભાઈ પટેલ અને તેમના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વારસાને તેમના પૌત્રોએ ખૂબ જ જતનપૂર્વક સાચવી રાખ્યો છે. સમયની સાથે આધુનિક સુવિધાઓ પાછળ દોડતા લોકો માટે આ હવેલી એક જીવંત ઉદાહરણ છે કે જૂની બાંધકામ શૈલી પણ કેટલી ટકાઉ હોઈ શકે છે. આજે પણ ભીખાભાઈનો સંયુક્ત પરિવાર આ હવેલીમાં વસવાટ કરે છે. સમયાંતરે તેને રંગરોગાન કરી નવી જેવી જ રાખવામાં આવે છે. આ હવેલી માત્ર એક રહેઠાણ જ નહીં, પરંતુ ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રતીક બનીને પ્રવાસીઓ અને ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.