મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ઈઝરાયલી-અમેરિકાના હુમલા બાદ ઈરાન સંપૂર્ણ પાયે બદલો લઈ રહ્યું છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય અને ઈઝરાયલી એરફોર્સ કમાન્ડરના મથકને મિસાઈલથી નિશાન બનાવ્યું છે.
ઈરાને ઈઝરાયલમાં નેતન્યાહૂના કાર્યાલયને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. IRGC એ એવો પણ દાવો કર્યો છે કે આજે સવારે નેતન્યાહૂના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની સ્થિતિ હાલમાં અજ્ઞાત છે. જોકે ઈઝરાયલે ઈરાનના દાવાને ખોટો ગણાવ્યો છે. ઈઝરાયલે નેતન્યાહૂના કાર્યાલય પર હુમલાનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો છે. દરમિયાન ઈઝરાયલ પર ઈરાનના નવા મિસાઈલ હુમલા બાદ ચેતવણી જારી કરવામાં આવી છે. ઈઝરાયલી સૈન્યએ ઈરાન તરફથી આવનારી મિસાઈલોની ચેતવણી આપતાં તેલ અવીવ અને જેરુસલેમમાં સાયરન વાગી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે જેરુસલેમના અલ-કુડ્સમાં મોટા વિસ્ફોટ થયા છે.
ઈરાન ટાઈમ્સ અનુસાર હુમલા બાદ ઈઝરાયલી નેતૃત્વ ઉથલપાથલમાં છે અને IRGC દાવો કરે છે કે હુમલા બાદ નેતન્યાહૂનું ભવિષ્ય અસ્પષ્ટ છે. IDF જણાવે છે કે આ ક્રિયાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી જઘન્ય ગુનાઓ ઇરાદાપૂર્વક કરવા સમાન છે. આ સતત અને ગંભીર અન્યાય પ્રત્યે ઉદાસીનતા માનવતાના ભવિષ્યને અંધકારમય બનાવશે અને આપણા વૈશ્વિક સમુદાયના સહિયારા મૂલ્યોને જોખમમાં મૂકશે.
ઈરાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કર્યું
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુ પછી એક નિવેદન જારી કર્યું. તેમણે કહ્યું, “આપણા વીર લોકો ઈરાનના મહાન નેતાની કાયરતાપૂર્ણ હત્યા અને દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં અમેરિકન અને ઇઝરાયેલી મિસાઇલો દ્વારા માર્યા ગયેલા 165 નિર્દોષ બાળકોના હત્યાકાંડ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ રહેણાંક વિસ્તારો પર આડેધડ હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું છે. હોસ્પિટલો, શાળાઓ, રેડ ક્રેસન્ટ સુવિધાઓ અને સાંસ્કૃતિક સ્થળોને પણ છોડતા નથી.”