હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા ઉપર રંગ, કેસૂડો તથા અબીલ કે ગુલાલ છાંટીને ભારે ધૂમધામ કરે છે. અગાઉના જમાનામાં લોકો માત્ર કેસૂડાનો રંગ એકબીજા ઉપર છાંટીને ધૂળેટી રમતાં હતાં.જ્યારે આજે ધૂળેટીનું સ્થાન સિન્થેટીક તેમજ ઓઈલ પેન્ટ કલરે લઈ લીધું છે. આના કારણે ન કેવળ દિવસો સુધી કલર જતો નથી, પરંતુ એની આડઅસરો બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આવા રંગો કોઈની આંખમાં કે કાનમાં જતા રહે તો આંખ ગુમાવવાનો કે શ્રવણશક્તિ હણાઈ જવાનો ખતરો રહે છે.
ઘણાંને ચામડીના રોગો જેવા કે ખસ, ખુજલી, ખંજવાળ કે ચાંદાં પડવાની સમસ્યાઓ પણ ઊભી થાય છે. માટે દરેક વ્યક્તિએ આવાં હાનિકારક તથા રસાયણયુકત રંગોથી ધૂળેટી રમવાનું ટાળવું જોઈએ. ધૂળેટી રમવાના બહાને ઘણાં વિકૃત માનસ ધરાવતાં તત્ત્વો મહિલાઓનાં અંગ ઉપાંગ સાથે છેડછાડ કરવાની કુચેષ્ટા કરે છે. આ કારણે મહિલાઓએ ધૂળેટી રમવાથી દૂર રહેવું હિતાવહ છે. ધૂળેટીના દિવસે ઘણાં લોકો ભાંગનું સેવન કરે છે તો ઘણાં લોકો મદિરાપાન કરતાં જણાય છે અને છાકટા બની સડકો ઉપર બેફામ રીતે રખડ્યા કરે છે.આમ જે પર્વ સાદાઈથી ઉજવવું જોઈએ એની જગ્યાએ બિભત્સતા ધારણ કરી લે છે. આમ સામાજિક તહેવાર એક પ્રકારનું દૂષણ બની જાય છે.
હાલોલ – યોગેશભાઈ આર જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.