Charchapatra

‘તારણહાર’

કોઈ સંકટ અથવા મુશ્કેલીમાંથી જે વ્યક્તિ ઉગાર કરે તેને તારણહાર કહેવાય છે. મારનાર કરતાં તારનાર મહાન હોય છે — આ સનાતન સત્ય છે. ફિલ્મી દુનિયામાં પણ એવો જ એક પ્રસંગ બન્યો હતો. મહાન શો-મેન અભિનેતા અને દિગ્દર્શક રાજકપુર  અને નરગીસ ની જોડી એક સમયમાં અત્યંત લોકપ્રિય હતી. 1970માં રાજ કપૂરે ‘ મેરા નામ જોક્કર’ ફિલ્મ બનાવી. ફિલ્મ ઊંચા વિચારો અને કલાત્મક મૂલ્યો ધરાવતી હતી, પરંતુ તે સમયના પ્રેક્ષકો તેને સમજી શક્યા નહોતા, પરિણામે ફિલ્મ નિષ્ફળ ગઈ. આ નિષ્ફળતાને કારણે રાજ કપૂર ભારે દેવામાં ડૂબી ગયા. આર.કે. સ્ટુડિયો અને તેમનો બંગલો પણ ગીરવે મૂકવાની પરિસ્થિતિ આવી. આ મુશ્કેલ સમયમાં તેમના જૂના મિત્ર અને પ્રખ્યાત અભિનેતા પ્રાણ એ તેમને આર્થિક મદદ કરી. ત્યારબાદ રાજ કપૂરે 1973માં નાની બજેટની ફિલ્મ ‘ બોબી ‘ બનાવી. આ ફિલ્મ દ્વારા તેમણે પોતાના પુત્ર રિશીકપુર ને લોન્ચ કર્યો અને નવી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને નાયિકા તરીકે પસંદ કરી.

‘બોબી’ સુપરહિટ સાબિત થઈ અને રાજ કપૂરનું મોટાભાગનું દેવું ચૂકવાઈ ગયું. આ રીતે ‘બોબી’ તેમના જીવનમાં તારણહાર બની. ત્યારબાદ રાજ કપૂરે સત્યમ્-શિવમ-સુન્દરમ, પ્રેમરોગ અને રામ તેરી ગંગા મેલી જેવી અનેક સફળ ફિલ્મો આપી.આ પ્રસંગ આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયમાં સાચો મિત્ર અને યોગ્ય તક જીવનનો સાચો તારણહાર બની શકે છે.
તરસાડા – પ્રવિણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top