SURAT : પ્રોસેસિંગ ઉદ્યોગના અગ્રણીઓની મધ્યસ્થીની ઓફર વચ્ચે વેપારધારાને લઇ ટ્રેડર્સ અને વિવર્સ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ફોસ્ટાથી દૂર રહી જુદી જુદી કાપડ માર્કેટના વેપારીઓએ વ્યાપારી એકતા મંચના નામે આજે બેઠક યોજી કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.
મંચના પ્રવકતા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે 1 એપ્રિલથી શહેર અને જિલ્લાની કાપડ મિલોમાંથી તૈયાર માલની ડિલીવરી લેવામાં આવશે નહીં જયાં સુધી વિવર્સ ગ્રે કાપડની ખરીદી પર 5 ટકા વટાવ અને 1 ટકા દલાલી ટ્રેડર્સને પાસઓન નહીં કરે ત્યાં સુધી ગ્રે કાપડની ડિલીવરી લેવામાં આવશે નહીં. વેપારીઓને ફરિયાદ મળી છે કે કેટલાક મિલ માલિકો ગ્રેની સીધી ડિલીવરી લઇ રહ્યાં છે તેનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે.
આજે ટેક્ષટાઇલ માર્કેટ ( TEXTILE MARKET) ના સાત સંગઠનોને ભેગા કરી વ્યાપારી એકતા મંચની બેઠક જે જે માર્કેટમાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતી કાલે મિલેનિયમ માર્કેટના વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. કેટલાક વેપારીઓ ગ્રે કાપડની ખરીદી કરી રહ્યા છે અને વેપારીઓની એકતા તોડી રહ્યા છે તેવા વેપારીઓને ત્યાં સાંકેતિક વિરોધ નોંધાવવા ખીચડી વિતરણનો કાર્યક્રમ આપવામાં આવશે.
વેપારીઓએ નક્કી કર્યું છે કે 1 એપ્રિલથી મિલોમાં તૈયાર થયેલા કાપડની ડિલીવરી વેપારીઓ સ્વીકારશે નહીં સાથે સાથે ગ્રે કાપડની ખરીદી બંધ કરવાનું અભિયાન પણ ચલાવવામાં આવશે. જયાં સુધી 6 ટકા ડિસ્કાઉન્ટનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી ગ્રે કાપડની ખરીદી બંધ રહેશે. આજે કાપડ માર્કેટના સાત સંગઠનોએ ભેગા મળી અરવિંદ વૈદ્યના ચેરમેનપદ હેઠળ કમિટી બનાવી છે. જેમાં કોર કમિટી ચેરમેન તરીકે લલીત શર્મા, દિનેશ પટેલ, મનોજ અગ્રવાલ (ફોસ્ટા), સંજય જગનાની (વીપીએસ), સુનીલ જૈન (એસજીટીટીએ), નરેન્દ્ર સાબુ (એસએમએ) સહિતના સંગઠનોના આગેવાનો રહેશે.