Charchapatra

માની જરૂરિયાત દરેક જીવાત્માને હોય છે

આજકાલ facebook પર એક નાનકડો વીડિયો ખૂબ વાયરલ થયો છે જેમાં જાપાનના એક  ઝુ માં એક વાંદરાના બચ્ચાને જન્મ આપી તેની માતા મૃત્યુ પામે છે. બચ્ચું કંઈ સમજતું ન હોવાથી તે બીજાં  વાંદરાઓનાં  ટોળામાં દોડી જાય છે અને મા  ને શોધે છે. તે દરેક વાંદરામાં પોતાની માને જુએ છે  પણ બીજાં વાંદરાંઓ તેને મારે છે અને હડસેલો મારી કાઢી મૂકે છે, બચ્ચું  મા વગર રહી શકતું નથી. તેણે ખાવા પીવાનું બંધ કર્યું અને ગુમસૂમ રહેવા  લાગ્યું.

ઝુ ના એક કર્મચારીને એક તરકીબ સૂઝી. તેણે વાંદરાના મુખાકૃતિવાળું એક ટેડી બિયર તેને આપ્યું અને જાણે ચમત્કાર થયો. આ બચ્ચું તે ટેડી બિયરને જ  પોતાની મા સમજવા લાગ્યું. તેની સાથે રમે, કૂદે તેની ઉપર માથું રાખી સૂઈ જાય અને તેને જરા પણ  અળગું ન રાખે. આ નિર્જીવ વાંદરાએ આ બચ્ચાને જીવતદાન આપ્યું. આ નિર્દોષ બચ્ચાની હરકત સૌનાં હૃદયને સ્પર્શી જાય છે  અને  એક શીખ આપે છે કે માની જરૂરિયાત દરેક જીવાત્માને હોય છે. ચાહે મનુષ્ય હોય, પશુ, પંખી કે પ્રાણી.
 સુરત    – રેખા એમ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top