Comments

સ્ત્રીના રક્ષણના નામે ઘડાતા કાયદાના હાર્દમાં સ્ત્રીની સ્વાયત્તતા પર પ્રહાર

લગ્ન જેવો સુંદર સંબંધ કુટુંબની સંમતિથી થાય એનાથી રૂડું બીજું શું હોઈ શકે? પણ, દરેક કિસ્સામાં એવું બનતું નથી. માતા-પિતા પોતાનાં સંતાનનું ‘હિત’ જ જોતાં હોય, એમાં કોઈ શંકા નથી. પણ, સમય સાથે જીવનશૈલી બદલાય, વિચારવાની રીત બદલાય, જીવનનાં મૂલ્યો પણ બદલાય. પરિણામે પેઢી પ્રમાણે ‘વ્યક્તિગત હિત’ની વિભાવના બદલાવાની, અને બે પેઢી વચ્ચે મતાંતરની શક્યતા ઊભી થવાની. ત્યારે જો સરકાર પુખ્ત વયની બે વ્યક્તિના લગ્ન માટે માતા-પિતાની સંમતિને ફરજીયાત બનાવતો કાયદો લઈને આવે તો?

બંધારણની કલમ ૨૧ પ્રમાણે વ્યક્તિગત સ્વાતંત્ર્ય એ દરેક ભારતીય નાગરિકનો મૂળભૂત અધિકાર છે – જેમાં વ્યક્તિના પસંદગી કરવાનો અને ગોપનીયતાનો અધિકારનો સમાવેશ થઈ જાય છે. પસંદગીના અધિકારમાં જીવનસાથીની પસંદગી પણ આવી ગઈ. કલમ -૨૧ના અર્થઘટનમાં સુપ્રીમ કોર્ટે અનેક વખત સમાજ કે પરિવાર કરતાં પુખ્ત વ્યક્તિના પસંદગીના અધિકારને મહત્ત્વનો ગણાવી ચૂકી છે, ૨૦૨૧ માં જ લક્ષ્મીબાઈ ચંદરગી બી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો  બે પુખ્ત વ્યક્તિઓ લગ્ન કરવા માટે પરસ્પર સંમત હોય ત્યારે પરિવાર, સમુદાય અથવા કુળની સંમતિ જરૂરી નથી.

આ અધિકાર દરેક નાગરિકને – એટલે કે સ્ત્રી તેમજ પુરુષ બંનેને સરખો મળે છે. દરેક સ્ત્રીને પોતાના જીવનસાથીની પસંદગી કરવાનો અધિકાર છે. આ સંદર્ભે ગુજરાત સરકારની ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ના નિયમો બદલવાની દરખાસ્ત બંધારણે આપેલા મૂળભૂત અધિકારનો ભંગ કરે છે.  નવી દરખાસ્ત મુજબ  લગ્નની નોંધણી માટે ફોર્મ ભરવા ઉપરાંત માતા-પિતાની જાણકારી અને ચોક્કસ દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે. 

લગ્નની નોંધણી કરાવનાર દંપતીનાં માતા-પિતાને 10 દિવસમાં તેની જાણ કરાશે અને એ આધારે જ લગ્નને સંમતિ મળશે !. જો માતા-પિતાની સંમતિ નહિ હોય તો શું થશે એ અંગે હજુ ખાસ સ્પષ્ટતા નથી. સરકારનો મૂડ જોતાં એવું લાગી રહ્યું છે કે લગ્ન કરનાર દંપતી કરતાં માતા-પિતાની સંમતિને સર્વોપરી માનવામાં આવી શકે છે, જેની શક્યતા  આંતરધર્મી કે આંતરજ્ઞાતિય લગ્નમાં વિશેષ રહેશે. અહીં એ નોંધવું અગત્યનું છે કે અહીં જે કાયદામાં સુધારાની વાત છે તે ‘વિશેષ લગ્ન કાયદો- 1954’ (સ્પેશ્યલ મેરેજ એક્ટ) લગ્નને કાનૂની રીતે મંજૂરી આપવા માટે બિનસાંપ્રદાયિક માળખું પૂરું પાડે છે એમાં કોઈ ધાર્મિક વિધિની આવશ્યકતા નથી. 

સામાન્ય ભાષામાં ‘કોર્ટ મેરેજ’ તરીકે ઓળખાતો કાયદો એક નાગરિક માળખું પૂરું પાડે છે જે અંતરગત આંતર-ધર્મી અને આંતર-જ્ઞાતિનાં યુગલો લગ્ન કરી શકે. લગ્નની નિર્ધારિત તારીખ પહેલાં એક જાહેર નોટિસ આપવાની હોય છે. સામાન્ય રીતે કુટુંબના વિરોધથી ઉપરવટ જઈને લગ્ન કરવા ઈચ્છતાં યુગલ કોર્ટ મેરેજનો સહારો લેતાં હોય છે. સરકારના કહેવા મુજબ નિયમો બદલવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો તેમજ પ્રક્રિયાને પારદર્શક અને સામાજિક રીતે સુરક્ષિત બનાવવાનો છે. અહીં લૈંગિક પૂર્વગ્રહ ગર્ભિત છે, કારણ કે લગ્નમાં છેતરપિંડીથી પીડિત સામાન્ય રીતે સ્ત્રી જ હશે એવી ધારણા છે. સ્ત્રીઓ માટે સલામતી ઊભી કરવી અને એના રક્ષણના નામે એની પર નિયંત્રણ ઊભાં કરવામાં ફરક છે.

જેમકે, ગુજરાત સરકારે જે નિયમોની દરખાસ્ત કરી છે એમાં એવું ધારી લેવામાં આવ્યું છે કે છોકરીઓ કોઈ પણ ષડ્યંત્રનો ભોગ બની શકે છે કે લાલચમાં આવી શકે છે. જાણે કે યુવાન સ્ત્રીઓ પોતાનું સારું નરસું જાતે સ્વતંત્ર રીતે વિચારી જ શકતી ના હોય! જ્યારે કોઈ સ્ત્રી સમાજના સ્વીકૃત માળખાથી અલગ વિચારે તો એના સ્વતંત્ર રીતે વિચારી શકનાર વ્યક્તિ તરીકે સ્વીકાર નથી હોતો. લગ્નના  નિર્ણયમાં તો ખાસ.  ૨૦૧૮નો પ્રચલિત શફી જહાં વિ.  કે.એમ. અશોકન, – હાદીયા કેસ યાદ છે? ૨૪ વર્ષની હાદીયાએ (અખિલા અશોકન) પોતાની મરજીથી શફી જહાન સાથે લગ્ન કરી ઇસ્લામ અંગીકાર કર્યો એ સાથે કેસ ‘લવ જીહાદ’ નો બની ગયો.

હાદીયા એ તો કોર્ટમાં સ્પષ્ટ જુબાની આપી હતી કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને સ્વૈચ્છિક રીતે ધર્મ પરિવર્તન કર્યું છે. આમ છતાં કેરાલા હાઈકોર્ટે માતાપિતાના પિતૃસત્તાક અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને અને 24 વર્ષીય મહિલાને ‘નબળી’ અને ‘સંવેદનશીલ’ ગણાવીને આંતરધર્મીય લગ્નને રદ કરી દીધા હતા ! પોતાના નિર્ણય માટે દૃઢ હાદીયા સુપ્રીમ કોર્ટ પહોંચી ત્યારે સુપ્રીમ કોર્ટે, કેરાલ હાઈકોર્ટના ચુકાદાને રદ કરતા પુખ્ત મહિલાને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અને ધર્મ પસંદ કરવાના વ્યક્તિના અધિકારને સમર્થન આપ્યું હતું અને હાદીયાના વ્યક્તિગત પસંદગીના હકને ન્યાય મળ્યો હતો. 

પાછલાં થોડાં વર્ષોમાં પ્રેમલગ્ન વિરુદ્ધ નિયમો કડક કરવાનો મુદ્દો ઘણી જ્ઞાતિના મંચ પરથી ઊઠતો રહ્યો છે. છોકરીના લગ્ન સાથે સમાજની મોભા અને મર્યાદાને જોડવામાં આવે છે. એટલે જ છોકરીઓ માટે લગ્નની પસંદગી પર નિયંત્રણોને સામાજિક રીતે ઉચિત ગણવામાં આવે છે જેને સ્ત્રીના ‘સંરક્ષણ’નું નામ મળે છે જે સ્ત્રીની સ્વાયત્તતા સાથે સીધું સમાધાન કરે છે. ‘સંરક્ષણ’ એટલે શું? અને કોણ, કોનું , શાનાથી રક્ષણ કરે છે એ પ્રશ્ન ઊઠવા જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top