Charchapatra

સન્માનપત્રમાં ભાષાદોષ? કેમ કરીને ચાલે દોસ્ત?

વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ઠેર ઠેર માતૃભાષા મહોત્સવ ઉજવાયા. પણ અફસોસ અને દુઃખ સાથે કહેવું પડે કે ભાષા પ્રત્યેની આપણી જાગરુકતા માત્ર ઉજવણી પૂરતી જ છે.અરે..કાર્યક્રમના જાહેર પોસ્ટરમાં અને સન્માનપત્રોમાં પણ અનેક ભાષાદોષ અને જોડણીદોષ જોવા મળ્યા. સંસ્થાઓ પોતાના દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રેષ્ઠીઓનું સન્માન સન્માનપત્ર આપીને કરે છે, પરંતુ આ સન્માનપત્રની ભાષામાં જોડણીદોષ હોય કે ઉટપટાંગ વાક્યરચના હોય ત્યારે એ સન્માનપત્ર હાસ્યાસ્પદ બની રહે છે.સ્વાભાવિક છે કે ઘણાં લોકો પોતાને પ્રાપ્ત થયેલા આવા સન્માનપત્રને પોતાની ડીપીમાં મૂકે છે..પોતાના ઘરમાં પણ દર્શનીય રીતે ગોઠવે છે ત્યારે આવા ભાષાદોષ સાથેના સન્માનપત્ર ખરેખર તો સન્માનિત કરનાર સંસ્થાની ભાષા અંગેની બેદરકારીની જાહેરમાં છડી પોકારતા હોય છે.જ્યારે પણ કોઈ સન્માનપત્ર કે સ્મૃતિભેટ અપાય ત્યારે એનું લખાણ ભાષાકીય રીતે શુદ્ધ હોય એટલી કાળજી તો જરૂર લેવી જોઈએ. આપણામાં ખરેખર ભાષા પ્રત્યેની ચીવટ અને નિષ્ઠા જોવા મળે છે ખરી?
કીમ, સુરત          – પ્રકાશ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top