‘ખરાબ સામાન છોડીને વપરાશલાયક વસ્તુઓ જ કેમ જપ્ત કરાય છે?’- વેપારીઓનો વેધક સવાલ; દર મહિને 500 થી 1000 ના હપ્તા લેવાતા હોવાનો દાવો




વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ગુરુકુળ ચાર રસ્તા પાસે ભંગારનો વ્યવસાય કરતા નાના વેપારીઓએ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વેપારીઓનો આરોપ છે કે કોર્પોરેશનના કર્મચારીઓ કોઈ પણ પૂર્વ નોટિસ આપ્યા વિના આવીને સામાન ઉઠાવી જાય છે અને તેની કોઈ સત્તાવાર પાવતી પણ આપવામાં આવતી નથી.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેમની પાસેથી દર મહિને 500 થી 1000 રૂપિયા જેટલી રકમ વસૂલવામાં આવે છે. આ રકમ લીધા બાદ પણ ઘણીવાર પાવતી આપવામાં આવતી નથી. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે, “કોર્પોરેશનની પાવતીમાં કોઈ નિશ્ચિત રકમ હોતી નથી, મન ફાવે તેટલા પૈસા વસૂલવામાં આવે છે અને જો પૈસા ન આપીએ તો ટેમ્પો ભરીને સામાન ઉઠાવી જવાની ધમકી આપવામાં આવે છે.”
દબાણ હટાવવાની કામગીરી અંગે વેપારીઓએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે, કોર્પોરેશનની ટીમ જ્યારે સામાન જપ્ત કરવા આવે છે ત્યારે જે ખરેખર ભંગાર કે સડેલો સામાન હોય તેને અડતી પણ નથી. તેના બદલે, જે સામાન સારો હોય, ફરીથી વાપરી શકાય તેવો હોય અથવા ઘરવપરાશમાં કામ લાગે તેવો કિંમતી સામાન હોય તેને જ વીણી-વીણીને ગાડીમાં ભરી લેવામાં આવે છે. વેપારી મંજુબેને આક્રોશ સાથે જણાવ્યું કે, “મારો સારો સામાન જે ઘરમાં વપરાય તેવો હતો તે જ તેઓ લઈ ગયા છે, જ્યારે સડેલો સામાન ત્યાંનો ત્યાં જ રહેવા દીધો છે.”
વેપારીઓએ ફરિયાદ કરી છે કે પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપવામાં આવતી નથી. અચાનક આવીને સામાન ભરી લેવામાં આવે છે અને વિરોધ કરવા પર તોડી પાડવાની ધમકી આપવામાં આવે છે. ગરીબ પરિવારો જે ભંગાર વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેમને આ રીતે હેરાન કરવામાં આવતા હોવાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે વેપારીઓએ ન્યાયની માંગ કરી છે અને કોર્પોરેશનની આ પક્ષપાતી તેમજ મનસ્વી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.