ચલથાણનો કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ
વધતી જતી વસતી અને ઉદ્યોગોને કારણે ચલથાણ આજે નગરપાલિકાનો હિસ્સો છે. જો કે, આ વિકાસની સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાનું શુદ્ધ પાણી અને પ્રદૂષણ નિયંત્રણ જેવા પડકારો પણ વધ્યા છે. ગામના લોકો કડોદરા નગરપાલિકામાં જોડાવવા માંગતા ન હતા. કોઈપણ જાતના ઠરાવ વગર ચલથાણને કડોદરા નગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગ્રામજનોએ હાઇકોર્ટનો સહારો લીધો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. 77 વર્ષનાં મિતાબેન કિરણભાઈ જોશી તેમજ રાજુભાઈ ભડકિયા(દેસાઈ) આ અંગે જણાવે છે કે, અમારી ગ્રામ પંચાયત જ બરાબર છે. કડોદરા નગરપાલિકામાં જવાથી ચલથાણ ગામ કાયમ માટે ભુંસાઈ જશે. એટલું જ નહીં લોકોને અહીંથી કડોદરા સુધી લંબાવવું પડશે. નાના કામ માટે પણ પૈસા ખર્ચીને નગરપાલિકા સુધી જવું પડશે. જ્યારે અહીં અમારું કામ ગ્રામ પંચાયતમાં જ થઈ જતું હતું.
પરપ્રાંતિયોનું મનપસંદ રહેઠાણ
સુરતની નજીક હોવા છતાં રેલવે સુવિધાને કારણે પરપ્રાંતિયો માટે ચલથાણ પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. મહારાષ્ટ્ર, ઉત્તર ભારત અને અન્ય રાજ્યોથી આવતા શ્રમિકો અને વ્યાપારીઓ માટે રેલવે સ્ટેશન નજીક હોવું એ સૌથી મોટી સગવડ છે. આ સરળ પરિવહનને કારણે હજારો પરિવારો અહીં સ્થાયી થયા, જેને પરિણામે ચલથાણની સીમાઓ વિસ્તરતી ગઈ અને તે એક નાના ગામમાંથી શહેરી સંકુલમાં પરિવર્તિત થઈ ગયું છે.
પલસાણા તાલુકામાં ચલથાણનું રાજકીય વર્ચસ્વ મટી જશે
ચલથાણ માત્ર ઔદ્યોગિક રીતે જ નહીં, પરંતુ રાજકીય દૃષ્ટિએ પણ પલસાણા તાલુકામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ચલથાણ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી કુલ 4 તાલુકા પંચાયતની બેઠક આવે છે, જે આ વિસ્તારના વ્યાપ અને પ્રભુત્વને દર્શાવે છે. હાલમાં તાલુકા પંચાયતમાં રાહુલ એસ. આહીર, વાસુદેવ પાટિલ, દેવેન્દ્રસિંહ એચ. કપલેટિયા અને નિલેષ દેસાઇ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જેઓ વિસ્તારના પ્રશ્નોને વાચા આપે છે. આ ઉપરાંત, જિલ્લા સ્તરે ચલથાણનું નેતૃત્વ જિલ્લા પંચાયતની બેઠક પરથી રમેશભાઈ એમ.રાઠોડ કરી રહ્યા છે. જો કે, હવે નગરપાલિકામાં સમાવેશ થવાથી આ તમામ બેઠકો રદ થઈ જશે. આથી પલસાણા તાલુકામાં જે રાજકીય વર્ચસ્વ ચલથાણનું હતું તે મટી જશે અને માત્ર નગરપાલિકા પૂરતું સીમિત થઈ જશે. જેને કારણે પણ લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.
ચલથાણ રેલવે સ્ટેશને લાંબા અંતરની ટ્રેનોનાં સ્ટોપેજની માંગ

ચલથાણ આજે એક વિશાળ ઔદ્યોગિક હબ તરીકે ઊભરી આવ્યું છે, જ્યાં રોજગારીની શોધમાં મહારાષ્ટ્ર, ઉત્તર ભારત અને ઓડિશા જેવાં રાજ્યોમાંથી હજારો શ્રમિકો અને વ્યાપારીઓ આવીને વસ્યા છે. ભારતભરના લોકોનું અહીં રોજગારી માટે આવતા હોય છે. અહીંના રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજનો અભાવ એક મોટી સમસ્યા બની રહ્યો છે. હાલમાં, અહીં વસતા પરપ્રાંતિયોને પોતાના વતન જવા માટે સુરત અથવા વડોદરા સુધી લાંબુ થવું પડે છે. જેના કારણે મુસાફરોનો સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. સ્થાનિક રહીશો અને શ્રમિક વર્ગની આગ્રહભરી માંગ છે કે, ઉધના-ભૂસવાલ ટ્રેક પરથી પસાર થતી મહારાષ્ટ્ર, ઉત્તર ભારત અને ઓડિશા તરફ જતી ટ્રેનોને ચલથાણ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે. જો અહીં લાંબા અંતરની ટ્રેનો ઊભી રહે, તો માત્ર પેસેન્જર્સને જ નહીં, પરંતુ સ્થાનિક ઉદ્યોગોને પણ મોટો ફાયદો થઈ શકે છે. કાચા માલની હેરફેર અને વ્યાપારી મુસાફરી સરળ બનતાં ચલથાણની આર્થિક ગતિવિધિઓને નવું બળ મળશે.
‘ગોપિન ફ્રૂટ માર્કેટ’ અને ‘રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર’ ગામની સમૃદ્ધિમાં બન્યાં સહભાગી
ચલથાણ ગામ આજે માત્ર ખેતી કે રેલવે યાર્ડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે દક્ષિણ ગુજરાતના એક મોટા વ્યાપારી હબ તરીકે ઊભરી રહ્યું છે. ગામની પ્રગતિ અને આર્થિક વિકાસમાં ગોપિન ફ્રૂટ માર્કેટ અને રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર અત્યંત મહત્ત્વપૂર્ણ ફાળો આપી રહ્યાં છે. ગોપિન ફ્રૂટ માર્કેટને કારણે આ વિસ્તારના ખેડૂતોને તેમના પાક માટે એક મોટું અને આધુનિક પ્લેટફોર્મ મળ્યું છે. અહીંથી ફળો અને શાકભાજીનું મોટા પાયે વેચાણ થતું હોવાથી સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરને કારણે ચલથાણ લોજિસ્ટિક્સ ક્ષેત્રે મજબૂત બન્યું છે. હજારો ટ્રકોની અવરજવર અને માલસામાનના પરિવહનથી અહીં અનેક નાના-મોટા વ્યવસાયો ધમધમી રહ્યા છે. આ બંને પ્રોજેક્ટ્સે ચલથાણને માત્ર એક ગામ મટાડીને એક વિકસતા શહેર જેવી ઓળખ આપી છે. જો કે, આ વિકાસની સાથે વધતા ટ્રાફિક અને પ્રદૂષણનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવે, તો ચલથાણ સમગ્ર તાલુકા માટે વિકાસનું ઉત્તમ મોડેલ બની શકે તેમ છે. આ આધુનિક સુવિધાઓ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી રહી છે.
કેતનસિંહ રણા સામાજિક સેવામાં અગ્રેસર
ચલથાણના સ્વસ્તિકનગર ચલથાણ ખાતે રહેતા કેતનસિંહ ફતેસિંહ રણા શ્રી રાજપૂત યુવામંડળ, પલસાણા તાલુકાના પ્રમુખ તરીકે છેલ્લાં ૮ વર્ષથી સેવા આપી રહ્યા છે. સમાજનાં બાળકો અને યુવાનોને વર્ષ દરમિયાન ૪ દિવસની પ્રાથમિક પ્રશિક્ષણ શિબિરમાં પણ લઈ જવામાં આવે છે. ત્યાં બાળકો અને યુવાનોને ઓછામાં ઓછી જરૂરિયાતથી સવારે ૫.૩૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી વિવિધ ૧૬ પ્રવૃત્તિઓ થકી સામાજિક ભાવ સાથે સંગઠનના ભાવને જાગૃત કરવાનું કામ કરે છે. સાથે સાથે સમાજબંધુઓમાં કોઈનો આકસ્મિક સ્વર્ગવાસ થાય તો એ સંજોગોમાં એમના વારસદારને આર્થિક સહાય મળી રહે એ હેતુથી ૨૦૧૭થી ‘સમાજ સુરક્ષા યોજના’ નામની યોજના સમાજબંધુઓ માટે શરૂ કરવામાં આવી છે. શ્રી રાજપૂત યુવામંડળ પલસાણા વિભાગ દ્વારા વર્ષ દરમિયાન યુવાનોમાં એકબીજાના પરિચય સાથે સંગઠનની ભાવના વધે એ હેતુથી વોલીબોલ ટુર્નામેન્ટ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. સમાજની વિવિધ પ્રવૃત્તિઓ સાથે કેતનસિંહ રણા પોતાની સરકારી નોકરીના માન્ય મંડળમાં મહામંત્રી તરીકેની સેવા પણ આપી રહ્યા છે. સાથે પોતાના નિવાસસ્થાન એવા સ્વસ્તિકનગર સોસાયટીના મેનેજમેન્ટમાં પણ મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
ચલથાણ રેલવે યાર્ડમાં સિમેન્ટ અને કોલસાની ડસ્ટથી ગ્રામજનો બેહાલ
ચલથાણ રેલવે યાર્ડમાં છેલ્લાં બે વર્ષથી ઠલવાતા સિમેન્ટના રો-મટિરિયલ અને કોલસાના કારણે ચલથાણ તેમજ વાંકાનેડા ગામના રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. રેલવે યાર્ડમાંથી મટિરિયલ ભરીને નીકળતાં ઓવરલોડ હાઈવા ડમ્પરોને કારણે સમગ્ર વિસ્તારમાં રજકણોનું સામ્રાજ્ય ફેલાયું છે. ભારે ટ્રકોમાં મટિરિયલ ખુલ્લામાં લઈ જવામાં આવતું હોવાથી માર્ગો પર સિમેન્ટની ડસ્ટના થર જામી જાય છે, જે રજકણો શ્વાસમાં જવાથી રહીશો અને ખાસ કરીને બાઈક ચાલકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. હવામાં ઊડતી આ રજકણોથી બચવા ગ્રામજનોએ દિવસભર ઘરના બારી-દરવાજા બંધ રાખવા મજબૂર બનવું પડે છે. પ્રદૂષણની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ લોકોની મિલકતો પર પણ જોવા મળી રહી છે. ધાબા પર મૂકેલી કીમતી સોલાર પેનલો પર સિમેન્ટના થર જામી જવાથી તે ખરાબ થઈ રહી છે, જેનાથી ગ્રામજનોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશો અને આગેવાનો દ્વારા કલેક્ટર, રેલવે અને પોલીસ તંત્રને આ બાબતે વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. જેને કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
