Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતની કમાન સચીન પાયલોટને સોંપાશે?

ગાંધીનગર : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરબદલની અટકળો તેજ બની છે. સૂત્રો મુજબ પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્‍યમંત્રી સચીન પાયલોટ પર દાવ રમી શકે છે. ગુજરાત કોંગ્રેસમાં આંતરીક ચર્ચા છે કે વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકને બદલી સચીન પાયલોટને ગુજરાતની કમાન સોંપવાનો વિકલ્પ ગંભીરતાથી હાઈકમાન્ડની વિચારણા હેઠળ છે.

દિલ્હીમાં તાજેતરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને મલ્લીકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસને પુનર્જીવિત કરવા સંગઠનમાં નવેસરથી ફોરફાર કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. બેઠકમાં કે.સી. વેણુગોપાલ, અમિત ચાવડા, તુષાર ચૌધરી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ , ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચા એવી પણ છે કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલૌતને રાજ્યસભા મોકલવાની સંભાવના વચ્ચે ગુજરાતના પ્રભારી પદમાં બદલાવ શક્ય છે. અગાઉ પણ ગહલૌત તથા તેમના નજીકના રઘુ શર્મા ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ૯૯ બેઠકો પર રોકી હતી ત્યારે ગહલૌત જ પ્રભારી હતા.
હાલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરી અને પ્રભારી તરીકે મુકુલ વાસનિક કાર્યરત છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં કેન્દ્રીય નેતૃત્વ સંગઠનમાં સક્રિય અને મેદાનમાં કાર્યરત નેતાઓને જ આગળ રાખવાની દિશામાં વિચાર કરી રહ્યું છે. જિલ્લા અને શહેર પ્રમુખોને ઉમેદવારી ફાળવણીની સંપૂર્ણ જવાબદારી સોંપવા તથા જિલ્લાવાર પ્રભારી નિમણૂક કરવાની યોજના પણ ચર્ચામાં છે.

પાયલોટના નામની ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે મતદાતા યાદીની વિશેષ સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થવાનો છે. આ ચૂંટણીને વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટેની કસોટી માનવામાં આવી રહી છે. ચર્ચા એવી પણ છે કે પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લઈ શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે અનેક રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓએ જવાબદારી સંભાળી છે. હાલમાં મુકુલ વાસનિક પ્રભારી તરીકે કાર્યરત છે. તેમના અગાઉ રઘુ શર્માએ આ જવાબદારી નિભાવી હતી.

તે પહેલાં રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રહ્યા હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલૌતે પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની કામગીરી નોંધપાત્ર રહી હતી. ઉપરાંત, સ્વર્ગસ્થ ગુરુદાસ કામત પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસોમાં સક્રિય રહ્યા હતા. આ તમામ નેતાઓએ વિવિધ સમયગાળામાં ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને ગતિ આપવા પ્રયત્નો કર્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસની હાલત પર નજર કરીએ તો લોકસભાની ૨૬ બેઠકોમાંથી પાર્ટી પાસે માત્ર ૧ બેઠક છે, જ્યારે ૧૮૨ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાસે હાલ ૧૨ ધારાસભ્યો છે. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૭ બેઠકો જીત્યા બાદ ૫ ધારાસભ્યો પાર્ટીને રામ રામ કરી ગયા છે , આવી પરિસ્થિતિમાં યુવા અને લોકપ્રિય છબી ધરાવતા સચિન પાયલોટને જવાબદારી સોંપવાથી સંગઠનમાં નવી ઊર્જા અને ઉત્સાહ આવી શકે છે એવી ચર્ચા રાજકીય વિશ્લેષકોમાં ચાલી રહી છે.
દિલ્હીમાંથી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની અટકળોએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસ કઈ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે તે હવે જોવાનું રહેશે.

Most Popular

To Top