ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આરંભે રાજ્યપાલના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારની ઉપલબ્ધિઓનો ચિતાર રજૂ કરતાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલનું અભિભાષણ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ ગુજરાતના ભૂતકાળનો પ્રતિસાદ અને ભવિષ્યનો માર્ગદર્શક દસ્તાવેજ છે. તેમણે કહ્યું હતું કે ૨૦મી સદીમાં રાજ્ય કરફ્યુ, કોમી રમખાણો અને ટેન્કર રાજથી ઓળખાતું હતું.
જ્યારે ૨૦૦૧ પછી રાજ્યમાં કાયમી શાંતિ અને વિકાસનો યુગ શરૂ થયો છે. આજે કરફ્યુ શબ્દ ઇતિહાસ બની ગયો છે અને રાજ્યમાં સુરક્ષા તથા સમૃદ્ધિનો માહોલ છે. ગરીબ કલ્યાણની યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ૭૫ લાખ પરિવારોના ૩.૧૮ કરોડ નાગરિકોને મફત અનાજ મળી રહ્યું છે, જ્યારે ૨.૭૨ કરોડ લોકોને ૧૦ લાખ સુધીની મફત સારવારનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. આવાસ યોજનામાં ૧૦ લાખથી વધુ ઘરો આપવામાં આવ્યા છે અને વધુ ૩.૧૫ લાખ આવાસોનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
યુવા અને રોજગાર ક્ષેત્રે ગુજરાતે ૧,૦૦,૧૩૫ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોનું પ્રમાણન કરીને નવો વિક્રમ સર્જ્યો છે. આગામી ૧૦ વર્ષમાં ૨ લાખથી વધુ સરકારી ભરતી માટે આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ૧૨૬૮ ભરતી મેળાઓ મારફતે ૭૨,૧૨૮ યુવાનોને રોજગારી અપાઈ છે. ખેડૂતો માટે ‘નર્મદા રાજ’ની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૬૦ લાખ ખેડૂતોને સહાય મળી રહી છે અને તાજેતરની કુદરતી આફતમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે. અંતમાં તેમણે કહ્યું કે સરકાર વિકાસની રાજનીતિમાં માને છે અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલુ રહેશે.