એક સૂફી સાધ્વી ધર્મગ્રંથનું વાચન કરી રહ્યાં હતાં અને શિષ્યો અને અન્ય સંતો મન દઈને તેને સાંભળી રહ્યાં હતાં. સૂફી સાધ્વીના મુખમાંથી જે વાણી નીકળતી હતી તે હૈયાના ખરલમાંથી ઘૂંટાઈને આવતી હતી. સાધ્વીજી ઘોડી પર ગ્રંથ ગોઠવીને વાંચી રહ્યા હતા. ધર્મગ્રંથનું વાચન કરતાં કરતાં એમાં શેતાનની વાત આવી અને ત્યાં સાધ્વીજી અચાનક થંભી ગયાં. એક વૃદ્ધ સંત બોલ્યા, ‘‘બહેન, આગળ વધ, અટકી કેમ ગઈ?’’સાધ્વીએ બધાં ચોંકી જાય એવો જવાબ આપ્યો કે, ‘‘મારે આ ધર્મગ્રંથમાંથી આ વાક્ય છેકી નાખવું છે. આ વાક્ય હું નહીં વાંચું.’’
વયોવૃદ્ધ સંત બોલ્યા, ‘‘બહેન, ધર્મગ્રંથ પ્રભુની વાણી છે, તેમાં આપણે વધારો ઘટાડો ન કરી શકીએ.’’સાધ્વીએ મક્કમ અવાજે કહ્યું, ‘‘પણ હું આ વાક્ય નહીં જ વાંચું.’’વૃદ્ધ સંતે પોતે વાક્ય વાંચ્યું અને વાક્ય હતું ‘‘શેતાનને નફરત કર.’’સંત બોલ્યા, ‘‘બહેન, આ વાક્યમાં શું ખોટું છે. શેતાન જ માનવીને પાપ કરવા લલચાવે છે અને શેતાન જ માનવીને પ્રભુથી વિમુક્ત કરે છે એટલે તેને નફરત કરવી જ જોઈએ. શેતાનને કારણે જ આપણે પ્રભુની નજીક જઈ શકતાં નથી અને પ્રભુની ભક્તિ કરી શકતાં નથી.’’ સાધ્વીજી બોલ્યાં, ‘‘પરંતુ શેતાનને પણ નફરત કરવાને બદલે આપણે પ્રેમ કરીએ તો….’’સંત મોટા અવાજે બોલ્યા, ‘‘ના ના… ધર્મગ્રંથની વાતની વિરુદ્ધ ન જઈ શકાય. શેતાનને ચાહવાની વાત સ્વપ્નમાં પણ વિચારી ન શકાય. નહીં તો પાપમાં વધારો થશે અને પાપના ભાગીદાર બનાશે.’’
સાધ્વી નમ્રતાથી બોલ્યાં, ‘‘ભાઈ, પ્રભુ પ્રેમનો સંદેશ આપે છે. તેમનો જ આદેશ છે કે હું બધાને પ્રેમ કરું છું અને તમે પણ બધાને પ્રેમ કરો. જે બીજાને ધિક્કારે છે તે મારી પણ અવગણના કરે છે. જો પરવરદિગાર પ્રત્યે આપણું મન સરોવરપ્રેમથી છલોછલ હોય તો આપણે કોઈને પણ નફરત કરવાની જરૂર જ રહેતી નથી. જો આપણે શેતાનને ચાહવા લાગીશું તો તે તેની શેતાનિયત ભૂલી જશે અને શેતાનનું અસ્તિત્વ જ રહેશે નહીં.’’ સાધવીની આ પરમ પ્રેમસભર શીખનો અંતે બધાએ સ્વીકાર કર્યો. કોઈને પણ ધુત્કારો નહીં. ભૂલ અને અપરાધને ભૂલી જઈને પ્રેમ આપો. તેનો મનથી સ્વીકાર કરો તો તે પોતાની ખરાબ આદતો છોડી, નફરત છોડી દેશે.નફરત નહીં પ્રેમ કરો. પ્રેમ આપો તો પ્રેમ મળશે.