સુરત: (Surat) શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દંડની વસૂલાત કરવા માટે પોલીસ વધારે સક્રિય થઈ છેલ્લી પાયરીએ ઉતરી આવી છે. અઠવા પોલીસ (Police) રોજ સાંજે સાગર હોટલની સામે ઉભી રહીને સામાન્ય પ્રજાને માસ્ક (Mask) બાબતે દંડ (Fine) વસૂલી રંજાડે છે. શહેરમાં દંડની વસૂલાત માટે પોલીસની બેવડી નિતીથી સામાન્ય પ્રજા પરેશાન થઈ ગઈ છે. ખુદ રાજ્યના પ્રધાને પોલીસને સામાન્ય પ્રજાને રંજાડવા માટેની ખુલ્લેઆમ છુટ આપી દીધી હોય ત્યારે પોલીસ ગરીબોના ખિસ્સામાંથી લુંટીને સરકારની તિજોરી ભરી રહી છે.
બીજી તરફ પોલીસ શહેરના વિશાળ પાર્ટી પ્લોટો ઉપર માલેતુજારોના થઈ રહેલા લગ્ન પ્રસંગોમાં હજારોની સંખ્યામાં માસ્ક વગર આવતા લોકોની સામે જોવાનું પણ ટાળે છે. અઠવા પોલીસ તો જાણે દંડ માટે છેલ્લી પાયરીએ આવી ગઈ છે. મોઢા ઉપર રૂમાલ બાંધીને જઈ રહેલા લોકોને પણ અઠવા પોલીસ છોડતી નથી. રૂમાલ બાંધીને જઈ રહેલા લોકો પાસેથી પણ 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તેમાયે પોલીસ સબ ઇન્સપેક્ટર એન.એ.પટેલ સાગર હોટલની સામે ઉભા રહીને ગરીબ લોકોને ધમકાવી કાયદાનો ભય બતાવી સળીયા પાછળ ધકેલી દેવાની ધમકી આપતા ફરે છે. ખુદ નરેન્દ્ર મોદીએ માસ્ક નહીં હોય તો મોઢે રૂમાલ બાંધશો તો પણ ચાલશે તેવું કહ્યું હતું. ત્યારે પ્રજાના રક્ષકો માસ્કના નામે બક્ષક બનીને સતત લોકોની ખિસ્સા ચુસી રહ્યા છે.
રાજકારણી અને ઉદ્યોગપતિઓના પ્રસંગોમાં જતા પોલીસે કેમ ધ્રૃજે છે?
શહેરના ઉધના મગદલ્લા રોડ પર તથા અન્ય વિસ્તારોમાં આવેલા વિશાળ મોંઘેરા પાર્ટી પ્લોટ ઉપર ઉદ્યોગપતિઓના પરિવારના લગ્ન પ્રસંગોનું આયોજન થઈ રહ્યું છે. ચારેક દિવસ પહેલા ડુમસ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ ઉપર ડાયમંડ પેઢી પાલડિયા પરિવારના લગ્ન પ્રસંગ અગાઉનો ભવ્ય ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હોવા છતાં પોલીસે ત્યાં જવાની પણ તસ્દી લીધી નહોતી. ‘ગુજરાતમિત્ર’ના અહેવાલ બાદ પોલીસે માત્ર 200 લોકોની હાજરી હોવાનો રિપોર્ટ મોકલી આપ્યો હતો. પરંતુ આ 200 લોકો પાસેથી પણ દંડ વસૂલવા હિમ્મત કરી નહોતી. પોલીસને ઉદ્યોગપતિઓ પાસેથી પ્રસાદી મળી ગઈ હોય તેવું લાગે છે.
કાપડ માર્કેટમાં કામ કરવા આવતા શ્રમિકોને કોરોના ગાઇડલાઇનનો અમલ કરવાની સૂચના
કાપડ માર્કેટોમાં શનિ-રવિવારના બંધ બાદ સોમવારે કમિશનર બંછાનિધિ પાનીએ માર્કેટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વેપારીઓ તેમજ કાપડ માર્કેટમાં કામ કરવા આવતા શ્રમિકોને કોરોના ગાઇડલાઇનનો અમલ કરવાની સૂચના આપી હતી. સોમવારે સવારે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના અધિકારીઓ વિવિધ ટેક્સટાઈલ માર્કેટોની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માર્કેટમાં કાર્યરત શ્રમિકો-વેપારીઓ અને મુલાકાતીઓને કોવિડ-19ની ગાઈડ લાઈનનું ફરજિયાત પાલન કરવા માટે દિશા-નિર્દેશ આપ્યા હતા. શનિવાર અને રવિવારની રજા બાદ સોમવારે સવારથી જ શહેરની અલગ-અલગ ટેક્સટાઈલ માર્કેટોમાં 17 જેટલી ટીમો દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. ડોક્ટર-નર્સ સહિત ચાર કર્મચારીની એક ટીમ એવી આ 17 ટીમ દ્વારા માર્કેટો સઘન ચેકિંગની સાથે-સાથે શ્રમિકો અને વેપારીઓનો ફરજિયાત કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
મનપા દ્વારા સૌથી વધુ ધ્યાન ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટોમાં આપવામાં આવી રહ્યું છે. ભીડ અને ગાઈડ લાઈનના ધરાર ઉલ્લંઘનને કારણે કાપડ માર્કેટમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેના પગલે આજથી મનપા દ્વારા માત્ર કાપડ બજારમાં જ રોજના 2500થી વધુ કોરોના ટેસ્ટિંગનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે.