આણંદ: અમેરિકા મોકલવાના સપના બતાવી આણંદ જિલ્લાના બે વીઝા વાંછુક યુવાનોને અઝરબૈજાનમાં બંધક બનાવી રૂ. 65 લાખની ખંડણી વસૂલવાના ચકચારભર્યા કિસ્સામાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)ને મોટી સફળતા મળી છે. એલસીબીએ મુંબઈમાંથી ત્રણ એજન્ટોની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સાથે જ અઝરબૈજાનમાં બંધક બનેલા બંને યુવાનોને સલામત ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના વાસદની 32 વર્ષીય યુવતી અને ઝાખરીયાના 22 વર્ષીય યુવકને અમેરિકા મોકલવાની લાલચ આપી એજન્ટોએ વિશ્વાસમાં લીધા હતા. તેમને વડોદરા મારફતે દિલ્હી અને ત્યાંથી અઝરબૈજાન મોકલવામાં આવ્યા હતા. અઝરબૈજાનમાં ‘વીઝા ઓન અરાઈવલ’ની સુવિધાનો ફાયદો ઉઠાવી એજન્ટોના સાગરીતોએ બંનેને એરપોર્ટ પરથી લઈ જઈ અજાણ્યા રૂમમાં બંધક બનાવી લીધા હતા.
અપહરણકારોએ બંનેના હાથ-પગ બાંધી, મોઢામાં ડૂચા લગાવી પરિવારજનોને વીડિયો કોલ કર્યો હતો. જો ખંડણી નહીં ચૂકવાય તો કિડની અને લીવર કાઢી નાખવાની ધમકી આપી 65 લાખ રૂપિયાની માગ કરી હતી. ભયભીત પરિવારજનો દ્વારા આંગડિયા અને ક્રિપ્ટો કરન્સી મારફતે રકમ ચૂકવ્યા બાદ પણ વધુ પૈસા માટે બ્લેકમેલિંગ ચાલુ રાખવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સના આધારે મુંબઈમાંથી મમતાબેન જીતેશ ગાવીત (થાણે), કેતન રમેશ સોની (દહીંસર) અને ડેનીયલ બાપીરસ્ટ મોન્ટેરો (મુંબઈ)ની ધરપકડ કરી છે. અઝરબૈજાનમાં રહેલા અન્ય આરોપીઓને પકડવા કાર્યવાહી ચાલુ છે. પોલીસે આ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને ખંડણીના રેકેટની તમામ કડીઓ ઉકેલવા તપાસ તેજ કરી છે.