ખાણ ખનીજ અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહી
આણંદ:
આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન થતું હોવાની ફરિયાદોને પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર આણંદ તાલુકાના વાસદ વિસ્તારમાં મહીસાગર નદીના પટમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, આણંદ ગ્રામ્ય મામલતદાર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ વાસદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સંયુક્ત ટીમ રચી આજે સવારથી વાસદ મહીસાગર નદીના પટમાં બ્રિજ નજીક ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સામે રેડ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નદીના પટમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના નાવડી અને બોટ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. ઉપરાંત, ખાણ ખનીજ વિભાગ પાસેથી પરવાનગી મેળવી હોવા છતાં મંજૂર મર્યાદા કરતાં વધુ રેતી ખનન કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં 10 ચારણા, 7 એક્સકવેટર મશીનો, 25 બોટ-નાવડી અને 25 પાઇપ સહિતનો અંદાજિત રૂ. 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વાસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં પણ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે આવી આકસ્મિક તપાસ અને કાર્યવાહી ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા પરવાનગી વિના કે મંજૂરી કરતાં વધુ રેતી ખનન કરવામાં આવશે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.