National

વ્હાઇટ હાઉસે આખરે ફેક્ટ શીટ બદલી! ભારત-અમેરિકા વેપાર સોદામાંથી હવે અમુક કઠોળ બહાર. ડિજીટલ સર્વિસ ટેક્સનો ઉલ્લેખ પણ હટાવાયો

વ્હાઇટ હાઉસે ભારત-અમેરિકા વેપાર સોદા પરની તેની ફેક્ટશીટમાં સુધારો કર્યો છે. અમેરિકાએ શીટમાંથી કેટલાક કઠોળનો ઉલ્લેખ દૂર કર્યો છે અને ભારતની $500 બિલિયનની પ્રસ્તાવિત ખરીદી સંબંધિત શબ્દોને પણ બદલ્યા છે. પહેલા જ્યાં ‘પ્રતિબદ્ધ’ શબ્દ હતો, એને બદલીને અમેરિકાએ ‘ઇરાદો’ શબ્દ વાપર્યો છે.

નોંધનીય છે કે મંગળવારે કોંગ્રેસે ઇન્ડો-યુએસ ટ્રેડ ડીલમાં કઠોળણા સમાવેશ ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો. પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘9 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી નવી વ્હાઇટ હાઉસ ફેક્ટશીટમાં કઠોળને ચૂપચાપ ઉમેરવામાં આવ્યા છે. આ બાબત 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ જારી કરાયેલ ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનનો ભાગ નહોતો.’

ફેક્ટશીટ બહાર પાડ્યા પછી, વિપક્ષે સરકાર પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસે કહ્યું કે મોદી સરકારના જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા છે. વ્હાઇટ હાઉસ, એટલે કે યુએસ પ્રમુખ ટ્રમ્પના કાર્યાલયે ભારત-અમેરિકા સોદા પર એક ફેક્ટશીટ બહાર પાડી. તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ભારત અમેરિકા પાસેથી કેટલાક કઠોળ પણ ખરીદશે. ઉપરાંત ભારતે અમેરિકા પાસેથી ખરીદવાનું વચન આપેલ $500 બિલિયન મૂલ્યના માલમાં કૃષિ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. આ બંને વિગતો અત્યાર સુધી દેશવાસીઓથી શા માટે છુપાવવામાં આવી?

કોંગ્રેસના આક્ષેપના જવાબમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ ખેડૂતોના હિત સાથે સમાધાન નહિ કરે. ગોયલે કહ્યું કે વેપાર સોદા હેઠળ કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ પ્રોડક્ટનો કરારમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે સોયાબીન, મકાઈ, ચોખા, ઘઉં, ખાંડ, બરછટ અનાજ, મરઘાં, ડેરી, કેળા, સાઇટ્રસ ફળો, લીલા વટાણા, ચણા, લીલા ચણા, તેલીબિયાં વગેરે જેવા ઉત્પાદનો પર કોઈ ભારતીય ટેરિફ છૂટ આપવામાં આવી નથી.

જો કે આ વિવાદ ગરમી પકડે એ પહેલા જ અમેરિકાએ વેપાર સોદા અંગે જારી કરાયેલી ફેક્ટશીટમાં સુધારો કર્યો છે. હવે ફેકત શીટમાંથી કઠોળનો ઉલ્લેખ દૂર કર્યો છે. આ ઉપરાંત ફેક્ટ શીટમાંથી ડિજીટલ સર્વિસ ટેક્સ (Digital Services Tax – DST) નો મુદ્દો પણ પડતો મુકાયો છે. ભારતમાં તેને ઇક્વલાઇઝેશન લેવી (Equalisation Levy) તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દો ખાસ કરીને અમેરિકી ટેક કંપનીઓ (જેમ કે Google, Meta/Facebook, Amazon વગેરે) સાથે જોડાયેલો છે. પણ ભારતે પહેલેથી જ ટેક્સ હટાવી લીધો હોવાથી ફરીવાર એનો ઉલ્લેખ બિનજરૂરી હતો, જે ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સુધારેલી ફેક્ટ શીટમાંથી હટાવી લેવાયો છે.

Most Popular

To Top