“આજે બચી ગયો, બીજી વાર જીવતો નહીં છોડું” કહી જાનથી મારી નાખવાની ધમકી
વડોદરા | તા. ૩૧
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નિવૃત્ત એએસઆઈ પિતાએ પોતાના જ પુત્ર પર સળીયાથી હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે પિતાએ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાઈ છે.
વાંકાનેર ગામના છાસટીયા ફળિયામાં રહેતા ૩૬ વર્ષીય ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ છાસટીયાએ સાવલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ ખાનગી સાબુ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેમના પિતા કિરીટસિંહ વખતસિંહ, જે નિવૃત્ત એએસઆઈ છે, છેલ્લા કેટલાક સમયથી તેમની માતા અરુણાબેન તથા પત્ની નીતાબેન સાથે અણછાજતું વર્તન કરતા અને અપમાનજનક ભાષા વાપરતા હતા. આ બાબતે અગાઉ પણ ઝઘડા થયા હતા અને એક વખત ૧૧૨ પર કોલ કરીને સમાધાન કરાયું હતું.
ફરિયાદ મુજબ ૨૮ જાન્યુઆરીના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે ધર્મેન્દ્રસિંહ નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે તેમના પિતાએ “હવે નવી ગાડીઓ લઈને કેવા લગ્નમાં જાય છે” કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો ન આપવા સમજાવતા જ પિતા ઉગ્ર બની ગયા અને મચ્છરદાની બાંધવાનો લોખંડનો સળિયો લઈ પુત્ર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ “આજે તો બચી ગયો છે, પણ બીજી વાર જીવતો નહીં છોડું” એવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ સમયે પત્ની નીતાબેન અને માતા અરુણાબેન વચ્ચે પડી પુત્રને બચાવ્યો હતો. અગાઉ થયેલા એક અકસ્માતના કારણે પિતાને ઈજા થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દવાખાને લઈ જવામાં આવ્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. શરૂઆતમાં ફરિયાદ ન કરવા છતાં પિતાએ પુત્ર સામે ફરિયાદ કરી હોવાનું જાણવા મળતાં ધર્મેન્દ્રસિંહે અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિવૃત્ત એએસઆઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.