હાલોલ બાયપાસ રોડ પર અકસ્માત, પતિ-પત્ની અને છ બાળકોને ઇજા
એક મહિલાને ફ્રેક્ચર, વડોદરા રિફર
હાલોલ |
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જઈ રહેલા ભક્તોની રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. હાલોલ બાયપાસ રોડ પર ગોપીપુરા ચોકડી નજીક તા. 30 જાન્યુઆરી, શુક્રવારે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. અકસ્માત સમયે રિક્ષામાં પતિ-પત્ની સહિત છ બાળકો સવાર હતા.

પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ તાલુકાના ડભાસી ગામના માઇભક્તો સંઘ સાથે પાવાગઢ દર્શન માટે નીકળ્યા હતા. આ દરમિયાન એક પરિવાર ઓટો રિક્ષા મારફતે પાવાગઢ જઈ રહ્યો હતો. હાલોલ બાયપાસ રોડ પર ગોપીપુરા ચોકડી નજીક પહોંચતા રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં રિક્ષા ચાલક દીપકભાઈ ભાઇલાલભાઈ ચૌહાણ તેમજ રિક્ષામાં સવાર તમામ લોકોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગીતાબેન દીપકભાઈ ચૌહાણને પગમાં ફ્રેક્ચર થતાં તેમની સ્થિતિને ધ્યાનમાં લઈ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. જ્યારે રિક્ષામાં સવાર ચાર બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ